શાકભાજી અને સીંગ-ચણા ની લારી ચલાવનાર પુત્રીઓની ઝળહળતી સફળતા

તાજેતરમાં જ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પરિણામ મેળવી પોતાનું તેમજ પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. સાથે જ એક સફળ કારકિર્દીના નિર્માણ તરફ પગલું માંડ્યું છે. પરંતુ વડોદરાની આ ૪ દિકરીઓએ પોતાની મહેનત અને લગનથી કંઈક એવું કરી બતાવ્યું છે, જેને બધાને અચરજમાં નાખી દીધાં છે.

આજનાં સમયમાં લોકો એવું માનતા હોય છે કે મોંઘા ટ્યુશન, ખાનગી શાળાઓમાં લાખો રૂપિયા ખર્ચીને જ સારું પરિણામ મેળવી શકાય. પણ વડોદરાની આ વિદ્યાર્થીનીઓ જેમણે આર્થિક નબળાઈનો સામનો કરતાં પરિવારોમાં રહીને પણ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. તથા સામાન્ય ખર્ચમાં ભણીને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. તથા કઠોર પરિશ્રમ કરીને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

1. રિતિકા કનોજીયાના પિતા સિંગચણાની ભઠ્ઠી ચલાવે છે અને સિંગચણા વેચવાની લારી લઈ બજારમાં ઊભા રહે છે. આ રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેઓ તેમની પુત્રી રિતિકા તથા બે પુત્રોને ભણાવી રહ્યા છે. તેમનાં સમાજમાંથી પણ થોડી મદદ મળી રહે છે. રિતિકા નું કહેવું છે કે શિક્ષણની બાબતમાં તેમના માતા-પિતા ક્યારેક ખચકાયા નથી. રિતિકાએ ૯૯.૯૧ પર્સેન્ટાઇલ મેળવ્યો છે. આગળ CA કરી તેમનાં માતા-પિતાને મદદ કરવા ઇચ્છે છે. રિતિકાને જીંદગીમાં આવીને આવી સફળતા મળતી રહે તેવી શુભકામના….

2. વડોદરાની ખંડેવાર માર્કેટમાં શાકભાજી વેચતાં ભૂમિકા ચોથવાણીના પિતા ખૂબ જ મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે તેમની પુત્રીને ભણાવી રહ્યા છે. ત્યારે ભૂમિકાએ ૯૯.૯૪ પર્સેન્ટાઇલ મેળવીને પિતાનું નામ રોશન કર્યું છે. ભૂમિકા પણ આગળ અભ્યાસ કરીને CA બનવા માંગે છે. તેમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ‌.

3. અખબાર વહેંચાય પ્રમોદભાઈની પુત્રી યુક્તાએ ૯૯.૫૬ પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. પ્રમોદભાઈ અને તેમના બીજા બે ભાઈઓ એમ કુલ ૧૪ સદસ્યો સંયુક્ત પરિવારમાં રહે છે. સંયુક્ત પરિવારમાં રહીને આર્થિક નબળાઈનો સામનો કરતાં કરતાં યુક્તાએ આ ઝળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.

4. વડોદરાની ઘડિયાળી પોળમાં સોની કામ કરતા હિમાલી સોનીના પિતા આજે ચોક્કસપણે ગર્વ અનુભવી રહ્યા હશે. હિમાલી એ ૯૯.૯૭ પર્સેન્ટાઇલ મેળવી પોતાના માતા-પિતા નું નામ રોશન કર્યું છે. તેમની માતા બીજાના ઘરે રસોઈ બનાવવા જાય છે. અને બાકીના સમયમાં બિમારીના માતા પિતા ઘરમાં રાખડી અને ઇમિટેશન જ્વેલરી બનાવે છે. હિમાલી પણ તેમને બનતી મદદ કરે છે. આ રીતે ભણીને પણ ૯૯.૯૭ પર્સેન્ટાઇલ મેળવવા કંઈ નાની વાત નથી. હિમાલી આમ જ આગળ વધે તેવી ઈશ્વરને પ્રાર્થના.

આ બાળાઓની મહેનત અને લગન જોઈને કહેવું પડે… “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય!”

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *