રામ મંદિર ની ડિઝાઈન તૈયાર કરનાર સોમપુરા પરિવારની મુલાકાત લો, જેની 15 પેઢીઓ બનાવી ચૂકી છે 131 જેટલા મંદિર…

અયોધ્યામાં રામ મંદિરની ડિઝાઇન પર સૌ પ્રથમ આ પરિવારના ચંદ્રકાન્ત સોમપુરાને ત્રણ દશકાથી વધુ સમય પહેલા કામ કરવાનું ચાલુ કર્યું. ચંદ્રકાંત હવે 77 વર્ષના છે અને હવે તેમના દીકરા આ જવાબદારી સંભાળી રહ્યા છે.

5મી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન સાથે એક નવા અધ્યાયની શરૂઆત થઈ. લાંબી રાહ જોયા પછી આ સમય આવવાનો છે. આ જોવા માટે અમદાવાદનો એક પરિવાર પણ ખુબ જ ઉત્સાહિત છે. આ પરિવાર બીજું કોઈ નહીં પરંતુ રામ મંદિરના ડિઝાઈન સાથે જોડાયેલ સોમપુરા પરિવાર જ છે. મંદિરોની ડિઝાઈનિંગ માટે આ આર્કિટેક્ટ પરિવાર દેશ-વિદેશમાં નામના ધરાવે છે. 15 પેઢીઓથી આ પરિવાર આ જ કામ કરી રહ્યું છે. પરિવારનો દાવો છે કે તેઓ અત્યાર સુધીમાં 131 મંદિરો ડિઝાઇન કરી ચૂક્યા છે.

Image Source

અયોધ્યામાં રામ મંદિરની ડિઝાઇન પર સૌ પ્રથમ આ પરિવારના ચંદ્રકાન્ત સોમપુરાને ત્રણ દશકાથી વધુ સમય પહેલા કામ કરવાનું ચાલુ કર્યું. ચંદ્રકાંત હવે 77 વર્ષના છે. પરિવારની મંદિર ડિઝાઇનની પરંપરાને હવે ચંદ્રકાંત ના બે દીકરા નિખિલ (55) અને આશિષ (49) આગળ વધારી રહ્યા છે. નિખિલ ના મતે હવે આ કડીમાં તેની આગળની પેઢી પણ જોડાઈ ગઈ છે.

Image Source

નિખિલ જણાવે છે કે ગુજરાતમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ તેમના દાદા પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કર્યું હતું. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રભાશંકર સોમપુરાએ શિલ્પ-શાસ્ત્ર પર 14 પુસ્તકો પણ લખ્યા છે. નાગર શૈલીમાં મંદિરોની ડિઝાઇનમાં વિશેષતા ધરાવતા આ પરિવારને વાસ્તુકલા નો આ ગુણ પેઢી દર પેઢી મળતો આવ્યો છે.

Image Source

ચંદ્રકાંત સોમપુરા હવે વૃદ્ધાવસ્થાના કારણે ઘરની બહાર જતા નથી. પરંતુ જ્યારે પણ તેમના દીકરાઓને મંદિરની ડિઝાઇન માટે સલાહની જરૂર પડે છે, ત્યારે તેઓ ઘરેથી દિશાનિર્દેશ કરે છે. સોમપુરા પરિવારે અક્ષરધામ મંદિર ઉપરાંત અમેરિકા અને બ્રિટનમાં સ્વામિનારાયણ મંદિરની ડિઝાઈન પણ તૈયાર કરી છે.

રામ મંદિર ડિઝાઇન પર કામ ક્યારે શરૂ થયુ?

સોમપુરા પરિવારનું કહેવું છે સૌ પ્રથમ 1989માં તેઓએ અયોધ્યામાં રામ મંદિરની ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે આ જવાબદારી ચંદ્રકાંત સોમપુરાએ લીધી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આ માટે તેમનો સંપર્ક કર્યો હતો. નિખિલ અને આશિષનું કહેવું છે કે ત્યારથી તેમનો પરિવાર ડીઝાઇન વિશે વિશ્વ હિંદુ પરિષદ સાથે સતત ચર્ચા કરતો આવ્યો છે.

કેવું હશે રામ મંદિર?

અયોધ્યામાં થનાર રામ મંદિરનું નિર્માણ ખાસ નાગર શૈલીમાં બનાવવામાં આવશે. સોમપુરા પરિવારે મંદિરની ડિઝાઇન વાસ્તુકલાને ધ્યાનમાં રાખી તૈયાર કરી છે. મંદિર હવે બેને બદલે ત્રણ માળનું હશે. નિખિલ સોમપુરાનું કહેવું છે કે રામ મંદિરનું મુખ્ય ફ્રેમ તેવું જ રાખવામાં આવ્યું છે જેવું પ્રસ્તાવિત મોડલમાં હતું.

મૂળ ડિઝાઈનમાં ફેરફાર પછી હવે મંદિરમાં 318 સ્તંભ બનશે. નવી ડિઝાઈન પ્રમાણે મંદિર ની પહોળાઈ 235 ફૂટ, લંબાઈ 360 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે. મંદિરના ગર્ભગૃહ પહેલા ત્રણ શિખરવાળા સ્તંભો હશે. સૌથી પહેલા ભજન-કીર્તન માટે જગ્યા, બીજામાં ધ્યાન અને ત્રીજામાં રામ લલ્લાના દર્શનની વ્યવસ્થા હશે. મંદિરના ગર્ભગૃહમાં પૂજારી સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરના બીજા માળે રામ દરબાર હશે, જ્યાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની સાથે હનુમાન પણ બિરાજમાન હશે.

Image Source

નાગર શૈલીમાં નિર્માણ થશે

નિખિલ સોમપુરા ભારતીય મંદિરોના સ્થાપત્યની ત્રણ શૈલીઓ જણાવે છે – નાગર, દ્રવિડ અને વેસારા. રામ મંદિરની રચના ઉત્તર ભારતમાં પ્રચલિત નાગર શૈલીમાં કરવામાં આવી છે.

આ શૈલીની વિશેષતા એ છે કે તેનું ગર્ભગૃહ અષ્ટકોણ આકારનું હોય છે અને મંદિરનો પરિઘ ગોળાકાર બનેલો છે. ગુજરાતમાં સોમનાથ મંદિર પણ આ શૈલીમાં બનેલું છે. સોમપુરા પરિવાર પણ તે ક્ષણોની રાહ જોઈ રહ્યો છે જ્યારે 5મી ઓગસ્ટે ભૂમિપૂજનની સાથે તેઓ તેમની ડિઝાઇન પર ભવ્ય રામ મંદિરના નિર્માણ તરફ આગળ વધવાનું શરૂ કરશે.”

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment