ભંગારની રેકડી ચલાવતા ભગવાનજીભાઈ અને કિરણબેન કિસ્મતની એવા ઠોકરે ચડ્યા હતા કે, વાત જ ન પૂછો – આ સ્ટોરી વાંચીને તમારા હદયના તાર કરૂણાથી ધ્રુજી ઉઠશે. – કહાની કિસ્મતની – એક ગુજરાતી

ભગવાનજીભાઈના ઘરે આજે દીકરાનો જન્મ થયો. ત્રણ વર્ષ પછી ઘરે પારણું બંધાણું. આ ખુશી એટલી મોટી છે કે, ઉછીના પૈસા લઈને લગતા-વળગતાને પેંડા વેંચ્યા. આમ તો નામ “ભગવાનજીભાઈ” પણ કિસ્મતની ઠોકરે ચડેલા નવજાત શિશુના પિતાએ જિંદગીમાં મહેનત કરવાની બધી હદ ઓળંગી નાખી હતી. નવ વર્ષના હતા ત્યારથી પૈસા કમાતા શીખ્યા અને ઘરની જવાબદારીનું પોટલું ઉપાડતા આવડી ગયું. તો હજુ આજે પણ ક્યારેક ભાગ્યને યાદ કરતા દોષ દઈ બેસે છે. કાચા મકાનમાં બહાર દેખાતી ઇંટો આબરૂને ઢાંકી નથી શકતી નથી એટલે તો પતિ-પત્ની સાથે છોકરાઓ એક રસોડા જેવા નાના મકાનમાં એડજસ્ટ કરીને રહેતા શીખી ગયા.

“વાહ કુદરત વાહ, ભગવાનજી તારા ઘરે દીકરાનો જન્મ થયો, તો હવે ખુશીના દિવસો આવ્યા એવું લાગે છે. જતી જિંદગીએ સુઘરી ગઈ” – પાડોશીએ ખુશીના શબ્દો અહીંથી શરૂ કર્યા.

“હા, મનસુખ હવે તો આ ભગવાનજીની સામે ભગવાન જોવે ને!!”

“હ્હ્હ, એટલે તો આજ મનસુખ્યો તારા ધરની ચા પીવા આવ્યો છે…”

“અરે!! ચા નહીં પેંડા ખવડાવું” – ભગવાનજીભાઈએ ખુશી વધુ આગળ વધારી

એ પછી તો દીકરો જોતજોતામાં ત્રણ વર્ષનો થઇ ગયો અને બીજી મોટી દીકરી સાતમાં વર્ષમાં પ્રવેશ કરશે. ભગવાનજીભાઈને મેરેજ એનીવર્સરીમાં તો વધુ ખબર ન પડે પણ લગ્નની પચીસી પાર કરી નાખી હતી. એ તો બધું ઠીક પણ આજ કિરણને વાત કરવી પડશે.

“કિરણ, મને તો આપણા સુંદરની ચિંતા થાય છે”

“શું વળી??”

“ત્રણ વર્ષનો સુંદર થઇ ગયો છે. પણ હજુ એક શબ્દ પણ બોલ્યો નથી”

“બસ ને.. મારા મારા મનની મૂંઝવણ પર નમક છાંટ્યું તમે તો” – કિરણ એટલે ભગવાનજીભાઈની પત્ની અને તેને પણ ભગવાનજીભાઈની વાતમાં સાથ આપતા આટલું કહ્યું,

“તમે આજે બોલ્યા પણ હું તો સુંદરીયાની ‘માં’ છું, તો મને પૂછો શું થાય? તકલીફ થાય છે, સુંદરને રોજ-રોજ ખોળામાં લઈને ક્યાં સુધી ફરતી લઈશ”

“હું બધું સમજુ છું-કિરણ”

કિરણને એક આશ દેખાણી એટલે તો તેને ભગવાનજીને કહ્યું,

“પણ હું શું કહું તમે તો સુંદરના બાપ છો તો કૈંક એકાદ માતાજીની ટેક ધરો ને..”

“તને વિશ્વાસ છે તો એમ કરૂ? બાકી મને નથી લાગતું કે, ‘કિસ્મત’ આપણને છોડે”

“પ્રયત્ન તો કરીએ. કદાચ સુન્દરીયાને સારૂ થઇ જાય”

“હા, અત્યાર સુધી એ જ કરતા આવ્યા છીએ. હવે, ‘પ્રયત્ન’ શબ્દ અઘરો લાગે છે-કિરણ” – ભગવાનજીનો અવાજ થોડો તીણો થયો અને રડવાનું સહજે ડૂસકું આવી ગયું

“એય, તમે હિંમત ઢીલી ન કરો, કૈંક તો થઇ વળશે જ હો”

પ્રયત્ન-પ્રયત્નમાં સુંદર અને સમય બંને વધતા ગયા. જન્મથી મૂંગો જન્મેલ સુંદર ઉંમરમાં તો વધતો જતો પણ તેના શરીરમાં સહેજ ચઢાવ-ઉતાર ન દેખાય. ૧૦ વર્ષના સુંદરને આજે પણ ‘માં’ ખોળામાં ઊંચકીને ફરતી હોય છે. નાના કદનું શરીર ને’ ઉપરથી ભગવાને વાચા જ ન આપી. કિસ્મતે ફરી ઠોકરે ચડાવ્યા હતા. પણ હવે કિસ્મતની હદ થઈ છે એટલે ભગવાનજીભાઈએ ‘પ્રયત્ન’ શબ્દની જગ્યાએ ‘મંજૂર’ શબ્દને સ્વીકારી લીધો છે. આમ તો તેને મંજૂર શબ્દને સ્વીકારવો પડે એમ જ હતો કારણ કે ગ્રહ – નક્ષત્ર, માતાજી – પિતાજી, કોઈ અઘરી ટેક કે ભુવા-ભૂત-પિશાચ કઈ બાકી રાખ્યું ન હતું. એવો કોઈ વાર બાકી નથી જેમાં તેને ઉપવાસ ન કર્યો હોય. બસ, હવે તો એક જ વાત છે, બધું – ‘કિસ્મતના શરણે.’

આ કિસ્મતને આપણે બીજા હુમાયુ નામ ‘ભાગ્ય’થી પણ બોલાવીએ છીએ. આમ, તો માણસ ઈચ્છે કે – ન ઈચ્છે તેની સાથે  ભાગ્ય ફરતું જ રહે છે. પણ અમુકના ભાગ્ય ધોવાઇ ગયા હોય છે. જેમ કે, ભગવાનજીભાઈ અને તેની પત્ની કિરણના. સમયના પઘડા ઘા સહન કરેલા બંનેને ‘કોશિશ’, ‘કર્મ’ અને ‘કાર્ય’ બધું સરખું જ લાગે છે. હવે તો કદાચ દીકરી જુવાન થઈને ઘરની સારી સ્થિતિ લાવે અને ચડતા પહોર જેવા સારા દિવસો ઘરમાં આવે તો થાય!! સુંદરનું તો માત્ર નામ ‘સુંદર’ રહી ગયું પણ દીકરો બાપનો આધારસ્તંભ ન બની શક્યો. કુદરતે આપેલું અતિ વામન શરીર અને વગર વાચાએ એ જાય પણ ક્યાં અને કરે પણ શું?

ભગવાનજીભાઈ રડતા-રડતા આ બધી વાતો યાદ કરતા હતા ત્યાં દીકરીની મરણ દાસ્તાન યાદ આવી ગઈ. હદયને ધ્રુજારી ચડાવી દે એવી ઘટના બની હતી. વીતેલા કાળમાં ભૂકંપે એકવાર જમીન ડગાવી નાખી હતી એમાં ભગવાનજીભાઈની જિંદગી પણ બાકી ન રહી. એ દિવસની ઘટના ભગવાનજીને હજુ ધૂંધળી યાદ આવે છે. એ દિવસે, સવારે અચાનક ભૂકંપ આવ્યો ને’ કિરણ સુંદરને રૂમાલમાં વીટીને ઘરની બહાર નીકળી ગઈ. હું દીકરીને લઈને બહાર નીકળું કે, ત્યાં જ ઘરની છત ધડાકાભેર તૂટી પડી. ફરી કિસ્મતની કઠણાઈ અળવીતરા કામ કરીને ચાલી ગઈ. મને થોડું જ વાગ્યું અને મારી દીકરી દટાઈને, ગુંગળામણની ચીસો પાડતી રહી અને તો’ય હું બચાવી ન શક્યો. અંતે દીકરી ત્યાં જ મરી ગઈ. એ ભૂકંપે મારી જિંદગીને અને ઘરને તબાહ કરી નાખ્યું. મારૂ ઘર ને’ દીકરી બંને હાથમાંથી છૂટી ગયા. બસ, હવે બાકી બચ્યાં, બે સાજા પણ કિસ્મતના અભાગ્ય એવા અમે પતિ-પત્ની અને અમારો વાચા વગરનો અતિ વામન દીકરો ‘સુંદર.’

ત્યાં ભગવાનજીભાઈ ઘરના આંગણમાં ખાટલા પર બેઠા હતા એટલામાં શેરીના કુતરાઓનું ટોળું આવીને તેના પગને સુંઘવા લાગ્યું. ટોળામાં એક કુતરી, તેના બે નાના બચ્ચા અને એક કુતરો જાણે કંઈક ખાવાનું ગોતવા નીકળ્યા હોય એ રીતે આમતેમ બધે ફરતા હતા. આ દ્રશ્ય જોઇને જીવન ભારે થઇ પડ્યું એવો દર્દનાક અહેસાસ થયો. હવે તો જિંદગી મોટી થઇ પડી છે કે, સાલી ખૂટતી જ નથી!! બસ, કોઈ મહત્વનું કામ બાકી રહ્યું નથી. રોજ સવારે એ જ દિવસ ઉગે અને એવી જ રીતે ફરી અંધારી રાત થઇ જાય છે. ભગવાનજીભાઈ દુઃખને યાદ કરતા-કરતા એકલા ગણગણવા લાગ્યા હતા. જૂની યાદોની કેસેટ તેના મગજમાં ચડી ગઈ હતી એટલે તો ઈશ્વર સાથે વાતો કરવા લાગ્યા,

“હે ઈશ્વર! તું ભલે ને ગમે તે કરે. પણ મારે તો અમાસ અને પૂનમ બંને સરખા. મને, અંધકાર અને અંજવાળા વચ્ચે ફરક ખબર ન પડે અને હા ભગવાન, હું ભગવાનજી થઈને તને કહું છું કે, તે બનાવેલી રચના પેલા કિસ્મતને કહી દે જે કે, મેં તો છોડી દીધું છે બધું તારા પર – ‘ઓ કિસ્મત’ પણ હું વધુ કોઈનો ભરોષો કરતો નથી. કારણ કે, હું પણ ભગવાનજી હોવા છતાં ક્યાં ભગવાન છું!!”

ગઈકાલની આખી રાત તો ભગવાનજીભાઈએ બળબળતા કાઢી નાખી અને ઊંધ માત્ર ચકડોળ ખાઈને સવારે જતી રહી. એમ, ફરી એક નવી સવાર થઇ ગઈ. ભગવાનજીભાઈ અને કિરણ-સુંદરને રૂમાલમાં વીટીને રોજની જેમ ભંગારની લારી લઈને ફેરી કરવા નીકળી ગયા. રોજીંદી જિંદગીમાં આજે કે આવતીકાલે કંઈ નવું નથી થવાનું એ જાણતી કિરણબેન રાત્રે સુતા પહેલા આજે’ય એક વાક્ય બોલે છે, “જિંદગી હું તને યાદ રાખીશ. સમય આવવા દે હું તને જોઈ લઈશ.”

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *