દરરોજ લાખ માણસોનો જમણવાર,જબરદસ્ત ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ! વાંચો શિરડીમાં આવેલ એશિયાના સૌથી મોટા પ્રસાદાલયની વાત

ભારતના મોટાભાગના શ્રધ્ધાળુઓનો પ્રવાહ જે તરફ આકર્ષાય છે,માનવમહેરામણ ઉમટે છે એ શિરડીધામ ભારતના ધનિકત્તમ મંદિરોમાં ટોચનું સ્થાન ધરાવે છે. સાંઈબાબા પ્રત્યે અપ્રતિમ શ્રધ્ધા આ ધામ માટેની આકર્ષતાનું કારણ છે. મહારાષ્ટ્રની ઉજળી પરંપરાને દિપાવતા આ મંદિરની વિશેષતા છે એનું વિશાળ પ્રસાદાલય!

Sai baba prasadalaya shirdi

એ વાતથી તો કોઇ અજાણ નથી કે શિરડીધામે પ્રત્યેક દિવસે મબલખ ભાવિકો આવે છે, ખરેખર મબલખ! ભક્તો દ્વારા અહીં છૂટમોઢે દાન પણ કરવામાં આવે છે. એના પ્રતાપે અહીં ઉત્તમ સુવિધાઓ પણ રહેલી છે. “સાંઈ પ્રસાદાલય” એનો જ એક સર્વોત્તમ નમુનો છે.

એશિયામાં અવ્વલ! –

શ્રી સાંઈબાબા સંસ્થા ટ્રસ્ટ દ્વારા તૈયાર થયેલ સાંઈ પ્રસાદાલયનો આખા એશિયામાં જોટો જડે તેમ નથી! અહીં રહેલી આધુનિક સુવિધાઓ એકદમ ચકિત કરી દે તેવી છે. ૮ જાન્યુઆરી,૨૦૦૮ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાદેવી પાટીલના હસ્તે રીમોટ કન્ટ્રોલ વડે આ પ્રસાદાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું.

Sai baba shirdi

હવેની વિગતોથી તમને ખ્યાલ આવશે કે શા માટે આ પ્રસાદાલય એશિયામાં અવ્વલ છે.

અહીં એકસાથે સાડા પાંચ હજાર માણસો એક સાથે બેસી શકે એવા ડાઇનીંગ હોલની સુવિધા છે.એકદમ સસ્તા દરે ભરપેટ ભોજન આપતા આ પ્રસાદાલયમાં દરરોજના ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦ માણસો ભોજન કરવા આવે છે.તહેવારોના દિવસોમાં આ સંખ્યા ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ સુધી પહોંચી જાય છે!

કલ્પના બહારની સુવિધાઓ –

Sai baba prasadalaya shirdi

લગભગ ૭.૮ એકર જમીનમાં ઉભું થયેલું આ સંકુલ ૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું.અહીં એકદમ પૌષ્ટિક મહારાષ્ટ્રીયન શૈલીની અસર ધરાવતું ભોજન તૈયાર કરવામાં આવે છે.

કદાચ તમને જાણીને આશ્વર્ય થશે કે સોલાર ઉર્જા વડે રસોઈ બનાવતો આ વિશ્વનો સૌથી વિશાળ પ્લાન્ટ છે! હાં,અહીં ભરપૂર રીતે બિનપરંપરાગત એવી સૌરઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.એનો એક દાખલો-સોલર કુકર વડે અહીં ૧,૦૦૦ માણસો માટે ફક્ત ૨૫ મિનીટમાં ભાત તૈયાર કરી દેવામાં આવે છે!! અહીંના વિશાળ અત્યાધુનિક મશિનોમાં શાકભાજી જેવી ચીજ આપોઆપ કટ થઇને સુધારાઇ જાય છે. અહીંની આવી વિશાળત્તમ અને એટલી જ ટેક્નોલોજીકલ સુવિધાઓ ગમે તેને આકર્ષે તેવી છે.

Sai baba prasadalaya solar system

પ્રસાદાલયમાં મહિનાના કૂપન પણ આપવામાં આવે છે. અહીં રહેલી વિશાળ ફ્રીજોમાં ખોરાક,શાકભાજીનો સંગ્રહ કરવામાં આવે છે. પૂણે ઇત્યાદિ શહેરોમાંથી ટ્રકો દ્વારા ખોરાક લાવવામાં આવે છે.

પ્રસાદાયલમાં ભોજનના ચાર્જની વાત કરીએ તો ૧૫ રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે! સાંઇ ભક્તો માટે ૬ રૂપિયામાં અને ૧૦ વર્ષથી ઓછી વયના શિશુઓ માટે માત્ર ૩ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. ભોજનાલય સવારના દસથી રાતના દસ સુધી ખુલ્લું રહે છે. ૫૫૦ સેવાભાવીઓ સતત સેવામાં હાજર રહે છે. કહેવાય છે કે, વાર્ષિક ૩૦ કરોડનો ખર્ચ આવે છે!વળી,અમુક તહેવારો-(જેમ કે,દશેરા) ના દિવસોમાં એકદમ ફ્રીમાં ભોજન વિતરણ કરવામાં આવે છે. અહીં સવારે ૭ વાગ્યાથી ૧૦ વાગ્યાની અંદરમાં નાસ્તાના પેકેટ તૈયાર થાય છે. જેની કિંમત ૪ રૂપિયા રહેલી છે. ખોરાક સસ્તો પણ છે અને પૌષ્ટિક પણ!

Sai baba prasadalaya kichen

સને ૨૦૧૦માં ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સાંઈ પ્રસાદાલયને પ્રમાણપત્ર અને પ્રશંસા આપવામાં આવી છે.મતલબ ભોજન બહેતર હૈ!એ વાતનું પ્રમાણ પ્રસાદાલયને મળેલા ISO 9001:2008 સર્ટીફીકેટ પરથી મળે છે.

પ્રસાદાલયના પાયા નખાયેલા છેક ૧૯૮૦માં.એ વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શંકરરાવ ચૌહાણે પ્રસાદાલય-૧નું ઉદ્ઘાટન કરેલું.આગળ જતાં આ સેવા અત્યાધુનિક બની.

Sai baba temple shirdi

આજે “અન્નદાન મહાદાન”ના મંત્રને સાર્થક કરતું,હજારો લોકોની આતરડી ઠારતું આ પ્રસાદાલય ઉભું છે.જે માણસો કંઇ આપી શકવાને સમર્થ નથી એના માટે મફતમાં ભોજન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે.અન્નદાનથી મોટું સત્કાર્ય બીજું શું હોઇ શકે!

ઠારજે ભુખ્યાની તું હોજરી રે મનવા મન રાખીને મોટા!

અભિનંદન સહ વંદનને પાત્ર છે શિરડી ટ્રસ્ટ કે જેણે મળતાં દાનનો એકદમ યોગ્ય માર્ગે સદુપયોગ કર્યો છે!

વાંચો :

જો આપની પાસે પણ કોઈ  રસપ્રદ સ્ટોરી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર.  સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…

Leave a Comment