સાસરેથી પાછી આવેલી દીકરીનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હોવાથી વર્તન બદલાઈ ગયું છે..

મારી દીકરી ૩૨ વર્ષની છે. લગ્નમાં ખૂબ દુખ જોઈને પાછી આવી છે. મારપીટ કરતા પતિથી માંડ છુટકારો મેળવતાં અમને બે વર્ષ થયાં. પાંચ વરસ લગ્નજીવનમાં ત્રાસ વેઠ્યો હોવાથી હવે પિયરમાં બરાબર સેટ થઈ શકતી નથી. તેનું વર્તન જોતાં છેલ્લા કેટલાક વખતથી તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હોય એવું લાગે છે.

આમ બધી જ રીતે નૉર્મલ છે. તેની સમજણ ઘટી ગઈ હોય એવું નથી, પરંતુ તે જે કામ કરતી હોય એમાં તે એટલી ખૂંપી જાય કે તે એ જ કર્યા કરે. તેને સમયનું પણ ભાન ન રહે. તેને સિન્કમાં પડેલાં વાસણ સાફ કરવા કહ્યું હોય તો તે રસોડામાં ગોઠવેલા બધાં જ વાસણ કાઢીને ધોવા લાગી જાય. ક્યારેક કીધેલું ભૂલી જાય તો ક્યારેક બબ્બે વાર કરે. ખાસ કરીને સ્વચ્છતા બાબતે તેની ચોખલાઈ વધી ગઈ છે. આખો દિવસ કપડું લઈને ઘરમાં ઘસ્યા જ કરતી હોય.

નોકરી કરતી હતી પણ આ જ કારણોસર છૂટી ગઈ. ક્યારેક તે અમારી સાથે ખૂબ જ નૉર્મલ વાતચીત કરે તો ક્યારેક સાવ જ ગુમસૂમ બેસી રહે. તે સાસરેથી પાછી આવી ત્યારે ક્યારેક જ આવું ભુલક્કડપણું કરતી હતી. સામાજિક રીતે હળવામળવામાં પણ તેને કોઈ પ્રૉબ્લેમ નથી આવતો. જોકે તે સામેથી લોકોને મળવા જવાનું પસંદ નથી કરતી.

ઘરમાં તેની ઉંમરનું બીજું કોઈ નથી. તેની બહેનપણીઓને બોલાવીએ છીએ તો એ વખતે પણ તે ઘરમાં સાફસફાઈ કર્યા કરે અને કહી દે કે હમણાં મારે કામ છે. અમે ઇચ્છીએ છીએ કે તે હમઉમ્ર લોકો સાથે હળેભળે અને તેનું માનસિક સંતુલન પાછું આવે.

મને લાગે છે કે નકારાત્મક અનુભવોને કારણે લાગેલા માનસિક આઘાતની આ અસરો છે. માનસિક સંતુલન બરાબર છે, પરંતુ ખૂબ નાની ઉંમરે તેણે જે ઘટનાઓ વેઠી છે એની અસરમાંથી તે બહાર નથી આવી શકી. બીજું એકનું એક કામ કર્યા કરવાનું જે લક્ષણ તમે વર્ણવો છો એ એક પ્રકારની વર્તણૂકની સમસ્યા છે.

મેડિકલ ભાષામાં એને ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર કહેવાય. એમાં માનસિક સંતુલન ખરાબ નથી થયું હોતું, પણ નાની-નાની બાબતે વ્યક્તિ વધુ ચીવટવાળી થઈ જાય છે. સામાન્ય રીતે આ તકલીફની શરૂઆત નાની-નાની બાબતોથી થતી હોય છે. એનું કારણ એ હોય છે કે તે ભૂલી જાય છે કે તેણે એ કામ હમણાં જ પૂરું કર્યું છે. અમુક હદ પછી આ ચીજો કર્યા કરવાનું વળગણ થઈ જાય છે જેને તે ખુદ કાબૂમાં રાખી શકે એમ નથી.

તે હમઉમ્ર બહેનપણીઓ સાથે હળેભળે એ માટે જે પ્રયત્ન કરો છો એ સારો જ છે, પરંતુ આ બહેનપણીઓ સમજુ હોય એ જરૂરી છે. તેની આ સ્થિતિને સમજીને ધીરજપૂર્વક કામ લઈ શકે એવી બહેનપણી ન હોય તો વાત સુધરવાને બદલે બગડી શકે.

દીકરીને નકારાત્મક ઘટનાઓની અસરમાંથી બહાર કેવી રીતે કાઢવી એ સૌથી મોટો સવાલ છે. મને લાગે છે કે એ કામ જાતે કરવાને બદલે કોઈ અનુભવી સાઇકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરવાનું વધુ હિતાવહ છે.

મગજના ખાસ પ્રકારના કોષોમાં ગરબડ પેદા થવાને કારણે દરદીના બિહેવિયરમાં તકલીફ સર્જાય છે. દવાઓ તેમ જ કેટલીક થેરપીના સેશન્સ આપવાથી ધીમી પણ મક્કમ રિકવરી શક્ય છે. વિના વિલંબે તમે તેને કોઈ સારા સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જાઓ અને જલદીથી તેની ટ્રીટમેન્ટ કરાવો. નકારાત્મક અનુભવોની છાપ ઝાંખી થાય એ માટે સમય અને યોગ્ય સારવાર મળશે તો વાંધો નહીં આવે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!