બનારસની ગલીઓમાં રહેતા ગરીબ પરીવારનો દિકરો જ્યારે અમીરોના મહેણા ટોણાં સાંભળતો IAS officer બન્યો.

 એક રિક્ષાચાલકનો છોકરો બન્યો IAS ઓફિસર –

બનારસની દારૂણ ગરીબી ધરાવતા ઘરમાં એનું કુટુંબ રહેતું હતું.માંડ નાની એવી બે ખાટલા સમાઇ શકે એવી ઓરડીમાં ગુજારો…!પરિવારમાં એ છોકરો પોતે,એના મા-બાપ અને બે બહેનો.મા અને બહેનો મજુરી કરીને ગુજારો કરે અને છોકરાનો બાપ રીક્ષા હાંકે ! એમાંથી જે મળે તેનાથી માંડ કુટુંબનું પોષણ થાય.છોકરાને ભણવાની જબરી લગની એટલે મા-બાપ પેટે પાટા બાંધીને પણ એને ભણાવે.

છોકરો ગરીબ એટલે ઘણાંના મહેણા-ટોણાં સાંભળવા પડે.ઘણાં તો કહેતા કે – તું ચાહે ગમે તેટલું ભણી લે પણ છેવટે તો તારા બાપની જેમ રીક્ષા જ હાંકવાની છે…!છોકરાને આવા તો કંઇક મહેણા-ટોણા સાંભળવા પડે.પણ એ કરે પણ શું ? ગરીબોની તાકાત થોડી છે કે એ ધનવાનોની ગમે તે વાતનો વિરોધ કરી શકે ! અને કરે તો પછી એની જેવીતેવી જીંદગી પણ બરબાદ ન થઇ જાય…!છોકરો આવી વાતોથી બેધ્યાન બસ ભણ્યે જાય.

12 વર્ષની ઉંમરનો આ  બાળક છઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એક દિવસ આ છોકરો રમતા રમતા એક અમીર માણસનાં ઘરમાં જઇ ચડ્યો. અમીર માણસે છોકરાને એના ઘરના આંગણામાં જોયો એટલે એના પર તાડૂક્યા. ગુસ્સે થઈને છોકરાને કહ્યું, “તું સાયકલ રિક્ષા ચલાવનારા એક સામાન્ય માણસનો દીકરો છે. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મુકવાની ?

છોકરો હેબતાઈ ગયો. ‘આ અંકલ આટલા બધા ગુસ્સે કેમ થાય છે’ એ એને સમજાતું નહોતું. બીજા દિવસે શાળામાં એક શિક્ષકને આ છોકરાએ વાત કરી. પેલા શિક્ષકે સમજાવ્યું કે બેટા, તારા પિતાની આર્થિક પરિસ્થિતિના કારણે એ ભાઈએ તારું અપમાન કર્યું. નાના છોકરાએ પૂછ્યું, “સર, પણ કોઈ મારું અપમાન ના કરે એવું કરવું હોય તો મારે શું કરવું જોઈએ”? શિક્ષકે મજાક મજાક માં કહ્યું “એક કામ કર, તું કલેકટર બની જા પછી તારા પિતાની આર્થિક પરિસ્થિતિ સામે કોઈ નહિ જુવે અને ક્યારેય કોઈ તારું અપમાન પણ નહિ કરે”

કલેકટર શું કહેવાય એની આ છોકરાને કંઈ જ ખબર નહોતી પણ એને એ જ ક્ષણે નક્કી કર્યું કે મારે કલેકટર થવું છે. પછી તો અભ્યાસ આગળ વધતો ગયો તેમ તેમ ધ્યેય વધુ સ્પષ્ટ થતું ગયું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પરીક્ષાની તૈયારી માટે આ છોકરો દિલ્હી આવ્યો. સાયકલ રિક્ષા ચલાવીને માંડમાંડ પરિવારનો ગુજારો કરતા પિતાજીએ પણ છોકરાને ભણાવવા દેવું કર્યું. છોકરો પણ કોઈ ખોટો ખર્ચો નાં કરે બે મહિના તો માત્ર 2 વખત ચા પીવાના પૈસા નાં હોય એવી સ્થિતિમાં કાઢ્યા.

આ છોકરાએ કલેકટર બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપી. પરિક્ષના પહેલા 2 સ્ટેજ પાસ પણ કરી લીધા. હવે ઇન્ટરવ્યૂમાં જવાનું હતું પણ એની પાસે પહેરવાના સારા કપડાં કે બુટ કંઈ જ નહોતું. છોકરાની મોટી બહેન પરણીને સાસરે ગયેલી એણે પોતાની પ્રસુતિ માટે 2000 બચાવેલા. આ 2000 એમણે કપડાં અને બુટ લેવા માટે નાના ભાઈને આપી દીધા.

રિક્ષા ડ્રાઇવરના દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને કલેકટર પણ બન્યો. આ છોકરાનું નામ છે ગોવિંદ જયસ્વાલ. બાળપણમાં થયેલા અપમાને ગોવિંદને એવી લગની લગાડી કે એણે દુનિયાની સૌથી અધરી ગણાતી પરીક્ષા પણ પાસ કરી દીધી. કલેકટર બનેલા ગોવિંદના ચહેરા પર તમને જે આનંદ દેખાશે એના કરતા સાયકલ રિક્ષા ચલાવતા એના પિતાના ચહેરા પર બમણો આનંદ દેખાશે.

ગોવિંદ જયસ્વાલ પોતાની આપવીતી કહેતા કહે છે કે,ઘણા એવા પરિબળ હતાં જે મને વિમુખ કરતાં હતાં-મારા લક્ષ્ય તરફથી.તેમણે હજારો કોશીશો કરી લીધી.પણ મારી નજર માત્ર મારા પરીવાર પર હતી,મારા પરીવારની દારૂણ સ્થિતી પર હતી ! કેમ મારા મા-બાપ મારા માટે મજુરી કરે છે અને મારી બહેનો દરબદર ભાટકે છે ! બસ,આ જ વાત મારામાં જોમ ભરતી અને મારા લક્ષ્ય પ્રત્યે મને વધુ જાગૃત કરતી.

તેઓ કહે છે કે,મને અંગ્રેજી બહુ ફાવતું નહોતું ! પણ એથી કાંઇ મારા લક્ષ્યમાં ફેર નહોતો પડવાનો.મારુ મનોબળ અડગ હતું અને એમાં આવો અવરોધોનું કાંઇ ચાલવાનું હતું નહિ ! આ વાત આજના યુવાનોને પ્રેરીત કરવા પુરતી છે.અંગ્રેજી ભાષા પરની ઓછી ફાવટથી કાંઇ ફેર ના પડે.એને શીખવાની હોય !
જો મનોબળ મજબૂત હોય અને ધ્યેય પ્રાપ્તિ માટે સમર્પણભાવથી પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનાવતા રોકી ના શકે.

ભારતમાં ત્રણ હોદ્દાઓ લેવાએ દરેક યુવાનું સ્વપ્ન હોય છે : IIM,IIT અને IAS.એમાંયે IAS માટે તો વર્ષ દહાડે હજારો વિદ્યાર્થી એક્ઝામ આપે છે.પણ એમાં પાસ થવું એ લોઢાના ચણા ચાવવા બરોબર છે ! એ હોદ્દો જેટલો ઉચ્ચો છે એટલી જ એ માટેની મહેનત પણ છે.મોટા ભાગના વિદ્યાર્થીઓ અહિં ફેંકાઇ જાય છે.એ સાબિત કરે છે કે,IAS  એ ખરેખર શું છે ! ગોવિંદ જયસ્વાલ IAS બનેલા.

બાકી,તમે ગમે તેવા ગરીબ હો પણ કોઇ ફરક નથી પડવાનો.કમળ કાદવમાં જ ખીલે,ઘણા ખરા જળાશયો અત્યંત શુધ્ધ હોવા છતાં એવા શાપિત હોય છે કે,સામેય કોઇ જોતું નથી ! ગરીબી એ એક સ્થિતી છે.તેનાથી તમારા ધ્યેયમાં કોઇ ફરક નહિ પડે.

સામાન્ય સ્થિતીમાં જીવતા તેજસ્વી બાળકો માટે ગોવિંદ જયસ્વાલ એક સદાય પ્રેરણાસ્ત્રોત સમાન બની રહેશે.આવા લોકો એ પ્રેરણા આપે છે કે,અડગ મનોબળ હોય તો કોઇ તમને તમારા લક્ષ્યને આંબતા રોકી શકે એમ નથી….!

 

Leave a Comment