હવે ઘરે બેઠા બનાવો સરળ રીતે 🍨આઈસ્ક્રીમ🍧… પછી ગરમીને કહો બાય-બાય

ઉનાળાની સીઝન ચાલી રહી છે અને સખત ગરમીમાં બધાનાં હાલ બેહાલ થઈ ગયા છે. આકાશમાંથી આગ વરસતી હોય એવું લાગે છે. મકાઈને તડકામાં મૂકીએ તો પોપકોર્ન બનતા જરાય વાર લાગે તેમ નથી.

આવી ગરમીમાં ઠંડી ઠંડી અને ટેસ્ટી આઈસ્ક્રીમ મળી જાય તો આહાહા….મજા પડી જાય, ખરું ને? તો ચાલો આજે આપણા ઘરે જ આઈસ્ક્રીમ બનાવીએ પણ એક કરકરા ટ્વીસ્ટ સાથે. તો આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ પાપડી. સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું ને? તો સૌથી પહેલાં જોઈએ કે ક્યાં ક્યાં ઇન્ગ્રિડિઅન્સ જરૂરી છે આપણી ઠંડા – કૂલ આઈસ્ક્રીમ અને કરકરી પાપડી માટે.

આઈસ્ક્રીમ માટે સામગ્રી :

– ૧ લિટર દૂધ

– ૨ મોટા ચમચા ઠંડું ક્રિમ

– ૨ મોટા ચમચા કોર્ન ફ્લોર

– ૨00 ગ્રામ ખાંડ

– થોડા ટીપાં કેસરનું એસન્સ

– ખાવાનો લીલો રંગ

– ૧ ટી સ્પૂન આઈસ્ક્રીમ પાઉડર

– આઈસ્ક્રીમ જમાવવા માટે

– ગોળ સંચા

પાપડી માટે સામગ્રી :

– ૨૦૦ ગ્રામ મેંદો

– ૫૦ ગ્રામ માખણ

– લોટ બાંધવા માટે પાણી

– તળવા માટે ઘી

                તો હવે બનાવીએ ટેસ્ટી આઈસ્ક્રીમ પાપડી…

Step 1

સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરો. એક વખત ઊભરો આવી જાય પછી ગેસની જવાળ ધીમી કરી દો. અને ૧૦ મિનિટ ઉકળવા દો. એક કપમાં કોર્ન ફ્લોર, આઈસ્ક્રીમ પાઉડર તથા થોડું ઠંડું પાણી ભેળવી આ મિશ્રણને ઉકળતાં દૂધમાં નાખી હલાવો દૂધનું મિશ્રણ તળીયે બેસી ન જાય તેનું ધ્યાન રાખવું. મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી સતત ચમચાથી હલાવતાં રહો. ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ પડવા દો.

Step 2

એકદમ ઠંડુ થઈ જાય પછી તેમાં ઠંડુ ક્રિમ, એસન્સ અને લીલો રંગ ભેળવી બ્લેન્ડ કરી લો. ત્યારબાદ એલ્યુમિનિયમનાં વાસણમાં કાઢી અને ફ્રિઝરમાં મૂકી દો. ૧૫-૨૦ મિનિટ બાદ આઈસ્ક્રીમ જામવા લાગે કે તરત તેને ચમચાની મદદથી હલાવીને ફરી ફ્રિઝમાં મૂકો. ૧૦ મિનિટ બાદ ફરી એકવાર હલાવીને, ગોળ સંચામાં ભરી ફ્રિઝમાં મૂકી દો અને સંચાને ઢાંકી દો.

Step 3

તો આઈસ્ક્રીમ જામવા મૂકી છે ત્યાં સુધીમાં પાપડી રેડી કરી લઈએ. તેના માટે મેંદાને એક બાઉલમાં લો અને તેમાં માખણ ભેળવો. ત્યારબાદ ઠંડા પાણીથી કઠણ લોટ બાંધો. તેને ૨૦ મિનિટ સુધી એક કપડાંથી ઢાંકીને રાખી દો.

Step 4

તે પછી ફરીથી લોટને ખુંદી, પોચો બનાવો. આ લોટમાંથી નાની નાની પૂરીઓ વણો. જે સંચામાં આઈસ્ક્રીમ જામવા મૂક્યો હોય, તે સંચાના માપની ગોળ પાપડી કાંપી, કાંટાથી કાણાં પાડો જેથી પૂરી ફૂલે નહીં. સ્વચ્છ કાતરથી પૂરીની કિનારીઓ થોડી કાંપી લઈને એક ઝાલર જેવું બનાવો. પાપડી આછા બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. પાપડીને ઓવનમાં સેકી પણ કરી શકાય.

                તો હવે, આપણી આઇસ્ક્રીમ અને પાપડી બંને સર્વ કરવા માટે તૈયાર છે. તો બે પાપડી વચ્ચે આઈસ્ક્રીમને દબાવીને ફટાફટ સર્વ કરો. નહીતર આઈસ્ક્રીમ પીગળી જશે…

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment