અમુક અતિ સુધરેલા લોકોના કહેવા પ્રમાણે,ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું કદી સન્માન નથી થયું,સ્ત્રીઓને કદી પુરુષ સમોવડી માનવામાં નથી આવી ને એવું બધું…!પણ ખરેખર તો એ વાતો એમની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે.બાકી,ભારતવર્ષમાં વિશ્વની કોઇપણ સંસ્કૃતિ કરતા વધારે અને સદાબહાર નારીઓએ જન્મ લીધો છે – એ વાત પણ ભૂલવા જેવી નથી !એક એવું જ જબરદસ્ત નારીરત્ન એટલે – ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઇ.જેમણે ભરયુવાનીમાં કઠોરત્તમ પરિસ્થિતીઓનો સામનો કરીને પોતાના સામ્રાજ્યને આંચ નહોતી આવવા દીધી.અંગ્રેજોને પણ જેની પ્રશંસા માટે મજબુર બનવું પડેલું અને હજારોની સેના પણ જેની પાસે જતાં ડરતી એવા સામ્રાજ્ઞી લક્ષ્મીબાઇને આજેપણ ભારત ગર્વથી યાદ કરે છે.
લક્ષ્મીબાઇનો જન્મ ૧૮ નવેમ્બર,૧૮૩૫ના દિવસે વારાણસીની પવિત્ર ભુમિ પર અસીઘાટ ખાતે થયેલો.તેમના પિતાનુ નામ મોરોપંત તાબે અને માતાનું નામ ભાગીરથી બાઇ.લક્ષ્મીબાઇનું મુળ નામ “મણિકર્ણિકા” હતું,લાડથી બધાં એને “મનુ” કહીને બોલાવતાં.મનુ બાળપણથી જ ચંચળ,જિજ્ઞાસુ અને સાહસી સ્વભાવની હતી.
પિતા મોરોપંત તાંબે એક સાધારણ કક્ષાના બ્રાહ્મણ હતાં અને મરાઠા સામ્રાજ્યના અંતિમ રાજા પેશ્વા બાજીરાવ [ દ્વિતીય ]ના દરબારમાં સૈનિક તરીકેની ફરજ બજાવતા હતાં.કમનસીબે મનુ ચારેક વર્ષની હતી અને માતા ભાગીરથી બાઇ અવસાન પામ્યા.મોરોપંત એને લઇને બિઠુર આવ્યા.હવે ઘરે તો મનુની સંભાળ લેનાર કોઇ હતું નહિ.આથી,પિતા મોરોપંત એને પોતાની સાથે બાજીરાવના દરબારમાં લઇ જતાં.જ્યાં મનુએ પોતાના ચંચળ અને મોજીલા સ્વભાવને લીધે બધાના મન મોહી લીધી.બાજીરાવના દરબારમાં રહેવાનું મનુને મળેલું સૌભાગ્ય એ કાંઇ જેવી તેવી વાત નહોતી.મનુને અહિં લાડથી બધાં “છબીલી” કહીને બોલાવતાં.
અહિં બિઠુરમાં રહીને મનુ કદાવર બની.એણે મલ્લવિદ્યામાં સિધ્ધતા હાંસલ કરી.અશ્વવિદ્યામાં પારંગત બની.તલવારબાજીમાં કુશળ બની.હવે મનુ એક વિરાંગના બની ગઇ હતી.અહિં નાના સાહેબ પેશ્વા અને તાત્યા ટોપે જેવા સંગાથી મિત્રો મનુને મળ્યા.ત્યારે ખબર નહોતી કે,પેશ્વાના દરબારમાં ઉછરી રહેલી આ ત્રિપુટી એક સમયે ભારતભરને ધ્રુજાવવાની હતી…!
માત્ર સાત વર્ષની ઉંમરે તેમનો વિવાહ ઝાંસીના મરાઠા રાજવી ગંગાધરરાવ નેવાલકર સાથે થયો.અત્યારની કન્યાઓ હજી તો ઢીંગલીઘર રમતી હોય છે,એ ઉંમરમાં મનુ મહારાણી બની…!બાળવિવાહ ખરેખર ભલે ઉચિત ના હોય પણ મનુની વાત જુદી હતી.એ સામાન્ય નારી નહોતી.સક્ષાત્ “મહાકાલી” કહો તોયે ખોટું નથી.હવે મણિકર્ણિકા “મનુ” મટીને “મહારાણી લક્ષ્મીબાઇ” બની.
સને ૧૮૫૧માં મનુએ પુત્રને જન્મ આપ્યો.પણ માત્ર ચાર મહિનામાં પુત્ર અવસાન પામ્યો.આ બાજુ હવે ગંગાધરરાવની તબિયત પણ કથળતી જતી હતી.હવે રાજના વારસદારનો ખતરો હતો.અંગ્રેજો ભારત પર અજગરની માફક ભરડો લઇ રહ્યા હતાં.એમાંયે અંગ્રેજ ગવર્નર ડેલહાઉસીની “ખાલસાનીતિ” હિન્દુસ્તાનને સમ્રાટો વિહોણું કરવાની ચાલ હતી.જે રાજ્યનો કોઇ વારસદાર ના હોય એને ખાલસા અર્થાત્ હડપ કરી લેવાનું…!
આથી,ઝાંસીની આ બેલડીએ એક દત્તકપુત્ર લીધો.જેનું નામ “ગંગાધર રાવ” રાખ્યું.એ પછી ૨૧ નવેમ્બર,૧૮૫૩ના રોજ ગંગાધરરાવનું મૃત્યુ થયું.એ પછી ખંધા અંગ્રેજોએ કોર્ટમાં ઝાંસી વિરૂધ્ધ કેસો ઠોક્યા કે,દામોદરરાવ ઝાંસીનો અસલ વારસદાર ગણાય નહિ,માટે અંગ્રેજ સલ્તનતમાં જ ઝાંસિ આવવું જોઇએ…!કોર્ટમાં વિવાદો ચાલ્યાં.પણ આખરે અહિં ન્યાય તો હતો નહિ.ખાલી નાટક જ હતાં.કોર્ટ પણ એની ને કાયદો પણ એનો ! અંગ્રેજોએ ઝાંસીનો ખજાનો હડપ કર્યો.અને ગંગાધરરાવન કર્જની રકમ ઝાંસીની વર્ષની આવકમાંથી લેવાનો ઠરાવ થયો.પણ મહારાણી લક્ષ્મીબાઇ હિંમત ના હાર્યા.અત્યારના ભારતની યુવતીઓ જે ઉંમરમાં કોલેજના પગથિયાં ચડે છે અને લારીઓ પર પાણીપુરી ખાય છે એનાથી નાની ઉંમરમાં લક્ષ્મીબાઇએ સંકલ્પ લીધો હતો કે,મારા જીવતા જીવ અને મારા શરીરમાં પ્રાણનો એક અંશ પણ હશે ત્યાં સુધી કોઇની તાકાત નથી કે મારી ઝાંસીને હાથ લગાવી શકે…!
એ પછી ભારતભરમાં અંગ્રેજો વિરુધ્ધ આગ ભભૂકી ઉઠી.૧૮૫૭ના સ્વાતંત્ર્યતા સંગ્રામની રણહાક ગાજી.ઝાંસીએ પણ એમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.લક્ષ્મીબાઈએ સેનાને સુગઠિત કરી.ઉપરાંત મહિલાઓને પણ સેનામાં સ્થાન આપ્યું.નારી સશસ્ત્રવાહિનીની રચના કરી.પૂર્ણ શિક્ષા આપી,ચાર દિવાલોની વચ્ચે રહેતી નારીઓ હવે નારાયણી બની ! અત્યારે માત્ર વાતો થાય છે – મહિલા સશક્તિકરણની,લક્ષ્મીબાઇએ આ વાત કરી દેખાડી હતી…!સેનામાં તેમના જેવો ચહેરો ધરાવતા ઝલકારીબાઇ પણ સામેલ હતાં.
૧૮૫૭ના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પાડોશી રાજ્યો દતિયા અને ઓરછાએ ઝાંસી પર આક્રમણ કર્યું.લક્ષ્મીબાઇ બંનેને ધૂળ ચાટતા કર્યાં.૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ ફોજે ઝાંસી પર કુચ કરી,કારણ કે ઝાંસી હવે કાબુ બહાર જઇ રહ્યું હતું અને પ્રમુખ ગતિવિધીઓનું કેન્દ્ર બન્યું હતું.માર્ચમાં અંગ્રેજ ફોજે શહેર ફરતો ઘેરો ઘાલ્યો.કેટલાય દિવસો સંગ્રામ ચાલતો રહ્યો.ઝાંસીએ લક્ષ્મીબાઇના નેતૃત્વમાં અંગ્રેજ ફોજનો બરાબર સામનો કર્યો.પણ આખરે વિષમ પરિસ્થિતીઓમાં બધાંએ રાણીને શહેર છોડી ચાલ્યા જવા કહ્યું.રાણી નાછુટકે પુત્ર દામોદરરાવને લઇને નીકળી ગયા.અંગ્રેજોએ શહેર પર કબજો કર્યો.
મહારાણી કાલપી આવ્યા.અહિં તાત્યા ટોપેનો સહયોગ મળ્યો.એ પછી તેમણે સાથે મળીને ગ્વાલિયરના કિલ્લા પર કબ્જો મેળવ્યો.જે કંપનીના વફાદાર શિંદેની માલિકીનો હતો.મહારાણીએ અપૂર્વ વિરતાનો પરિચય આપ્યો.એ પછી ૧૭ જૂન,૧૮૫૮ના ગ્વાલિયર પાસે કોટેની સરાઇમાં અંગ્રેજો સામે લડતાં લડતાં મહારાણી વિરગતીને પ્રાપ્ત થયાં.આ અંતિમ યુધ્ધમાં તેમણે પોતાના પુત્રને પીઢ પર બાંધીને બંને હાથમાં તલવાર અને મુખમાં ઘોડાની લગામ લઇને સાક્ષાત્ રણચંડીનું સ્વરૂપ ધારણ કરેલું.મૃત્યુ સમયે તેમના મુખ પર પીડા નહિ,અલૌલિક ક્રાંતિની આભા હતી.અંતિમ સમયે તેમના પુત્ર પર નજર નાખી અને આ નારી સદાય માટે સ્વર્ગે સીધાવી,ક્રાંતિની અમર જ્યોત પાછળ મૂકીને સ્તો…!એની વિરતાના વખાણ અંગ્રેજ જનરલ હ્યુરોજએ પણ કર્યાં છે.
આર્યાવર્તની આ વિરાંગનાને બિરદાતવા કવિયત્રિ શ્રીસુભદ્રાકુમારી ચૌહાણએ અમર કાવ્ય લખ્યું છે :
सिंहासन हिल उठे राजवंशों ने भृकुटी तानी थी,
- बूढ़े भारत में आई फिर से नयी जवानी थी,
- गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी,
- दूर फिरंगी को करने की सबने मन में ठानी थी।
- चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी,
- बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
- खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
શત્ શત્ વંદન એ આર્ય રમણીને…!
મહારાણી લક્ષ્મીબાઇની એકમાત્ર સાચી તસ્વીર,જેને અંગ્રેજ ફોટોગ્રાફર જોન સ્ટોન એન્ડ હૌફમેન એ ૧૮૫૦માં ખેંચી હતી :
– Kaushal Barad