મળો કોબ્રા જેવા ઝેરીલા સાપના મિત્ર એવા ‘ધ સ્નેક મેન ઓફ ઇન્ડિયાને. : આ ભાઈને ૩૦૦ વખત સાપ ડંખ મારી ચુક્યા છે છતાંય કોઈ જ અસર નથી….

કેરેલાની ખુબસુરતી એટલી મોહક છે કે અહીં વર્ષભરમાં ભારત અને ભારત સિવાયના દેશમાંથી પર્યટકો યાત્રા માટે આવે છે. અહીં છે વિશાળ લીલોછમ વિસ્તાર, પાણીથી ભરેલ ખાડીઓ અને ફૂલોના સુંદર ખેતરો. આવી છે કેરેલાની રાજધાની તિરુવનંતપુરમ. તિરુવનંતપુરમ, રહેવા માટે બહેતરીન શહેર છે અને માણસને તમામ જરૂરી સુવિધા મળે છે અને આ શહેરના લોકોમાં એક અલગ જ ઉર્જા જોવા મળે છે.

આ ઉર્જા માત્ર માણસ માટે જ નહીં! સાપની પણ પ્રિય છે. અહીં જેમ માણસો રહેવાનું પસંદ કરે છે એ રીતે સાપ પણ રહેવાનું પસંદ કરે છે. એનું કારણ છે વેસ્ટર્ન ઘાટના રેઇન ફોરેસ્ટ. આ વાતાવરણ સાપને એટલું પ્રિય છે અહીં સાપની એક કરતા વધારે પ્રજાતિઓ જોવા મળે છે.

Image source

શું તમારે આ જ માહિતીને વિસ્તારથી જાણવી છે? તો ચાલો અમે તમને લઇ જઈએ શબ્દોના સહારે કેરેલાની રાજધાની તિરુવનંતપુરમમાં…

અહીં 20 થી વધુ પ્રકારના સાપ રહે છે. જેમાં ઝેરીલા કોબ્રા અને રસલ્સ વાયપર જેવા સાપ પણ રહે છે. આવા સાપ ક્યારેક ઘરમાં પણ ઘુસી જાય છે એ ખબર નથી રહેતી. એટલે જ કહેવાય છે કે આ વિસ્તાર છે સાપનું મુખ્ય રહેઠાણ એટલે કે રેઇન ફોરેસ્ટ ઓફ તિરુવનંતપુરમ. અહીં માણસોના ઘર કુદરતની પ્રકૃતિને વીંટળાઈને બનાવવામાં આવે છે એટલે સાપ ઘરની અંદર પ્રવેશ પણ કરી લે છે. એટલે અહીં જયારે ઘરમાં કોઈને સાપ જોવા મળે એટલે એ લોકો ફોન કરે છે. પણ કોને…?

ના, તમે ખોટું વિચારી રહ્યાં છો. અહીં ઘરમાં સાપ મળતા કોઈ ખાસ આદમીને કોલ નથી કરવામાં આવતો, કોલ કરવામાં આવે છે આ કામ માટેના સ્પેશ્યલ મિ. સુરેશભાઈને…આ ભાઈના ગુણગાન તો જેટલા વાંચીએ એટલા ઓછા!! છતાય તમને સહેજ ઝલક બતાવીએ તો… સુરેશે છેલ્લા 30 વર્ષથી દેશભરના અલગ-અલગ પ્રજાતિના 52,000 થી વધુ સાપને રેસ્ક્યુ કર્યા છે. એટલે આ સુરેશને ભારતે ખિતાબ આપ્યો છે ‘ધ સ્નેક મેન ઓફ ઇન્ડિયા…’

સુરેશને આમ તો તેના નામ ‘વાવા સુરેશ’ તરીકે ઓળખવામાં આવે છે. તેને 12 વર્ષની ઉંમરથી સાપને બચાવવાનું શરૂ કર્યું હતું. અને આજે પણ આ કામ અવિરત ચાલુ જ છે. (સામાન્ય માણસના છોકરાઓ આ ઉંમરે ગેમ રમવામાંથી ફ્રી ન થયા હોય એ આ ઉંમર છે…!) દર દસ મિનીટની અંદર સુરેશને ફોન આવે છે અને કોઈને કોઈ તેને માણસની વસ્તી વચ્ચે સાપ આવી ગયો છે એવી માહિતી આપે છે. અને અહીંથી કામ શરૂ થાય સાપને બચાવનારા આ ઇન્સાનના રૂપમાં જીવતા ભગવાનનું…

એક દિવસમાં ઓછામાં ઓછા 200 થી વધારે સુરેશને ફોન આવે છે. આ ફોન સાપ રેસ્ક્યુ વિષે હોય છે અથવા તો સાપને લગતી કોઈ માહિતી માટે હોય છે. આજ સુધીમાં તેને ૧૪૬ થી વધારે તો કિંગ કોબ્રાને રેસ્ક્યુ કર્યા છે. ભૈ, આ આંકડો પણ નાનો નથી હો…!

સુરેશ રેસ્ક્યુ વખતે કોઈ જ સેફટીનો ઉપયોગ નથી કરતા અને કોઈ સાધનની મદદ પણ નથી લેતા. એ થોડી માહિતી આપતા એ પણ જણાવે છે કે રસલ્સ વાયપર એક એવો સાપ છે કે જેના ડંખથી માણસને બહુ જ દર્દ થાય છે અને ડંખની જગ્યાએ સોજો આવી જાય છે. એવામાં કીડની ફેઈલ થવાનો ચાન્સ રહે છે અને પરિણામે માણસનું મૃત્યુ થઇ શકે છે.

સુરેશ પોતાની વ્યક્તિગત માહિતી આપતા એ પણ જણાવે છે અત્યાર સુધીમાં ઝેરીલા સાપના તેને લગભગ 300 વખત ડંખ ઝીલ્યા છે. એટલે જ એ લોકોને સંદેશ આપતા જણાવે છે કે, ‘ડરો નહીં અને સાપને મારો નહીં.’ સુરેશ રેસ્ક્યુ કરેલા સાપને ફરી જંગલમાં તેના સ્થાન સુધી પહોંચાડે છે અને સાપનું ધ્યાન રાખે છે.

સુરેશ, ફૂલ ટાઈમ આ જ કામ છે. અને મહત્વની વાત તો એ છે કે આ કામ માટે તે કોઈ ‘ફી’ પણ લેતા નથી અને એકદમ મફતમાં જ સાપને રેસ્ક્યુ કરે છે. ઉપરાંત બીજી ખાસ વાત તો એ છે કે સુરેશના શરીર પર અત્યારે વૈજ્ઞાનિકો પણ પરીક્ષણ કરી રહ્યા છે કે, આટલી મોટી સંખ્યામાં સાપ તેને ડંખી ચુક્યા છે તો પછી તેને કોઈ નુકસાન ન થવાનું કારણ શું?

અમુક ડોકટરો એવું કહે છે કે ઓછા ઝેરીલા સાપોએ ઘણી વખત સુરેશને ડંખ માર્યા છે એથી હવે સુરેશના શરીરમાં એન્ટીબોડી બની ગયા છે. અને તેને ઝેરીલા સાપના ડંખની પણ કોઈ અસર થતી નથી. તો છે ને ખરેખર ‘સ્નેક મેન ઓફ ઇન્ડિયા….’

આશા છે કે આજની માહિતી આપને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *