આ ત્રણ રીતથી ટેસ્ટી ખીચડી બનાવી શકાય…એકવાર તો જરૂરથી ઘરે પ્રયોગ કરો

એકદમ કકડીને ભૂખ લાગી હોય અને ખબર પડે કે આજે જમવામાં ખીચડી બની છે તો લગભગ બધાનું રિએક્શન એક જ હશે. યાક્ક્… ખીચડી! આમ તો ખીચડી ખુબ જ હેલ્થી ખોરાક છે અને એક શ્રેષ્ઠ ડાયટ ફૂડ તરીકે ઉપયોગમાં લેવાય છે.

પણ મોટાભાગના લોકોને સારી ખીચડી પસંદ નથી આવતી. તો આજે ખીચડીમાં કંઈક એવા ટેસ્ટી ટ્વીસ્ટ લાવીએ જેથી આ યાક્ક… ખીચડી! એક દમથી યમ્મી ખીચડી! બની જાય અને હેલ્થ અને ટેસ્ટ બંને એકસાથે મળી જાય.

આપણે ૩ અલગ-અલગ પ્રકારની સ્વાદિષ્ટ ખીચડીઓ બનાવીશું. તો કઈ કઈ હશે આ ૩ ખીચડીઓ? ચાલો જોઈએ….

1. હૈદરાબાદી ખીચડી:

Image : 2blissofbaking.com

 

સાઉથ ઇન્ડિયન ફૂડ ગુજરાતમાં એક ગુજરાતી ટચ સાથે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તો આપણે સૌ પ્રથમ બનાવીશું એવી જ કંઈક ખીચડી. જે દક્ષિણ ભારતની સ્પેશિયાલિટી છે.

સામગ્રી –

  • ૧ બાઉલ બાસમતી ચોખા
  • ૧\૨ બાઉલ મગ દાળ
  • તેલ
  • ઘી
  • એક મોટી ડુંગળી
  • ૨ ટામેટાં
  • ૨ મરચાં
  • કોથમીર અને ફુદીનો
  • આદું લસણ ની પેસ્ટ
  • તેજપત્ર
  • ધાણાજીરું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર

પૂર્વતૈયારી –

  • ચોખાને સ્વચ્છ પાણીથી ધોઈને ૨૦-૨૫ મિનિટ સુધી પલાળી રાખો.
  • આ સમય દરમિયાન મગની દાળને ધીમી જ્વાળ પર, તેનો રંગ સહેજ લાલાશ પડતો થાય ત્યાં સુધી શેકી લો.
  • દાળને પણ સ્વચ્છ પાણીમાં પલાળી રાખો.

બનાવવાની રીત –

Image : 2blissofbaking.com

 

સ્ટેપ : ૧ 

સૌપ્રથમ એક મોટી તપેલીમાં અથવા જે પાત્રમાં ખીચડી બનાવાની હોય તે પાત્રમાં ૨ ટેબલ સ્પૂન તેલ તથા ૧ ટેબલસ્પૂન ઘી નાખી ગરમ કરો.

સ્ટેપ : ૨

તેલ ગરમ થયા બાદ તેજપત્ર અને ડુંગળી નાખી, તેનો રંગ સહેજ ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ સમારેલા ટામેટા અને મરચા, આદું લસણ ની પેસ્ટ નાખી હલાવો અને ૧ મિનિટ સુધી પકાવો.

સ્ટેપ : ૩

હવે સ્વાદાનુસાર મીઠું, ૧ ટી સ્પૂન હળદર પાવડર, ધાણાજીરું પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. ૨-૩ મિનિટ બાદ ચોખા અને દાળ ઉમેરી, બરાબર હલાવો. અને ૧ ટી સ્પૂન ગરમ મસાલો નાખો.

સ્ટેપ : ૪

હવે ૪-૫ કપ પાણી ઉમેરીને પાત્રને ઢાંકી દો. થોડી વારે ઢાંકણ ખોલી ને ચેક કરો અને ખીચડીને હલાવો. પાણી સૂકાય જાય અને ખીચડી બરાબર પાકી જાય એટલે ગેસની જ્વાળ બંધ કરી, ખીચડીને ૫ મિનિટ સુધી ઢાંકી રાખો.

સ્ટેપ : ૫

અને છેલ્લે કોથમીર અને ફુદીનો ઉમેરો. તો. આપણી હૈદરાબાદી ખીચડી એકદમ તૈયાર છે. ગરમાગરમ ખીચડી સવારના નાસ્તા તરીકે એકદમ પરફેક્ટ છે.

2. ઓટ્સ ખીચડી:

Image : Veg Recipes of India

સામગ્રી –

  • ૧ બાઉલ ઓટ્સ
  • ૧/૨ બાઉલ દાળ
  • ડુંગળી
  • ટામેટા
  • ગાજર , કેપ્સીકમ , વટાણા
  • મરચાં, આદુંની પેસ્ટ
  • તેલ
  • રાઈ જીરું
  • લીંબુનો રસ
  • હળદર પાવડર, ધાણાજીરું પાવડર
  • ૧ કપ પાણી

પૂર્વતૈયારી –

ઓટ્સ ખીચડી આપણે કોઈ પણ દાળ સાથે બનાવી શકીએ છીએ. જેમ કે મસૂર દાળ, ચણા દાળ, મગ દાળ વગેરે. અથવા આ બધી દાળને મિક્સ કરીને પણ બનાવી શકાય. તો જે દાળની ખીચડી બનાવાની હોય તેને બાફી લઈશું. જેથી ખીચડી વધારે ઝડપથી બનાવી શકાય.

બનાવવાની રીત –

સ્ટેપ : ૧ 

સૌ પ્રથમ એક પાત્રમાં ૨ ટેબલ સ્પૂન તેલ લેવું. તેલને બદલે ઘી કે માખણ પણ લઈ શકાય. તેલ ગરમ થયા બાદ ૧/૨ટી સ્પૂન રાઈ અને ૧/૨ ટી સ્પૂન જીરું ઉમેરો.

સ્ટેપ : ૨

ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો. બાદમાં સ્વાદાનુસાર મીઠું, ૧/૨ ટી સ્પૂન હળદર પાવડર નાખો. હવે, સમારેલા ગાજર, ટામેટા અને બીજા બધા વેજીટેબલ્સ ઉમેરો. વેજીટેબલને સરખી રીતે મિક્સ કરો.

સ્ટેપ : ૩

ત્યારબાદ દાળ ઉમેરી, અડધાં લીંબુનો રસ મિલાવો. થોડી વાર પકાવ્યા બાદ તેમાં ઓટ્સ ઉમેરો અને બરાબર હલાવો. ૧ કપ જેટલું પાણી ઉમેરીને સરસ રીતે હલાવો અને ૨-૩ મિનિટ સુધી પકાવો. ગેસની જ્વાળ બંધ કરો. તો બસ આપણી ઓટ્સ ખીચડી તૈયાર છે.

3. મિક્સ મસાલા વેજીટેબલ ખિચડી:

Image : Veg Recipes of India

સામગ્રી –

  • ૧ બાઉલ નોર્મલ ચોખા
  • ૧/૨ બાઉલ મગ દાળ
  • ૧ ડુંગળી
  • ૨ ટામેટા
  • લીલાં મરચાં
  • આદું લસણ ની પેસ્ટ
  • ગાજર, ફ્રેન્ચ બીન્સ, વટાણા, કેપ્સીકમ
  • ઘી
  • જીરું અને હિંગ
  • મીઠું, હળદર પાવડર, મરચાં પાવડર

બનાવવાની રીત –

Image : Veg Recipes of India

સ્ટેપ : ૧

સૌપ્રથમ એક પ્રેશર કુકરમાં ૨ ટેબલસ્પૂન ઘી, તેલ અથવા માખણ ગરમ કરો. ત્યારબાદ ૧ ટી સ્પૂન જીરું અને હિંગ ઉમેરો.

સ્ટેપ : ૨

ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો. હવે આદું લસણ ની પેસ્ટ અને સમારેલા મરચાં ઉમેરીને બરાબર મિક્ષ કરો. હવે ૧ ટી સ્પૂન મરચાં પાવડર, ૧ ટી સ્પૂન હળદર પાવડર અને સ્વાદાનુસાર મીઠું ભેળવી હલાવો. તથા ૧-૨ મિનિટ સુધી પકાવો.

સ્ટેપ : ૩

ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોયેલી મગની દાળ અને ચોખા ઉમેરો. બરાબર મિક્સ કરો.

સ્ટેપ : ૪

ત્યારબાદ ૫-૬ કપ પાણી ઉમેરીને કુકરનુ ઢાંકણ બંધ કરો. ૪ સીટી પડી જાય પછી કુકર ખોલો અને લો બોલો ખીચડી તૈયાર! ગરમાગરમ સર્વ કરો અને યમી ખીચડીનો આનંદ માણો.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment