આ સરળ રીતે તૈયાર કરો લગ્નનું આણું…ચોક્કસ મદદ થશે !!

આ પ્રશ્ન દરેક યુવતીને મૂંઝવતો હશે. ક્યાંથી શરૂઆત કરવી, કઈ-કઈ વસ્તુઓ લેવી અને ક્યાંથી? આ બધાનો એક જ જવાબ કે પહેલાં લિસ્ટ બનાવો. લિસ્ટ એટલે? લિસ્ટ એટલે જે વસ્તુઓ ખરીદવાની છે એની યાદી બનાવવી. કેટલાં જોડી કપડાં એમાં પણ કેટલાં ઇન્ડિયન વેઅર અને કેટલાં વેસ્ટર્ન વેઅર, કેટલો દાગીનો લેવા છે, કેટલી ઍક્સેસરીઝ લેવી છે વગેરે-વગેરે

ક્યારેય વિચાર્યું છે કે આણું શા માટે આપવામાં આવે છે? એક દીકરી પોતાના નવા ઘરમાં તેની નવી જિંદગીની શરૂઆત કરવાની છે. નવું વાતાવરણ, નવા લોકો, નવી વિચારધારામાં મિક્સ થતાં વાર લાગે છે અને દીકરીને જો આણું વ્યવસ્થિત આપવામાં આવે તો તેને વારેઘડીએ નાની-નાની વસ્તુ માટે હાથ લાંબો ન કરવો પડે.

પ્લાન કરો

લગ્ન નક્કી થાય એવી જ યાદી બનાવવાનું નક્કી કરો. જો તમારાં લગ્નને એક વર્ષ કે છ મહિનાનો ટાઇમ છે તો તમે લકી છો. તમે તમારી ચૉઇસ પ્રમાણે શૉપિંગ કરી શકો. કપડાં, જ્વેલરી, રોજબરોજની વસ્તુઓ ક્યાંથી લેવી છે એનું લિસ્ટ બનાવવું. તેમ જ જ્યારે-જ્યારે શૉપિંગ પર જવાનું હોય ત્યારે પ્લાન કરવું કે સૌથી પહેલાં કઈ જગ્યાએ જવું છે. ત્યાર બાદ ધીરે-ધીરે જેમ-જેમ વસ્તુઓ લેવાતી જાય તેમ એને ટિક કરતા જાઓ જેથી એક વસ્તુ બીજી વખત ન લેવાઈ જાય.

કપડાં

સૌથી પહેલાં તમારે કેટલી જોડ લઈ જવાં છે એ નક્કી કરો જેમ કે ૨૧ જોડ, ૫૧ જોડ કે ૧૦૧ જોડ. એમાં પણ કેટલાં કૅઝ્યુઅલ અને કેટલાં ફૉર્મલ, કેટલાં ઇન્ડિયન વેઅર અને કેટલાં વેસ્ટર્ન વેઅર, કેટલી સાડી લેવી છે એ નક્કી કરવું. સૌથી પહેલાં ડ્રેસની વાત કરીએ. તમે ડ્રેસમાં પણ અલગ-અલગ રીતે લઈ શકો, જેમ કે ચાર કે પાંચ સેમી-ફૉર્મલ કુરતી અને એની સાથે લેગિંગ્સ કે પલાઝો કે સિગાર પૅન્ટ. તમારી બૉડી-ટાઇપને આધારે લેગિંગ્સ, સિગાર પૅન્ટ કે પલાઝોની પસંદગી કરવી.

ત્યાર બાદ બે કે ત્રણ ફુલ લેન્ગ્થ કલીદાર અને બે કે ત્રણ સૂટપીસ જે તમે લગ્ન બાદ પણ સિવડાવી શકો. જો તમે સાડી પહેરવાનાં શોખીન હો તો એવી પાંચ યુનિક સાડી લેવી જે ક્યારે પણ આઉટ ઑફ ફૅશન ન થાય જેમ કે બાંધણી, પટોળું, કાંજીવરમ અને બે ફૅન્સી સાડી જેમાં એક ગોલ્ડન કલરની અને એક બ્લૅક કલરની. પાંચ જ સાડીનું વેરિએશન તમે બધી જાતનાં ફંક્શનમાં પહેરી શકશો. ધ્યાનમાં રાખવા જેવી ખાસ વાત એ છે કે બધી જ સાડીનાં બ્લાઉઝ એકસાથે ન કરાવવાં.

જો લગ્ન પછી શરીર થોડું પણ વધશે તો બ્લાઉઝ નહીં થાય. એટલે જેમ-જેમ સાડી પહેરવાનો વારો આવે તેમ-તેમ બ્લાઉઝ કરાવવાં. વેસ્ટર્ન વેઅર માટે એક કે બે ક્લાસિક ડેનિમ લેવાં. એના પર પહેરવા ૬ કે ૮ ટૉપ લેવાં, જેમાં હિપ લેન્ગ્થની કુરતી પણ હોય અને એસિમેટ્રિક કટવાળાં સિન્થેટિક ટૉપ પણ હોય. મોટા ભાગની યુવતીઓ લગ્ન પછી પણ કામ કરતી હોય છે એટલે ફૉર્મલ ટૉપ લેવાનું ન ભૂલવું. સાથે-સાથે એક બ્લૅક ક્લાસિક ડ્રેસ પણ લેવો જેથી એ ડ્રેસ તમે પાર્ટીવેઅર તરીકે પહેરી શકો.

દાગીનો

દાગીનાની ખરીદી વખતે ખૂબ જ કાળજી લેવી. જો તમારાં લગ્નને ૬ કે ૮ મહિનાનો ટાઇમ છે તો સૌપ્રથમ સોનાના દાગીનાની ખરીદી કરવી. કારણ સૌને ખબર છે. દિવસે-દિવસે સોનાનો વધતો ભાવ. તમારા બજેટ પ્રમાણે ખરીદી કરવી, દેખાદેખીમાં વધારે ખેંચાવું નહીં. જો તમારાં લગ્ન પછી તમારી જ ફૅમિલીમાં કોઈનાં લગ્ન આવતાં હોય તો ડાયમન્ડનો સેટ કરાવી શકો, નહીં તો એ જ બજેટમાં તમે બુટ્ટી-પેન્ડન્ટના બે સેટ કરાવી શકો.

ડાયમન્ડનો સેટ ઘરનાં લગ્ન સિવાય પહેરાતો નથી અને માત્ર તિજોરીમાં જ પડ્યો રહે છે. એના બદલે જો નાની વસ્તુ હશે તો એનો ઉપયોગ તમે અવારનવાર કરી શકશો. દાગીનાની પસંદગી એવી રીતે કરવી કે તમારી પાસે વરાઇટી હોય એવું લાગવું જોઈએ. જેમ કે સોનાનો સેટ લાંબો હોય તો ડાયમન્ડનો નેકલેસ હોવો જોઈએ અને મોતીના સેટની લંબાઈ મિડ લેન્ગ્થ હોવી જોઈએ. સાથે તમે કૉમ્બિનેશનમાં સેટ કરાવી શકો, જેમ કે મોતી અને ડાયમન્ડ તો સારા લાગે જ છે એ ઉપરાંત તમે ચોકીનાં બુટ્ટી-પેન્ડન્ટ લઈ એમાં મોતીની સેર લગાડી શકો. ઇમિટેશનની ખરીદી કેમ ભુલાય? બધી જ સાડી કે ડ્રેસના મૅચિંગ સાથે ઇમિટેશન જ્વેલરીની ખરીદી એકસાથે ન કરવી. જ્વેલરી નવી-નવી આવતી જ હોય છે.

જો એકસાથે લઈ લીધી હશે તો ૬ મહિના કે એક વર્ષ પછી એ આઉટ ઑફ ફૅશન લાગશે. ઇમિટેશનમાં પણ બધી વરાઇટી લેવી જેમ કે ઠેવા, કુંદન, સેમી-પ્રેશિયસ સ્ટોન વગેરે-વગેરે. ઇમિટેશનમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન અથવા તો ઇન્ડો-વેસ્ટર્ન ખાસ લેવું. જો તમને જ્વેલરીનો એટલો  શોખ ન હોય તો તમે ઇમિટેશનમાં સિલ્વર અને ગોલ્ડનમાં એક-એક બ્રેસલેટ લઈ શકો.

બૅન્ગલ્સની ખરીદી પણ લિમિટમાં કરવી. જો એકસાથે બધી મૅચિંગ બૅન્ગલ્સ લઈ લેશો અને જો લગ્ન પછી થોડું શરીર વધશે તો હાથનું માપ વધી જશે અને એક પણ બંગડી થશે નહીં અને બધી કબાટમાં જ પડી રહેશે અથવા તો તમે બંગડી સ્ક્રૂવાળી લઈ શકો જેથી હાથનું માપ નાનું-મોટું થાય તો પણ ચિંતાની જરૂર નથી. સ્ક્રૂ ખોલી તમે પહેરી શકો.

ઇનર વેઅર

ઇનર વેઅર માટે સજેશન આપવું અઘરું છે, કારણ કે ઇનર વેઅર ખૂબ જ પર્સનલ ચૉઇસ હોય છે. યુવતીઓ હંમેશાં ઇનર વેઅરની ખરીદી માટે ખૂબ જ ઉતાવળ કરતી હોય છે. ફૅન્સી ઇનર વેઅર માત્ર હનીમૂન પૂરતાં જ વપરાય છે.

રોજબરોજ માટે કૉટન કે હોઝિયરીનાં ઇનર વેઅર વધારે કમ્ફર્ટેબલ લાગે છે. ઇનર વેઅરમાં નાઇટસૂટ અને મૅક્સીનો પણ સમાવેશ કરીશું. જો તમે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં હો તો ટૂ-પીસ નાઇટી પહેરવી જેથી જો નીચે ટ્રાન્સપરન્ટ હોય તો ઉપર જૅકેટ પહેરવાથી ચાલે. કૉટન મૅક્સી પણ લેવી.

ગરમીમાં સૅટિન ગાઉનમાં ખૂબ જ ગરમી થશે અથવા તો તમે એમ કરી શકો કે ઘરમાં કૉટન નાઇટી પહેરવી અને બહાર ક્યાંક ફરવા જાઓ ત્યારે ફૅન્સી નાઇટી પહેરવી. નાઇટસૂટ લેવા કે નાઇટી લેવી એ તમારી ઉપર છે. ઘરને અનુરૂપ અને બૉડીને અનુરૂપ નાઇટ અને ઇનર વેઅરની પસંદગી કરવી. જો તમે સ્થૂળ કાયા ધરાવો છો તો તમારે સૅટિન નાઇટી પહેરવાનું ટાળવું. સૅટિન નાઇટી શરીરને ચીપકી જાય છે અને શરીરનો આકાર લઈ લે છે જે ખૂબ ખરાબ લાગશે. નાઇટસૂટમાં ફુલ સ્લીવ ટી-શર્ટ સાથે ફુલ લેન્ગ્થ પાયજામા જરૂર લેવા જેથી જો ફૅમિલી સાથે બહાર જવાનું થાય તો વ્યવસ્થિત લાગે.

ઍક્સેસરીઝ

ઍક્સેસરીઝ એટલે કે તમારા ગાર્મેન્ટને એન્હૅન્સ કરતી વસ્તુઓ જેમ કે બૅગ્સ, શૂઝ, બેલ્ટ્સ, કૉસ્મેટિક્સ, હેરક્લિપ્સ વગેરે.

આ બધી જ વસ્તુઓ દરેક કપડાને મૅચિંગ ન લેવી, પરંતુ અમુક કૉમન પણ લેવી. તમે જે ઘરમાં જવાના છો ત્યાં કેટલી જગ્યા છે એ પ્રમાણે શૉપિંગ કરવું. શૂઝ અને બૅગ્સમાં કૅઝ્યુઅલ, પાર્ટી અને ફૉર્મલ એ રીતે શૉપિંગ કરવું અથવા તો બ્લૅક અને ગોલ્ડન ખાસ લેવાં જે મોટે ભાગે બધા જ આઉટફિટમાં મૅચ થાય છે. આ બધામાં ઘરમાં પહેરવાનાં સ્લિપર ન ભુલાય. ઍક્સેસરી પાઉચ, બૅન્ગલ-બૉક્સ, ટૉઇલેટરી પાઉચ, સાડીકવર પણ લેવાં જેથી તમારી વસ્તુઓ સચવાય અને ખરાબ પણ ન થાય. કબાટ ખૂલતાં જ બધું વ્યવસ્થિત લાગે.

(નોંધ : આમાં આપવામાં આવેલા આંકડા માત્ર દાખલા પૂરતા છે. તમારા ખિસ્સા અને જરૂરિયાત પ્રમાણે શૉપિંગ કરવું.)

બીજી નાની-નાની વસ્તુઓ

  • બાથરોબ ખાસ લેવો જેથી જો તમારો માસ્ટર બેડરૂમ ન હોય તો ખરાબ ન લાગે.
  • નૅપ્કિન અને રૂમાલ લેવાં.
  • ક્રૉકરી જો લઈ જવાની હોય તો ઘણીબધી ન લઈ જવી, પરંતુ અમુક યુનિક આઇટમ લઈ જવી.
  • તમારા રેગ્યુલર વપરાશમાં આવતાં બૉડી-લોશન, હેરઑઇલ અને દવા સાથે રાખવાં.
  • ટૉવેલનો સેટ લેવો જેમાં નૅપ્કિન પણ એ જ કલરનાં હોય જેથી બધું એકસરખું લાગે.
  • જ્વેલરી પણ બધી ન લઈ જવી. પહેલા એક વર્ષમાં બધા જ વારતહેવારે તમારા પેરન્ટ્સે તમને કંઈક ને કંઈક આપવાનું હોય જ છે. તમારી વસ્તુ તમને મળવાની જ છે, પરંતુ વારતહેવારે. એમાં તમારા પેરન્ટ્સનું પણ સારું લાગશે.
  • લગ્નના શૉપિંગ વખતે દેખાદેખીમાં આવી પેરન્ટ્સ પર બોજારૂપ ન બનવું.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment