જંબુસરનાં કંબોઈ ગામ નજીક એક મંદિરમાં થતી અલોકિક ઘટના

ભગવાન શિવનો મહિમા તો અપરંપાર છે. તેમનાં ૧૨ જ્યોતિર્લિંગો અને અનેક શિવમંદિરો વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ આજે વાત કરીએ એક એવા શિવાલયની જે નિત્ય પ્રાતઃ કાળે અને સાંધ્યકાળે ભક્તોની આંખોથી ઓઝલ થઇ જાય છે.

આ વાત છે શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. વડોદરાથી અંદાજે ૬૦ કિમી દૂર, કાવી-કંબોઈ ગામ નજીક આવેલું આ અદ્દભુત શિવાલય અરબ સાગર તટની અત્યંત નિકટ હોવાનાં કારણે ભરતીનાં સમયે પાણીમાં ગરકાવ થઈ જાય છે.

તેથી થોડા સમય માટે મંદિર અદ્રશ્ય થઈ ગયું હોય તેવો ભાસ થાય છે. સ્વયં સમુદ્ર દેવતા ભગવાન શિવનો જળાભિષેક કરે છે એમ
કહીએ તો પણ કંઈ ખોટું નથી!

મંદિરના પૂજારીઓ દર્શનાર્થીઓને દરરોજ પત્રિકાઓ વહેંચે છે જેમાં ભરતી અને ઓટનાં તથા દર્શન માટેના સમયની માહિતી હોય છે. આ અદ્ભુત મંદિરના દર્શન કરવા દૂર દૂરથી શ્રધ્ધાળુઓ આવે છે અને જગતના નાથ એવા ભોળા ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવે
છે. સંધ્યાકાળે જ્યારે સાગરદેવ સંપૂર્ણ શિવાલયને પોતાની અંદર સમાવી લે છે ત્યારે અત્યંત દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાય છે.

આમ તો આ મંદિરની શોધ આશરે ૧૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. પરંતુ શ્રી મહાશિવપુરાણમાં, રૂદ્ર સંહિતા ભાગ-૨ માં આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. આ શિવાલયમાં સ્થિત શિવલિંગ ૪ ફૂટ ઊંચું અને ૨ ફૂટ વ્યાસ ધરાવે છે.

એવું કહેવાય છે કે આ મંદિરના નિર્માણ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. તારકાસુર જે મહાદેવનો બહુ મોટો ભક્ત હતો, તેણે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે માત્ર ભગવાન શિવનો ૬ વર્ષનો પુત્ર જ તેનો વધુ કરી શકે અન્ય
કોઈ નહીં.

આ વરદાન મેળવ્યા પછી ત્રણેય લોકમાં તેના અત્યાચારો અસહ્ય થઈ પડ્યાં. ત્યારે ૬ વર્ષીય કાર્તિકેયે તેનો વધુ કર્યો. પરંતુ એ જાણ્યાં પછી કે તારકાસુર મહાદેવનો પરમ ભક્ત હતો, કાર્તિકેયે મનોમન અપરાધભાવ અનુભવ્યો તથા જગતપાલક ભગવાન વિષ્ણુનાં કહેવાથી,
પશ્ચાતાપ સ્વરૂપે કાર્તિકેયે સ્તંભેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી.

અધ્યાત્મિક તથા ધાર્મિક મહત્વ ધરાવતું આ શિવાલય કેટલું અદ્ભુત છે. જ્યાં પ્રકૃતિ સ્વયં પરમાત્માનો જળાભિષેક કરે છે. ખરેખર શિવનો મહિમા અપરંપાર છે…

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment