વાંચો દુબઇના ૨૦ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો વિશે-જેની મુલાકાત લીધા પછી દુનિયાની બધી મોજ માણી લીધાંનો અનુભવ થશે!-

જ્યાં હમણાં સુધી રેતીના રણ અને ડમરી ઉડાડતા ધૂળના મેદાનો સિવાય કશું જ નહોતું એ દુબઇની એકાદ દાયકામાં એકદમ જાણે સકલ ફરી ગઇ છે!વિશ્વના શ્રેષ્ઠત્તમ આર્ટીટેક્ચરના નમુના સમાન ગગનચુંબી ઇમારતો,શોપિંગ સેન્ટર,ભવ્ય રસ્તાઓ,મહાલયો,સ્વિમીંગ પુલોથી આજે દુબઇ દરવર્ષે વિશ્વના લાખો પ્રવાસીઓને આકર્ષે છે.

યુનાઇટેડ આરબ એમીરાતની સાત એમીરાતમાં દુબઇનો સમાવેશ થાય છે;તેની ભવ્યતા આજે ભારત સહિત વિશ્વના અસંખ્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. વેકેશનની રજાઓમાં દુબઇ ફરવા માટેનું એક હોટ સ્પોટ બનીને ઉભરી આવ્યું છે. ધગધગતા રણમાંથી આજે દુબઇ શોપિંગ મોલ અને વિવિધ ગ્લેમરસથી ઉભરતું શહેર બન્યું છે જે અહીંના પ્રશાસનનો પ્રતાપ છે. આજે વિશ્વભરમાંથી હજારો ટુરીસ્ટો અહીંની કુદરતમાં મહાલવા,શોપિંગ મોલમાં લટારો મારવા,રેસ્ટોરન્ટોમાં આનંદ લેવા પરીવાર સાથે આવે છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ અને ભવ્યાતિભવ્ય શોપિંગ મોલ અહીંનું વિશિષ્ટ આકર્ષણ છે.

દુબઇનું આકર્ષણ ગુજરાતીઓમાં પણ એટલું જ છે. એક તરફ છે દુબઇનું અત્યાધુનિક ગ્લેમરસ વર્લ્ડ તો બીજી બાજુ દુબઇમાં સાંસ્કૃતિક અને વિરાસતરૂપી સ્થળો પણ છે,જ્યાં આરબ સંસ્કૃતિના વિશ્વજોડાણની અનુભૂતિને સાર્થક રીતે દર્શાવવામાં આવી છે. દુબઇના બાસ્તાકિયા જીલ્લાનું મહત્વ તેમાં સચવાયેલી સાંસ્કૃતિક ધરોહર માટે ખાસ છે. તેમાં વિહાર કરી લેવાથી આપને સમજાઇ જશે કે દુબઇનો સાંસ્કૃતિક વારસો કેવો છે. તમને અનુભૂતિ થશે કે,દુબઇના કહેવાતા ભભકા કરતાં તેની સાંસ્કૃતિક પરંપરા કેવી મનોહર છે!

જો વેકેશનની રજાઓમાં દુબઇના પ્રવાસનું પ્લાનિંગ કર્યું હોય તો અમે તમને જણાવી રહ્યાં છીએ દુબઇની ૨૦ શ્રેષ્ઠ ફરવાલાયક દર્શનીય જગ્યાઓ વિશે,જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહીં સમન્વય છે આધુનિકતા અને પરંપરાનો!વાંચો આ ૨૦ સ્થળોની યાદી –

(1)બુર્જ ખલિફા –

બુર્જ ખલિફા વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. ૮૨૯.૮ મીટરની ગગનચુંબી ઉંચાઇ ધરાવતી આ ઇમારત દુબઇના હાર્દ સમી છે. ઇમારતના ૧૨૪માં ફ્લોરમાં આવેલ ઓબ્ઝર્વેશન ડેસ્કમાંથી નજર નાખતા સમગ્ર દુબઇની લાલિમા અનોખી રીતે નજરે ચડે છે,અહીંથી નાખેલી એક નજર પણ યાદગાર બની જાય છે!એક તરફ દેખાતું અફાટ રણ અને બીજી બાજુ ઘુઘવતો અફાટ સમુદ્ર!ઓબ્ઝર્વેશન ડેસ્કની ટિકીટ એડવાન્સમાં લઇ લેવી બહેતર છે,જેથી કરીને લાંબી લાઇનોમાં અટવાવું ના પડે!બુર્જ ખલિફાની ફરતે એક ચક્કર મારવી પણ રોમાંચિત કરી દેનાર અનુભવ છે.

લોકેશન : દુબઇ મોલમાંથી દાખલ થતાં,શેખ ઝાયેદ રોડ,ડાઉનટાઉન

પ્રમાણિત વેબસાઇટ : www.burjkhalifa.ae

(2)દુબઇ મોલ –

ભવ્યતાઓથી ભરપૂર દુબઇનો આ ખાસ શોપિંગ મોલ એટલે કે દુબઇ મોલ એવી જગ્યા છે જ્યાંથી તમે સરળતાથી બુર્જ ખલિફા અને દુબઇ ફાઉન્ટેનમાં જઇ શકો છો. આ મોલ દુબઇની નાની-મોટી ઇવેન્ટ અને શોપિંગનું કેન્દ્રબિંદુ છે. તમારી યાત્રા દરમિયાન આ મોલની મુલાકાત લેવાનું ચુકશો નહી કેમ કે,આ શોપિંગ મોલને દુબઇનું સૌથી મોટું આકર્ષણ પણ માનવામાં આવે છે!અહીં યોજાતા દુબઇ શોપિંગ ફેસ્ટિવલ(જાન્યુઆરી-ફેબ્રુઆરી)અને દુબઇ સમર સરપ્રાઇઝ ફેસ્ટીવલ[જુલાઇ-ઓગસ્ટ]ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.

લોકેશન : દોહા રોડ

વેબસાઇટ : www.thedubaimall.com

(3)દુબઇ મ્યુઝિયમ –

આ મ્યુઝિયમ ઇ.સ.૧૯૭૧માં સ્થાપવામાં આવેલું. અહીં આપને આ ક્ષેત્રના લોકોની જીવનશૈલીની પરંપરા અને કળાનો અદ્ભુત સંગ્રહ જોવા મળશે. અહીં આપને એવી પુરાણી વસ્તુઓ પણ સંગ્રહિત થયેલી જોવા મળશે જે ૩૦૦૦ B.C.આસપાસની છે!મ્યુઝિયમ જોઇને તમને થશે કે ખરેખર દુબઇ પહેલાં આવું હતું!અલ-ફહિદીના કિલ્લામાં આ મ્યુઝિયમ સ્થિત છે.

એડ્રેસ : અલ-ફહિદી સ્ટ્રીટ,અલ-ફહિદી

(4)બાસ્તાકિયા [ પુરાણું દુબઇ ] –

પુરાણા દુબઇ સાથે નાતો સ્થાપિત કરતું બાસ્તાકિયા ક્વાર્ટર દુબઇની વિરાસતને સંભાળી રાખનાર જગ્યા છે. ૧૯મી સદીના અંત ભાગમાં અહીં ફારસી વેપારીઓ આવેલા. અહીં પુરાણા ઘરો નિહાળવા લાયક છે. જેમાં એક અજીબ રચના છે-ઘરની દિવાલોની ઉપર પવનચક્કી જેવા ટાવર રહેલાં હોય છે, જે પવનને ઘરમાં નીચે લાવે છે! આમ,રેગિસ્તાનની ગરમીમાં ઘરોને ઠંડાં રાખતી આ રચના ખરેખર નિહાળવા લાયક છે. ઇરાની વેપારીઓ આ ટેક્નીકને લઇ આવ્યા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત,બાસ્તાકિયા જીલ્લામાં એવુ ઘણું બધું ઐતિહાસિક પ્રદર્શન છે જેને જોઇને અભિભૂત થઇ જવાય.

લોકેશન : અલ-ફહિદી,બર દુબઇ.

(5) શેખ સઇદ અલ-મખ્તુમ હાઉસ –

શેખ સઇદ અલ-મખ્તુમ ૧૯૨૧ થી ૧૯૫૮ સુધી દુબઇનો શાસક હતો. તેના નિવાસસ્થાનને હવે સંગ્રહાલય તરીકે ઉપસાવવામાં આવ્યું છે.અરબી સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે. સાગના દરવાજામાં રહેલી અદ્ભુત કોતરણી,સુંદર બારીઓ અને ખાસ ભૌમિતીક ડિઝાઇનયુક્ત વેન્ટિલેશનનો ફલક વગેરે ખરેખર જોવાલાયક છે.

એક ખાસ સંગ્રહાલય સમાન આ વિરાસતમાં ઘણા સાંસ્કૃતિક ફોટોગ્રાફ્સ પણ અદ્ભુત પ્રદર્શન છે.દુબઇની પ્રગતિનો ચિતાર અને સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાની આ યાદગાર મુલાકાત કરવા લાયક છે.

લોકેશન : અલ-ખલીજ રોડ,બર દુબઇ

(6)દુબઇ ક્રીક –

ડેરા અને બર દુબઇ નામક દુબઇના બે શહેરોની વચ્ચે આવેલ આ ખારા પાણીનો સાંકડો સમુદ્રી અખાત દુબઇ ક્રીક નામે ઓળખાય છે. એક રીતે દુબઇ ક્રીકને ખારા પાણીની નદી પણ કહી શકાય. દુબઇની વિકાસશીલતામાં દુબઇ ક્રીકનો ફાળો મહત્વનો છે. માછલી અને મોતી માટે થઇને દુબઇ ક્રીક હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. આરબ સંસ્કૃતિ પણ દુબઇ ક્રીકના કાંઠે પાંગરી છે એમ કહી શકાય.અહીંની જળસવારી ખાસ્સી આનંદદાયક બની રહે છે. જેના માટે અહીં ધાઓ ક્રુઝ બોટ અથવા લાકડાની ફેરીની સુવિધા છે. સાંસ્કૃતિક ઇતિહાસ સાથે પ્રકૃતિનો અહીં સમન્વય જોવા મળે છે.

(7)જુમીરાહ મસ્જીદ –

આ મસ્જીદ ઇસ્લામિક સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને દુબઇની સુંદરત્તમ મસ્જીદોમાંની એક છે. ઇજિપ્તના કૈરોની અલ-અઝહર મસ્જીદની આ નકલ છે. મધ્યયુગના સ્થાપત્યની અહીં સુંદર ઝલક જોવા મળે છે. સાંજના સમયે ફ્લકલાઇટ્સના પ્રકાશમાં આ મસ્જીદ અલૌલિક રીતે ઝળહળી ઉઠે છે ત્યારે તેનું આકર્ષણ ખાસ્સું વધુ હોય છે.

એડ્રેસ : જુમીરાહ રોડ
વેબસાઈટ : www.cultures.ae

(8)ડેરા –

ડેરા એટલે દુબઇનો પુરાણો ઇલાકો કે જને જુનું દુબઇ પણ કહેવામાં આવે છે. દુબઇમાં સોનાની ખરીદી કરવી ઘણી આસાન છે. કેમ કે,અહીઁ સોનું સસ્તું અને ગુણવત્તાયુક્ત મળે છે. ડેરામાં આવેલ ગોલ્ડ સૂક સૌથી મોટું સોનાનું બજાર છે. કહેવાય છે કે,૩૦૦ સોનાની દુકાનો આ એકમાત્ર બજારમાં છે અને કોઇપણ સમયે અહીં અંદાજે દસ ટન સોનું તો હોય જ છે!આ ઉપરાંત પણ ડેરામાં અન્ય ખરીદીના આકર્ષિત માર્કેટ આવેલ છે.

લોકેશન : દુબઇ ક્રીક

(9)શેખ ઝાયેદ રોડ –

આ માર્ગ દુબઇના બિઝનેસ હબ ગણાતા જીલ્લા ડાઉનટાઉનમાંથી પસાર થાય છે. વિશાળ રાજમાર્ગ જેવો ભાસતો આ રોડ દુબઇના ગગનચુંબી નજારાને ધરતી પરથી જોવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. દુબઇના પ્રખ્યાત એવા મોટા ભાગના શોપિંગ મોલ આ રસ્તાની પાસે છે. અહીં સ્થિત વર્લ્ડ ટ્રેક ટાવરની ટોચ પરથી બુર્જ ખલિફા કરતાં ઓછા ખર્ચે દુબઇનું વિહંગાવલોકન થઇ શકે છે. તે ઉપરાંત,આ માર્ગ પર જ્વેલરીની પણ દુકાનો આવેલી છે.

લોકેશન : ડાઉનટાઉન દુબઇ

(10)હેરિટેજ અને ડાઇવિંગ વિલેજ

અહીં દુબઇની સ્થાપત્યકળા,સંસ્કૃતિ અને દરિયાઇ વારસાને દર્શાવવામાં આવ્યો છે. જેમાં મુખ્ય બે પ્રદર્શન છે-પ્રમાણમાં નાના જહાજ બાંધવાનું સ્થળ અને સમુદ્રમાંથી મોતીની શોધનું પ્રદર્શન. અહીં પર્શિયન પ્રકારના ઘરો,કોફીહાઉસ વગેરે છે. કુંભારો અને વણકરો હસ્તકલાનો અભ્યાસ કરતાં નજરે પડે છે. સામે ઘુઘવતા સાગરની પણ સુંદરતા માણવા જેવી છે.

લોકેશન : સિંદગહા,બર દુબઇ

(11)દુબઇ એક્વેરિયમ –

દુબઇના ટોપ ટ્વેન્ટી આકર્ષણોમાં સમાવિષ્ટ થતું દુબઇ એક્વેરિયમ દરયાઇ જીવસૃષ્ટિની ૧૪૦ પ્રજાતિઓ ધરાવે છે. આ ગંજાવર એક્વેરિયમને નજીકથી જોવાનો લ્હાવો લેવા માટે અંડરવોટર ટનલોની પણ સુવિધા છે!અહીં અનેકવિધ પ્રવૃત્તિઓ વડે તમે જાણે સમુદ્રની અંદર હો તેટલી નીકટતાથી રોમાંચક રીતે અહીંની જીવસૃષ્ટિને જોવાનો આનંદ ઉઠાવી શકશો.

લોકેશન : દુબઇ મોલ,શેખ ઝાયેદ રોડ

વેબસાઇટ : www.thedubaiaquarium.com

(12)બુર્જ અલ-અરબ હોટલ –

આ હોટલ વિશ્વની સૌપ્રથમ ૭-સ્ટાર હોટલ હોવાનું ગૌરવ ધરાવે છે. હોટલનો આકાર હોડી જેવો છે અને હોટલને સમુદ્રમાં માનવર્સિજત ટાપુ પર ઉભી કરવામાં આવી છે!અહીં આપવામાં આવતી સર્વિસ અને ભવ્ય આલિશાનતા લગભગ બીજે ક્યાંય જોવા નહી મળે!દુબઇના જુમેરાહ બીચનું આ હોટલ મુખ્ય આકર્ષણ છે,જેમાં રૂમ બુકિંગ કે ડિનર બુકિંગ સિવાય અંદર જવાની પરવાનગી નથી મળતી!

એડ્રેસ : જુમેરાહ રોડ

(13)જુમેરાહ બીચ –

દુર સુધી સમુદ્ર અને શ્વેત રેતકણોના સમન્વયની અદ્ભુત સુંદરતા ધરાવનાર જુમેરાહ બીચ દુબઇનો સૌથી પ્રખ્યાત સમુદ્રી તટ છે.અહીં હોટલ-રિસોર્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે.

દુબઇના વાઇલ્ડ વાદી વોટરપાર્ક,બુર્જ અલ-અરબ હોટલ,જુમેરાહ બીચ રીસોર્ટ વગેરે મુખ્ય આકર્ષણો આ સમુદ્રી તટ પર જ આવેલા છે. દુબઇ આવતો દરેક પ્રવાસી જુમેરાહ બીચની મુલાકાત અવશ્ય લે છે.

લોકેશન : જુમેરાહ બીચ રોડ

(14)એમીરાત મોલ [ મોલ ઓફ એમીરાત ] –

શહેરના સૌથી પ્રસિધ્ધ મોલ પૈકીનો આ એક મોલ છે. શોપિંગની અનેકવિધ તકોની અહીઁ ઉપલબ્ધિ છે. સિનેમા સંકુલનો પણ અહીં સમાવેશ થાય છે. પરીવાર સાથે આનંદ ઉઠાવવાની પૂર્ણ સગવડો રહેલી છે.અહીં આનંદદાયક ઠંડા તાપમાને વિહાર કરાવનાર અદ્ભુત સ્કી દુબઇ અંતર્ગત અનેકવિધ સ્કી સ્લોપ આવેલા છે. જે ખરેખરા વાસ્તવિક આનંદની અનુભૂતિ કરાવે છે.

લોકેશન : શેખ ઝાયેદ રોડ

વેબસાઇટ : www.malloftheemirates.com

(15)IMG વર્લ્ડ્સ ઓફ એડવેન્ચર –

સૌથી શ્રેષ્ઠ જીવંત મનોરંજનનો લ્હાવો લેવો હોય તો આ પાર્કની મુલાકાત લેવી જ રહી. અનેક મનોરંજન કરાવનાર ઝોનમાં વિભાજીત આ એડવેન્ચર થીમ પાર્કમાં બાળકોને એડવેન્ચર ફિલ્મો આધારીત અદ્ભુત મનોરંજન પુરૂં પાડવામાં આવે છે. અહીં ડાયનાસોરના થીમ પર સવારી,કાર્ટૂન નેટવર્કનું મનોરંજન વગેરે ઉપરાંત તમે અલ્ટ્રોનના યુધ્ધમાં તમારા ફેવરીટ એવેન્જર્સની હેલ્પ પણ કરી શકો છો તો ભૂતીયા ઘરમાં તમારી જાતનો અનુભવ કરી શકો કે પછી સ્પાઇડર મેનને મદદ પણ કરી શકો છો!ટૂંકમાં,અહીં દરેક વયના બાળકો માટે કંઇકને કંઇક છે.

એડ્રેસ : શેખ મોહમ્મદ બીન ઝાયેદ રોડ

વેબસાઇટ : www.imgwords.com

(16)દુબઇ ઓપેરા –

Image Source – www.thenational.ae

રાત્રિના શ્રેષ્ઠ આકર્ષણોમાં દુબઇ ઓપેરા બિલ્ડિંગ કદાચ સૌથી બેસ્ટ છે!ડાઉનટાઉન દુબઇમાં સ્થિત આ સ્થળ દુબઇનું મુખ્ય મનોરંજન-સાંસ્કૃતિક કેન્દ્ર છે. દુબઇ ઓપેરા વિશ્વ વિખ્યાત સંગીતજ્ઞોની મહેફિલો,કોમેડી નાઇટ,કોન્સર્ટ વગેરેનું ભવ્ય આયોજન આખું વર્ષ કરે છે. અહીંનો જબરદસ્ત આર્કીટેક્ચર પ્લાન ચકીત કરી મુકે તેવો છે. રાત્રિને મનભરી માણવા ઓપેરા હાઉસની મુલાકાત લેવી રહી!

એડ્રેસ : શેખ મોહમ્મદ બીન રશીદ રોડ

વેબસાઇટ : www.dubaiopera.com

(17)કાઇટ બીચ –

જુમેરાહ બીચની દક્ષિણ બાજુ આવેલ આ બીચ ખરેખર મનોહર છે. અહીંનું વાતાવરણ શરીરમાં પોઝિટીવ ઉર્જાનો સંચાર કરે તેવું છે. સૂર્ય અને સમુદ્રની લાલીમામાં સ્નાનનો આનંદ કંઇક અનેરો જ છે. વોટરસર્ફિંગથી લઇને તટ પરની આઉટડોર ગેમ્સ માટે પણ આ બીચ ઉત્તમ છે. કાઇટ ફેસ્ટિવલ સમયે અહીં અસંખ્ય લોકો પતંગોની સાથે સર્ફિંગ કરતા જોવા મળે છે. દિવસભરનો થાક ઉતારવા માટે કાઇટ બીચની મુલાકાત લીધાં જેવી ખરી.

(18)અવસર્કલ આર્ટ ડિસ્ટ્રીક –

દુબઇના અલ ક્વોઝ જીલ્લામાં સ્થિત અલસર્કલ એવન્યુનું આ મુખ્ય કળા પ્રદર્શન કેન્દ્ર છે. અહીંની મુલાકાત લેતાં તમને સહેજે પ્રતિત થાય કે દુબઇમાં આર્ટનું પણ કેટલું જબરદસ્ત પ્રદર્શન છે!અહીં જાજરમાન આર્ટ ગેલેરીઓનો નજારો સામે આવે છે,અનેક આર્ટ ગેલેરીઓના પ્રદર્શન ઉભા કરાયા છે. કલારસિક માટે એક વખત અહીં પધારવું જરૂરી બની જાય છે!

લોકેશન : અલસર્કલ એવન્યુ,અલ ક્વોઝ ડિસ્ટ્રીક

વેબસાઇટ : www.alserkalavenue.ae

(19)દુબઇ પાર્ક્સ અને રિસોર્ટ્સ –

અજબ વાત એ છે કે,આ એક જ સ્થાને તમને મનોરંજન માટે બધું જ મળી રહેશે!પ્રોબ્લેમ માત્ર એટલો કે જોઇને તમે સિલેક્ટ કરવામાં પણ મુંઝવણ અનુભવશો કે શું કરવું ને શું ન કરવું!દરેક વયના લોકો માટે અહીં દિવસ-રાત મનોરંજન ઉપલબ્ધ છે. પછી તે હોલિવુડ પર આધારિત મોશનગેટ થીમ સબંધિત સવારી હોય કે ભારતીય ફિલ્મોનો અવિસ્મરણીય આનંદ આપતો બોલિવુડ પાર્ક!એક સ્થાન પર અનેક મનોરંજન માટે આ સ્થળ ઉત્તમ છે.

એડ્રેસ : શેખ જાવેદ રોડ,જેબેલ અલી

વેબસાઇટ : www.dubaiparksandresorts.com

(20)એક્વિવેન્ચર વોટરપાર્ક –

દુબઇના પ્રસિધ્ધ માનવસર્જિત ટાપુ પર સ્થિત આ વોટરપાર્કની મુલાકાત એ એક યાદગીરી બની શકે છે. અહીંની વોટર સ્લાઇડો જગમશહુર છે. લીપ ઓફ ફેઇથ નામક નવ માસની ગંજાવર વોટર સ્લાઇડ અહીં મોજુદ છે!આવી તો અનેક સ્લાઇડ ઉપરાંત વોટર કોસ્ટર સવારીનો પણ આનંદ માણવા લાયક છે. અન્ડરવોટર સફારી  અહીંનું વિશિષ્ટ આકર્ષણ છે જ્યારે નાના બાળકો માટે અહીં વોટર પ્લે એરીયા જેવી સુવિધા છે. રોમાંચક જળવિહાર માટે આ સ્થળ અદ્ભુત છે.

એડ્રેસ : ક્રેસન્ટ રોડ,પામ જુમીરાહ

વેબસાઇટ : www.atlantisthepalm.com

અદ્ભુત સ્થળોના અવિસ્મરણીય પ્રવાસ માટે દુબઇમાં ક્યાં રોકાશો –

તમે દુબઇના ટોચના પ્રવાસન સ્થળોની એક્સેસ મેળવવા માંગતા હો તો અહીં રહેવાની શ્રેષ્ઠ જગ્યા ડાઉનટાઉન દુબઈ છે. અહીંથી બુર્જ ખલિફા,દુબઇ મોલ,દુબઇ ફાઉન્ટેન વગેરે નજીક પડશે.

જો તમારે સનસાઇન,રેતી અને સમુદ્રજળનો મિશ્રાનંદ મેળવવો હોય તો જુમેરાહ બીચ એ માટે શ્રેષ્ઠ છે. બુર્જ ખલિફાથી કાર વડે આ બીચ પર પહોંચવામાં આશરે ૧૫ મિનિટ લાગે છે.

અહીં દુબઇના શ્રેષ્ઠત્તમ પ્રવાસન સ્થળો માટે મધ્યસ્થ પ્લેસની ગરજ સારતી કેટલીક ટોપ રેન્કર હોટલોની યાદી આપેલી છે,જ્યાં રોકાણ કરવાથી પ્રવાસન સ્થળની મુલાકાત લેવાની સાનુકુળતા વધશે :

આલિશાન હોટલો –

પેલેસ ડાઉનટાઉન હોટલ આ યાદીમાં એકદમ પરફેક્ટ છે. વૈભવી સુવિધા માટે આ હોટલ જાણીતી છે. અહીંથી દુબઇના ટોચના પ્રવાસન સ્થળો પણ નજીક પડશે. ડાઉનટાઉન દુબઇમાં આવેલ અરમાની હોટલ પણ પ્રવાસીઓ માટે ઉમદા રોકાણ સ્થળ છે. જેને સમંદર પરનો આલિશાન વૈભવ માણવો હોય તેના માટે જુમીરાહ બીચ પરની બુર્જ અલ-અરબ હોટલ બેસ્ટ છે. દુનિયાની સૌથી પ્રખ્યાત હોટલોની યાદીમાં તેનો સમાવેશ થાય છે.

મિડ-રેન્જ હોટલો –

સામાન્ય રીતે પોસાય તેવી હોટલોનો આ યાદીમાં સમાવેશ કરેલ છે. રામાડા ડાઉનટાઉન દુબઇ મિડ-રેન્જ હોટલ માટેનું બેસ્ટ ઓપ્શન છે. તદ્દોપરાંત,મંઝીલ ડાઉનટાઉન અને જુમેરાહ બીચ પર આવેલ સોફિટેલ દુબઇ પણ પ્રખ્યાત હોટલો છે.

બજેટ હોટલો –

સામાન્ય રીતે કોમન મેનને પરવડે તેવા બજેટવાળી હોટલોમાં Ibis મોલ ઓફ એમીરાત શ્રેષ્ઠ વિકલ્પ છે. બુર્જ ખલિફાથી ૧૩ મિનિટના અંતરે કાર રસ્તે આ હોટલ આવેલી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલ Ibis અલ-રીગ્ગા પણ પ્રવાસીઓની પસંદગીની હોટલ છે. બાસ્તાકિયામાં આવેલ XVA આર્ટ હોટલ હિસ્ટોરીકલ માળખાયુક્ત છે.

આવી રીતે કરો દુબઇની અવિસ્મરણીય યાત્રા –

દુબઇનું આનંદમય અવલોકન કરવા માટે દુબઇનો અર્ધદિવસીય સ્થળદર્શન પ્રવાસ સૌથી બેસ્ટ રસ્તો છે. અહીં તમને ગાઇડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જુમેરાહ બીચ,બાસ્તાકિયા,ડેરા ગોલ્ડ સૂક જેવા મહત્વના સ્થળોની ઝાંખી મેળવી શકો છો. દુબઇને થોડું નજીકથી નીરખવા માટે બે દિવસીય સુપર સેવર-જેમાં શહેર દર્શન અને ડિઝર્ટ સફારીનો સમાવેશ થાય છે-ઉત્તમ રસ્તો છે. જેમાં તમે પહેલાં દિવસની બપોરે જોશો દુબઇના મનોહર આકર્ષણો અને બીજા દિવસની બપોરથી સાંજ વિતાવશો રણ મધ્યે!દુબઇનો રણનો આનંદ માણવો પણ અદ્ભુત છે.

દુબઇની ઉડતી મુલાકાત લેવા માટે હવાઇ ઉડ્ડયન સારો વિકલ્પ છે. દુબઇથી ૧૫ અથવા ૨૦ મિનિટ સુધી ભરેલી હેલિકોપ્ટરની ઉડાનમાં તમે દુબઇનું વિહંગાવલોકન કરી શકો છો. આના વડે તમને દુબઇનો આશ્વર્યચકિત કરી દેનારો નજારો દેખાશે. પ્રસિધ્ધ જુમેરાહ બીચ અને વિશ્વના નકશાના આકારમાં બનાવેલ માનવસર્જીત પામ ટાપુનો આકાર જોવા માટે હેલિકોપ્ટર ઉડ્ડયનથી બીજો સારો કોઇ વિકલ્પ નથી!

આ થઇ યાદી અને પરિચય દુબઇના ટોપ ટ્વેન્ટી સ્થળો વિશે,જેની મુલાકાત લીધાં સિવાય દુબઇની ટુર અધુરી છે. આજે વિશ્વ ફલક પર ચમકી ઉઠેલા દુબઇની દોઢેક દાયકાની અદ્ભુત વિકાસયાત્રાનો સિતાર…!

Story Author: Fakt Gujarati Team & Kaushal Barad
તમે આ લેખ ‘Fakt Gujarati‘ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

૩ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???

મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *