પુસ્તકપ્રેમની આ કહાની જાણી તમને પણ અચરજ થશે – રવજીભાઈ વ્યાસની વાત ન થાય

જાણકાર માણસે કહ્યું છે કે, “જો નિરક્ષરતાએ અભિશાપ અને અંધકાર છે, તો આ અભિશાપના અંધકારમાંથી બહાર નીકળવા સારા પુસ્તકો એ મશાલ સમાન છે”. પુસ્તકો આપણા સાચા મિત્રો કહેવાય છે. ક્યાંક ને’ ક્યાંક આપણે સૌ કોઈ પુસ્તકો સાથે જોડાયેલા છીએ. શાળાનાં પાઠ્યપુસ્તકોથી માંડીને ધાર્મિક ગ્રંથ, નવલકથાઓ કે કોમિક બુક્સ બધા પુસ્તકો જ તો છે. એમાં પણ જે લોકો વાંચનના શોખીન હોય તેમની તો દુનિયા જ કંઈક અલગ છે.

વાંચનથી જ્ઞાનમાં વધારો થાય. આ ખોટું નહીં – સો ટકા સાચું છે. જ્ઞાન અને વિજ્ઞાનનાં વધુ અભ્યાસ માટે પુસ્તકને ગળે લગાડવા પડે. જાણકારી અને સચોટ માર્ગદર્શનનો અખૂટ ભંડાર બુક્સ હોય છે. નામાંકિત લેખકો દ્વારા લેખિત પુસ્તકો જિંદગીની પરિભાષા બદલી નાખે એટલી તાકાત ધરાવે છે.

કોઈને કવિતા ગમે – તો કોઈને ગઝલ, કોઈને ભજન ગમે – તો કોઈ ને વાર્તા. દરેક ઈન્સાની જીવની મનોદ્રષ્ટિ અલગ હોય છે. એ બધામાં વિશેષ એ કે પુસ્તક પ્રત્યેનો લગાવ. તો આજે વાત કરીએ એક એવા વ્યક્તિની જેનો પુસ્તકપ્રેમ અનોખો છે.

સુરતનાં વરાછા વિસ્તારમાં રહેતા “શ્રી રવજીભાઈ વ્યાસ” – તેઓએ પોતાના ઘરને જ લાઈબ્રેરી બનાવી દીધી છે. જેમાં એક લાખથી વધુ અલગ અલગ વિષય પરનાં પુસ્તકો સંગ્રહિત છે. જુદી જુદી ભાષા, નવા વિષય, વાર્તાઓ, કાવ્યસંગ્રહ, વેદ – પુરાણ અને ધર્મગ્રંથની ચોપડીઓ હાજર સ્ટોરેજ છે. તેમનાં ઘરે જાણે પુસ્તકોની નગરી વસ્તી હોય એવો આભાસ થાય છે.

જેમ સ્વર્ગની કલ્પનામાં ચારે તરફ સુંદરતા વ્યાપેલી દેખાય. તેમ રવજીભાઈનાં ઘરની કલ્પના પુસ્તકોની અલ્કાપુરી તરીકે કરી શકાય. તેમનાં ઘરમાં રસોડા સિવાય દરેક જગ્યાએ બસ પુસ્તકો જ પુસ્તક છે. ઘરની દીવાલ પણ પુસ્તકોના ઢેરથી ઢંકાય ગયેલ છે.

રવજીભાઈનાં પુસ્તકપ્રેમ પાછળ એક અનોખી કહાની છે. એ કરૂણ કારણથી જીંદગીમાં નવા વળાંકો આવી ગયા. રવજીભાઈ જયારે સાતમાં ધોરણમાં હતાં ત્યારે તેની પાસે પુસ્તકો ન હતાં અને પુસ્તક વિના પરીક્ષા આપવાની મજબૂરી બની હતી. તે દિવસથી જ નક્કી કર્યું કે, અઢળક પુસ્તકો વસાવવા છે અને વાંચન કરવું છે.

આજે રવજીભાઇએ પોતાનું સપનું પૂરું કરી દેખાડ્યું. રવજીભાઈની ઘરની લાઈબ્રેરીમાં અઢળક પુસ્તક છે પરંતુ કયું પુસ્તક કઈ જગ્યાએ મુક્યું છે એ પલવારમાં ગોતી આપે છે. પુસ્તકોની જગ્યા શોધવા માટે કોઈ જાતની ડીજીટલ મશીનની જરૂરિયાત નથી. કોઈ પણ પુસ્તકનું નામ લેતાની સાથે જ તે પુસ્તકનાં લેખક અને પબ્લીકેશનનું નામ કહી દે છે. ભાગ્યે જ એવી બૂક હશે જેને રવજીભાઈ ન ઓળખતા હોય. તેઓ જે પુસ્તક ખરીદે તેને અંત સુધી વાંચવી એવો નિયમ આજે પણ બરકરાર છે.

આ ઉપરાંત, રવજીભાઈ જે પણ શહેરમાં જાય તે શહેરનાં પસ્તીવાળાને મળીને તેમની પાસે આવેલા જૂનાં પુસ્તકો ખરીદ કરે છે. તેઓ કહે છે કે, “જયારે લોકો તેમનાં માં-બાપને તરછોડી દે ત્યારે તેમને વૃધાશ્રમ સાચવે છે. એ રીતે કોઈ જયારે પુસ્ક્તને છોડી દે છે ત્યારે હું તેમને સાચવું છું”.

રવજીભાઈ પાસે ગાંધીજીના અક્ષરદેહનાં ૫૦ વોલ્યુમ છે. આ સિવાય ૧૬ પુરાણો તથા સંસ્કૃતનાં ૩૦૦ પુસ્તકો છે. રવજીભાઈની ઉમર વધતી જાય છે તેમ તેમનો પુસ્તકપ્રેમ પણ વધતો જાય છે. તે પુસ્તકને સુખ દુઃખનાં સાથી માને છે. તેનું વાંચન નિરંતર ચાલું જ છે. ધન્ય છે રવજીભાઈનાં પુસ્તકપ્રેમને… ધન્ય છે…!!!

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *