ગુજરાતના Top 10 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો

ગુજરાતના ઘણા તીર્થધામો,શહેરો તેની વિવિધ ખાસિયતો વિશે જાણીતા છે.પણ કુદરતને જ્યાં પેટ ભરીને માણી શકાય એવા સ્થળોની વાત આવે તો ? એવા સ્થળો કે જ્યાં માત્ર કુદરતની જ લીલાઓ આગળ રાચવાનું હોય,ઇશ્વરના બક્ષેલા પ્રાકૃતિક તત્વો નિહાળવાના હોય ! એવા સ્થળો પણ છે ગુજરાતમાં કે જ્યાં તમે પ્રકૃતિને પેટ ભરીને પામી શકો.જેના વિશે વાંચીને કદાચ તમે ત્યાં જવાનો પ્લાન પણ બનાવી શકવા મજબુર બનો ! અને ત્યાં જઇ આવ્યાં બાદ એ પ્રવાસ તમારી જીંદગીનું યાદગાર સંભારણું બની રહે.આવો આવા દસ “ધી બેસ્ટ” ફરવાલાયક સ્થળોની યાદી વાંચીએ –

1.ગીરનું જંગલ :

– ગુજરાતનો સૌથી મોટો અયણ્ય વિસ્તાર એટલે ગીર ! વનરાજોની વસ્તી ધરાવતો અદ્ભુત અરણ્ય સંગમ.અનેક જાતના વૃક્ષો ધરાવતો અને અનેક નદી નાળાં સમેત ઝરણા ધરાવતો ભવ્ય પ્રકૃતિ મહોત્સવ ! માઇલો સુધી પથરાયેલ ગીરનું જંગલ પ્રકૃતિની પૂર્ણતા છે.

– અહિં આવેલ “ગીર નેશનલ પાર્ક”ની મુલાકાત ખરેખર લેવા જેવી છે.ગીરમાં આવ્યા પછી સિંહ જોવા ન મળે તો તો થઇ રહ્યું ! એ ઉપરાંત પણ અનેક પ્રાણીઓ અહિં મુક્ત રીતે વિહરે છે.પ્રકૃતિ અને પ્રાણીઓના સંગમ સ્થાન સમાન આ સ્થળની મુલાકાત લેવી સદાય અવિસ્મરણીય બની રહેશે.

2.સાપુતારા :

– સાપુતારા વિશે એક વાત તો પ્રસિધ્ધ જ છે કે,ગુજરાતમાં હવા ખાવા માટેનું તે એકમાત્ર સ્થળ છે…!ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલ સાપુતારાની ભવ્ય પહાડીઓ ખરેખર મનમોહક છે.અહિં પ્રકૃતિ ખોબે ખોબે પથરાઇ છે.માનવીના ઔદ્યોગિકરણએ હજી અહીં બહુ પગપેસારો નથી કર્યો.

– સાપુતારા મુખ્યત્વે ડાંગના આદિવાસીઓનું રહેઠાણ હતું.અહિં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે.ખાસ તો નૌકાવિહાર માટે જળાશય ! આહ્લાદક અનુભવની સાચી મજા !ઉપરાંત અહિં પહાડીઓ પરથી સનસેટ અને સનરાઇઝ પોઇન્ટનો લ્હાવો પણ લીધા જેવો છે.સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મુખ્ય આકર્ષણ બની રહે છે.

3.તારંગા –

– મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી અંદાજે ૧૨૦૦ ફિટ ઉંચી આ ટેકરી આવેલી છે.મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે.અહિંની પર્વતીય સુંદરતા જોવાલાયક છે.ઉપરથી માઇલો સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા નજરે પડે છે.

– અહિં જૈન મંદિરૌ આવેલા છે.કુમારપાળે અહિં ભગવાન અજિતનાથનું સુંદર દેરું બનાવેલું.અહિં ઘણા જૈન મંદિરો આવેલા છે.જૈન લોકો માટે આ સ્થળ શ્રધ્ધાનું કેન્દ્ર છે.અહિંની મુલાકાત પણ મનોહર છે.

4.પાલિતાણા –

– ભાવનગરમાં આવેલ જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થળ છે.આ નગરને “મંદિરોનું શહેર” પણ કહેવાય છે.અહિં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે.અદ્ભુત કોતરણી અને પવિત્રતાનો સંગમ ! બસ,જોતા જ રહીએ એવી આહ્લાદક અનુભુતિ અને શાંતિનો અનુભવ અહિં થયા વિના રહેતો નથી.

– જૈનોના પ્રથભ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલ આ તીર્થંને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે.દેરાસર પાસે અહિં મુસ્લીમોની પવિત્ર દરગાહ પણ આવેલ છે.અહિંનું નયનરમ્ય વાતાવરણ બધાંને આકર્ષિત કરનાર છે.

5.ગિરનાર :

– ગીરની લીલોતરી વિશે તો આગળ વાત કરી પણ હવે ગીર જેને લીધે જાણીતું બન્યું એવા ગિરનાર વિશે.ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠત્તમ ઉંચાઇ ! જુનાગઢની ઉપર ગિરનાર જાણે પડછાયો બનીને ઉભેલ છે.

– અહિંના ધોધો,અહિંના ઝરણાં અને અહિં મળતી અનેક ઔષધિઓ.દિવસરાત ભટકતાં જ રહો એવો આશય ઉભો થાય ! ગિરનારની ટૂંક ઉપર ગુરૂદત્ત બીરાજે છે.તો ઉપરકોટનો કિલ્લો પણ એની ભવ્યતા માટે આકર્ષક છે.

– ગિરનાર પર હિંદુ,જૈન અને બૌધ્ધ ધર્મના તીર્થસ્થળ આવેલા છે.કહેવાય છે કે,ગિરનાર ના ચડે એ વ્યક્તિએ કુદરતને જોઇ જ નથી !

6.તુલસીશ્યામ –

– ગીરની રમણીય વનરાઇઓમાં આવેલ આનંદમય પ્રકૃતિ ધરાવનાર તીર્થસ્થળ ! અહિં ઉના થઇને જઇ શકાય છે.જ્યારે જુનાગઢથી ૧૨૩ કિલોમીટરનું અંતર કાપી સત્તાધાર અને ધારી ઉપરથી પણ જઇ શકાય.અહિં આસપાસ કોઇ ગામ નથી,માત્ર અફાટ ગીરનું વન પથરાયેલ છે ! રાત્રે અહિં રસ્તા પર વાહન રોકવાની મનાઇ છે.વન્યજીવોનો અહિં વિહાર છે.ભગવાન વિષ્ણુ અને વૃંદા અર્થાત્ તુલસીના મહિમાનો સિતાર આપે છે તુલસીશ્યામ ! અહિં વૃંદા રીસાયા હતાં.

– કુદરતી સૌદર્યથી ભરપુર છે આ સ્થળ. અહીંના જંગલમાં ઘોડા, હરણ, સિંહ વગેરે જોવા મળી આવે છે. આ જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયા શ્યામસુંદર ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે.

7.ગીર કનકાઇ –

– ગીરની સુંદરતા અને પ્રકૃતિની વિશાળતા નિહાળવી હોય તો આ સ્થળે જવું જ રહ્યું.અહિં કનકાઇ માતાજીનું મંદિર આવેલ છે.પ્રકૃતિ અહિં પુરજોશમાં ખીલી છે.સદાય લીલીછમ વનરાજીઓની વચ્ચે આ સ્થળ આવેલ છે.તુલસીશ્યામની જેમ જ અહિં પણ સર્વત્ર જંગલ છે.તુલસીશ્યામથી ૨૨ કિ.મી.દુર આ સ્થળ આવેલ છે.

– અહિં વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણકે જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. તેમજ સાસણગિરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે.પણ છતાંયે આ સ્થળનો લ્હાવો લેવાની એ જ સાચી મજા છે…!

8.માંડવી બીચ –

– કચ્છનો એક લાવણ્યમય વિસ્તાર એટલે માંડવી બીચ…!માંડવી શહેરનો આ દરિયા કિનારો ખરેખર અદ્ભુત છે.અહિં દુર સુધી સમુદ્રનું સ્ફટિકમય પાણી જોવા મળે છે.એકદમ સ્વચ્છ…!અહિંનો બીચ આ ખાસિયત માટે જ લોકપ્રિય બન્યો છે.આ ઉપરાંત માંડવી કલાઓના નમુના પણ મળી જાય છે.કચ્છનું ભરત-ગુંથણ ઇત્યાદિ કલાઓ માટે પણ માંડવીની મુલાકાત લેવા જેવી ખરી.અને ખાસ તો અહિંના સમુદ્રી વાતાવરણ માટે…!

9.ચોરવાડ બીચ –

– દરિયાની સુંદરતા નિહાળવા માટે આ બીચ પણ લોકપ્રિય છે. ચોરવાડના કિનારે આવેલ આ બીચ પર હોલિ ડે કેમ્પનું પણ આયોજન થાય છે.અહિંના બીચની સુંદરતાથી આકર્ષાયને સહેલાણીઓ અહિં વિહાર અર્થે આવે છે.અહિં નવાબનો પેલેસ પણ ખાસ જોવાલાયક છે.

– જુનાગઢ જીલ્લામાં આ સ્થળ આવેલ છે. નાઘેરના પ્રદેશની પશ્વિમ તરફથી શરૂઆતનું બિંદુ એટલે ચોરવાડ ! ચોમાસામાં અહિંનો સમંદર ગાંડોતૂર બને છે,માટે શિયાળા અને ઉનાળાનો સમય અહિં વિહાર માટે ઉત્તમ છે…!

10.દિવ –

– ઉનાથી થોડે દુર આવેલ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પહેલા ફિરંગીઓનું શાસન હતું.અહિંના સમુદ્રની સુંદરતા ભારતભરમાં વિખ્યાત છે.અનેક ફોરેનર લોકો અહીં વિહાર અર્થે આવે છે.અહીંનો સમુદ્ર નજારો અને પોર્ટુગીઝોનો કિલ્લો ખાસ જોવાલાયક છે.

– દરિયામાં થોડે દુર વિશાળ જેલ આવેલી છે.પણ ત્યાં જવાનો પ્રતિબંધ હોઇ કોઇને જવા દેવામાં આવતા નથી.

11. સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સાલ ૨૦૧૮માં સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેસ્ટીનેશન આપ્યું. આજે સરદાર પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં આકર્ષણનું કેન્દ્ર છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે, જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જીલ્લાના કેવડીયા ગામની મુલાકાત લે છે.

સરદાર પટેલની વિશાળ પ્રતિમા ૭ કિમી દૂરથી નજર આવે છે. અને બાજુમાં નર્મદા જેવો વિશાળ જળસંગ્રહનું સ્થાન. આ બધું સાથે મળીને કેવડીયા ફરવા જવા માટેનું મન બનાવે છે

 આ યાદી થઇ ગુજરાતના મંત્રમુગ્ધ વિહાર અર્થેના સુંદરતાથી ભરપૂર સ્થળોની…!

– Kaushal Barad.

Leave a Comment