સાસુ કચકચ કરે છે અને પતિ તો તેમનું ઉપરાણું લીધા રાખે છે.. તો શું તમને પણ અલગ થવાનો વિચર આવે છે? તો આને જરૂર વાંચજો😕

 મારાં લગ્નને આઠ વર્ષ થયાં છે અને બે સંતાનો છે. હું નોકરી કરું છું અને ઘર પણ સંભાળું છું જ્યારે મારા હસબન્ડ નોકરી કરીને પગ પર પગ ચડાવીને ઑર્ડર કરવામાં માને છે. મારાં સાસુ પણ એવું જ માને છે કે વહુએ તો ઘરના કામને પ્રાધાન્ય આપવું જ જોઈએ. હું ક્યારેક મોડી આવી હોઉં તોય મારે કરવાનાં કામો જાણી જોઈને રાખી મૂકવામાં આવ્યાં હોય. મેં કામવાળી બાઈ રખાવી છે, પણ તેની પાસે તેઓ પોતાનાં કામો કરાવશે.

મારો પતિ પોતાની માના પલ્લુમાં ભરાઈ જાય છે અને તેમનું જ ઉપરાણું લે છે. ઑફિસથી આવીને તેઓ મોડી રાત સુધી દોસ્તો સાથે ફરવા જતા રહે, જ્યારે હું ઘરનાં ઢસરડાં કરતી રહું. મારાથી પહોંચી નથી વળાતું એવી ફરિયાદ કરું તો તેમનો ચોખ્ખો જવાબ હોય કે કોણ તને કહે છે કમાવા જા, તારા પૈસાની મને કોઈ જરૂર નથી. સાસુ અને વરનો રવૈયો છે એ જોતાં મને કમાવું બહુ જ જરૂરી લાગે છે. મારે મારી બચત કરીને સિક્યૉરિટી કરવી મસ્ટ છે.

નાની-નાની વાતે કજિયા થયા જ કરે છે. બાળકો બપોર સુધી સ્કૂલમાં હોય અને એ પછી ડે-કૅરમાં હોય. સાસુએ તો તેમને માંડ એકાદ કલાક જ સાચવવાં પડે છે એ છતાં તેઓ બૂમાબૂમ કરે છે કે બાળકોને સાચવીને તેઓ થાકી ગયાં છે. હસબન્ડને મારી કોઈ જ વાતની પડી નથી. તેમને મારી કિંમત સમજાય એ માટે મેં સંતાનોને લઈને પિયર જવાની ધમકી આપી.

મારું પિયર નજીકમાં જ છે. બે વીક પિયર રહી એટલે પતિ માફી માગીને મને પાછા લઈ આવ્યા. જોકે અહીં આવ્યા પછી થોડા જ દિવસમાં પાછું હતું એનું એ થઈ ગયું. મને થાય છે કે હું ડિવૉર્સ લઈને શાંતિથી મારા બાળકને મોટું કરું, પણ અમારા સમાજમાં છૂટી પડેલી સ્ત્રીઓને માનથી જોવામાં નથી આવતી એટલે એ વાતનો સંકોચ પણ છે. હું પણ ખરેખર વાજ આવી ગઈ છું.

સામાન્ય રીતે સ્ત્રીઓ ડિવૉર્સ લેવાની વાત વિચારવાથી ડરતી હોય છે, જ્યારે તમે અંદરથી ડિવૉર્સ લેવા ઇચ્છો છો એ બતાવે છે કે તમે આ સંબંધથી કેટલાં કંટાળેલાં છો. બીજું, ડિવૉર્સ માટેની તમારી હિંમતનું કારણ કદાચ તમારી આર્થિક પગભરતા પણ હોઈ શકે. તમે સ્વતંત્ર રીતે જીવી લેવાનો વિચાર કરી શકો છો એ સારી ચીજ છે. છતાં એક પ્રશ્ન જરા શાંતિથી વિચારી લેજો કે આર્થિક સ્વતંત્રતાએ તમારી સહિષ્ણુતા ઓછી કરી નાખી હોય એવું તો નથીને?

તમારે શા માટે ડિવૉર્સ લેવા છે? એનું કારણ શું? તમે વાજ આવી ગયાં છો એનું મૂળ કઈ સમસ્યામાં છે?

સમસ્યા ઘરના કામની છે? સાસુની કચકચની છે? પતિ નથી સમજતા એની છે? તમે પત્રમાં વર્ણવેલી રોજિંદી બાબતોની તકલીફો જ હોય તો એ સુલઝાવી શકાય એવી છે. એ માટે ડિવૉર્સ જેવું આત્યંતિક પગલું લેવાનો વિચાર ઉતાવળિયો ગણાશે.

જીવનમાં કોઈ પણ સંબંધોને ટકાવવા હોય તો બન્ને પક્ષે એ માટે મથવું પડે. સાસુમા કચકચ કરતાં હોય તો એને વળતી કચકચથી નહીં, પ્રેમથી જીતવાની કોશિશ કરવી જોઈએ. યસ, થોડુંક ઍડ્જસ્ટમેન્ટ કરવું પડે એ વાત ખરી.

જો તમને જરાય ઍડ્જસ્ટમેન્ટ ન કરવું પડે એવી જિંદગી જોઈતી હોય તો તમે એકલાં પણ સુખી નહીં રહી શકો, કેમ કે એકલા રહેવામાં પણ ઘણું ઍડ્જસ્ટમેન્ટ કરવું પડે છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment