તમારામાં કેટલું જ્ઞાન છે?? – આ વ્યક્તિની તૉ વાત જ ન થાય… દુનિયામાં સૌથી બુધ્ધિશાળી કોણ?

દુનિયામાં સૌથી બુદ્ધિશાળી કોણ? જાણવા માટે આતુર તો હશો જ ખબર છે….આવડી મોટી દુનિયા, ૨૦૦ દેશ ઉપરાંત ૭૦૦ કરોડ માણસો અને આ બધાંમાંથી એક વ્યક્તિ એવો છે જે પોતાની બુદ્ધિમત્તા અને હોશિયારીની બાબતમાં બધાંથી આગળ છે. કોણ હોઈ શકે?…. અંદાજ લગાવો….લગાવો…

ચાલો હવે સસ્પેન્સને આગળ વધારતા તમને એ નામ કહી જ દઈએ, જે નામ બુધ્ધિશાળી માણસોની લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. અને એ નામ છે “ટેરેન્સ તાઓ”. સાંભળેલું ખરું?

નામ તો જાણી લીધું. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે આખરે બુદ્ધિમત્તા માપવાનો માપદંડ શું? વાસ્તવમાં વ્યક્તિની બુદ્ધિમત્તા કે હોશિયારી IQ(આઈક્યુ) લેવલના આધારે નક્કી થાય છે.

સામાન્ય વ્યક્તિના મગજનો IQ 85 થી 115ની વચ્ચે હોય છે. પરંતુ ટેરેન્સનો IQ છે 230 છે. ઓહો!! તેની બુદ્ધિ ક્ષમતાનો અંદાજો તો આ આંકડા પરથી આવી જ ગયો હશે. હવે આપણે “ટેરેન્સ તાઓ”ની વિશિષ્ટ સિધ્ધિઓ વિશે વિસ્તારથી વાત કરીએ.

ટેરેન્સ તાઓ ઓસ્ટ્રેલિયન- અમેરિકન ગણિતશાસ્ત્રી છે. તેમનો જન્મ 17 જુલાઈ 1975નાં રોજ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તેમનાં પિતા બિલી તાઓએ MBBSની ડિગ્રી મેળવી હતી તેમજ માતા ગ્રેસ તાઓ ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિષયના માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

ટેરેન્સ બાળપણથી જ ગણિત વિષયમાં વિશેષ કૌશલ્યો ધરાવતા હતા. અને તેમણે યુનિવર્સિટી લેવલનો ગણિતનો અભ્યાસ માત્ર નવ વર્ષની વયે શરૂ કરી દીધો હતો. નવ વર્ષની વયે ટેરેન્સે સ્ટડી ઓફ એક્સેપ્સનલ ટેલેન્ટ પ્રોગ્રામમાં 760નો સ્કોર બનાવી વિક્રમ સજર્યો હતો. 10 વર્ષની વયે તેમણે ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલંમ્પ્યાર્ડમાં પ્રથમ વખત ભાગ લીધો હતો.

આ ઓલંમ્પ્યાર્ડના સૌથી નાની ઉંમરના સ્પર્ધક તરીકે નામ નોંધાવ્યું હતું. 1986, 1987 અને 1988નાં મેથેમેટિક્સ ઓલંમ્પ્યાર્ડમાં તેમણે ક્રમશઃ કાંસ્ય, રજત અને સ્વર્ણ ચંદ્રકો હાંસલ કર્યા હતા. અને આ ઓલંમ્પ્યાર્ડના સૌથી નાની ઉંમરના વિજેતા બની, વિશ્વ વિક્રમ સજર્યો હતો. ત્યારે તેમની ઉંમર માત્ર 13 વર્ષની હતી!

એક વર્ષ બાદ ટેરેન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા અને તેમનું પ્રથમ રિસર્ચ પેપર 15 વર્ષની વયે પ્રકાશિત થયું. વર્ષ 1991માં તેમણે ફ્લિન્ડર્સ યુનિવર્સિટીમાંથી બેચલર અને માસ્ટર ડિગ્રી મેળવી.

એ પણ માત્ર 16 વર્ષની ઉંમરે! 1992માં ટેરેન્સને યુ.એસ.માં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી. તથા 1996માં તાઓ પ્રિન્સેટોન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી બની ગયા. 21 વર્ષની વયે તેમણે Ph.Dની પદવી મેળવી.

ત્યારબાદ તેઓ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. અને 24 વર્ષની ઉંમરે USLAમાં પ્રોફેસર તરીકે નિમાયા. તથા તે ઇન્સ્ટિટ્યૂટના સૌથી નાની વયના પ્રોફેસર બન્યા.

ગણિતની દુનિયામાં તાઓ એ અનેક રિસર્ચ કર્યા છે. જેમાંથી ‘બેન જે. ગ્રીન’ સાથે મળીને સાબિત કરેલો “ગ્રીન-તાઓ પ્રમેય” મોખરે છે. વર્ષ 2016 સુધીમાં ટેરેન્સ તાઓ એ ૩૦૦ જેટલા રિસર્ચ પેપર અને 17 જેટલી બૂક્સ લખી છે.

વર્ષ 2007માં તાઓને “એસ એ ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર”નો ખિતાબ મળ્યો હતો. આ ઉપરાંત અનેક પુરસ્કારો, પદવીઓ અને ખિતાબો ટેરેન્સ તાઓના નામે છે. હાલમાં ટેરેન્સની ઉંમર 42 વર્ષની છે અને તેઓ ગણિતશાસ્ત્રી તરીકે ફરજ બજાવે છે. ટેરેન્સ તાઓ આજ સુધીમાં વિશ્વના સૌથી ઊંચા IQ નાં માલિક છે.

તો આ હતી દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસની કહાની. છે ને અદ્ભુત?

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *