‘તું ઝીરો નહીં પણ હીરો છે’ – તકલીફમાં હોય એ વાંચશે તો બધા જવાબ મળી જશે

વિશાળ દુનિયામાં કોઈ માણસ સંપૂર્ણ નથી, પણ બધામાં કોઈને કોઈ ખૂબી તો હોય જ છે. કઈ ખૂબી કઈ રીતે પોતાને અને અન્ય માણસને મદદ કરતી હોય એ જાણવું પણ જરૂરી છે, જેથી આપણી ખુદની કાબિલિયતને જાણી શકાય. આજ વાતને એક સરસ અને બંધ બેસતી વાત થકી સમજાવીએ તો…,

રાજસ્થાનના રણપ્રદેશમાં દૂર-દૂર સુધી કોઈ માણસ દેખાતું નથી. અને ચારેબાજુ રેતાળપ્રદેશ વચ્ચે પગપાળા ચાલી શકાય એવો નાનો રસ્તો છે. જેમાં થઈને આગળ જાવ એટલે રતનપુર નામનું ગામ આવે. 

આ ગામમાં પહેલેથી જ પાણીની તંગી અને ક્યારેક તો પીવાના પાણીના ફાંફા પડી જાય એવી સ્થિતિ બનતી હતી. ગામના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા માટે દૂર-દૂર સુધી જવું પડતું. રતનપુરના પૈસાદાર મુખી અને એ મુખીના ઘરે એક નોકર રાખેલો હતો. આ બલરામ નોકરનું એક જ કામ, તેને દરરોજ પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવાની હોય.

બલરામ દરરોજ સવારે કાવડ દ્વારા બંને બાજુ માટલા લઈને પાણી ભરવા માટે નીકળી જતો અને શેઠને ઠંડુ પાણી પીવડાવીને રાજી કરી દેતો. લાંબા સમય સુધી પાણી ભરવાનું કામ તેને ચાલુ જ રાખ્યું હતું.

એક દિવસ એવું થયું કે, બે માટલામાંથી એક માટલામાં સહેજ અમથી તિરાડ પડી ગઈ હતી. અને એ તડમાંથી ધીમે-ધીમે પાણી નીકળી જતું હતું. જેથી દરરોજના નિત્યક્રમમાં નવી ઘટના બનવા લાગી કે, જયારે બલરામ બંને માટલામાં પાણી ભરીને મુખીના ઘર સુધી પહોંચે એટલે તિરાડવાળા માટલામાંથી પાણી ઓછું થઇ જતું.

બલરામ બંને માટલામાં એકસાથે જ પાણી ભરતો પણ એક માટલું મુખીના ઘર સુધી અડધું થઇ જતું. આ જોઇને પેલું સાજુ એવું માટલું બહુ જ હસતું અને સાથે બલરામને પણ એવું કહેતું કે, ‘જોયું ને આ માટલામાં કાંઈ દમ નથી..’

તિરાડ પડેલા માટલાની ઈજ્જત રોજ ચકડોળે ચડતી અને બેઈજ્જતી થતી. છેવટે એક દિવસ તિરાડ પડેલ માટલું એટલું તકલીફમાં આવી ગયું કે તે બલરામને કહેવા લાગ્યું, “તું મને ફેંકીને નવું માટલું કેમ નથી લાવતો? હવે હું તારા કામનું નથી.’

બલરામે તૂટેલા માટલાની આટલી વાત સાંભળી ત્યાં જ હસવા લાગ્યો અને તેને કહ્યું. ‘સારું હું તને આ વાતનો જવાબ કાલે આપીશ. તું તપાસ કરી લે તને આ વાતનો જવાબ મળે છે કે નહીં?’

એક દિવસ પસાર થઇ ગયો અને તિરાડવાળા માટલાને કાંઈ સમજ પડી નહીં અને આખો દિવસ તેની તિરાડ જોઈ-જોઈ મનથી નિરાશ થઇ ગયું. ત્યારે બીજે દિવસે સવારે બલરામ પાણી ભરવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં તિરાડવાળા માટલાને આખી વાત સમજાવી,

“હે માટલું, તને એવું લાગે છે કે, હું તૂટેલું છું એટલે કાંઈ જ કામનું નથી પણ વિચાર કર તને પણ એ જ માટીમાંથી બનાવવામાં આવ્યું છે અને આ સાજુ અને તાજુમાજુ માટલું છે એને પણ એ જ માટીમાંથી બનાવેલ છે.’

આટલું કહ્યા પછી બલરામે રસ્તામાં એક જગ્યાએ ઉભા રહીને તૂટેલા માટલાને શાંતિથી સમજાવ્યું, ‘તને એમ છે; હું તૂટેલું છું એટલે પાણી ઘર સુધી પહોંચાડી શકતું નથી. પણ તને ખબર છે તારી આ ખૂબીને કારણે તે એક નવું સર્જન કર્યું છે. તારે જોવું હોય તો આપણે પાછી ફરતી વખતે આ રસ્તેથી નીકળી ત્યારે રસ્તા પર નજર કરજે તને બધી ખબર પડી જશે.’

આ નિરીક્ષણ કરવા માટે તૂટેલા અને સાજા બંને માટલાએ રસ્તા પર નોંધ કરવાનું ચાલુ કર્યું. ત્યારે ખબર પડી કે જે માટલું તૂટેલું હતું અને પાણીના ટીપા નીચે પડતા એ બાજુ ધીમે-ધીમે નાની વનસ્પતિ ઉગવા લાગી હતી. જયારે જે સાઈડ માટલામાંથી એક ટીપું પણ નીચે પડતું ન હતું ત્યાં બધું કોરું જ હતું.

ત્યારે તૂટેલા માટલાને તેની જાત ઉપર ગર્વ થયો કે ભલે મારામાં થોડી ખોટ છે પણ હું કોઈ માટે ઉપયોગી તો છું જ. જ્યાં જમીન ઉજ્જડ છે ત્યાં તો મેં નીચે પડતા પાણી થકી ધરતીના સૌદર્યમાં વધારો કર્યો છે. ત્યારે તૂટેલા માટલાને પોતાની કાબિલિયત ઉપર ગર્વ આવ્યો.

માણસનું જીવન પણ એવું જ છે, કોઈ આપણને નકામા વ્યર્થ ગણતા હોય તો તેને તેનું કામ કરવા દો. તમે તેના માટે નહીં તો – કોઈ બીજા માટે જરૂરી છો અને અતિ મહત્વના પણ હશો જ. તમારા અંદરની કાબિલિયતને શોધવાનો પ્રયત્ન કરો; જેમાં તમે સારું કામ કરી શકો છો. જીવન ક્યારેય કોઈનું નકામું હોતું જ નથી. માણસ પોતે જ વ્યર્થ કરી નાખે છે અથવા તેને ઈશ્વરે આપેલા સર્જન ઉપર વિશ્વાસ હોતો નથી. બાકી, ‘દરેક માણસ ઝીરો નહીં પણ હીરો હોય છે.’

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Re-edited By : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *