ગુજરાતનું એક એવું શહેર જ્યાં છે ખાવાના શોખીન લોકો – લોચો, ખમણી અને આઈસ પાન માટે લાઈનો લાગે છે..

ગુજરાતના દરેક શહેરનો અલગ વટ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરત. કોઇપણ શહેરનું નામ લો પણ બધા શહેરોની એક અલગ નવી આગવી ઓળખાણ છે. આ બધું સાથે મળીને તો બને છે “ગુજરાત.” તમે ગુજરાતના આ ચારેય શહેરોમાં ફર્યા છો? જેનો જવાબ ‘હા’ હોય કે ‘ના’. એથી વિશેષ એક શહેરનું નામ તમને જણાવીએ – એ છે “સુરત.” બિઝનેસના કામથી જાવ કે ફરવા માટે પણ જયારે પણ સુરતની મુલાકાત લો ત્યારે સ્પેશીયલ ટાઈમ લઈને સુરતની વાનગીઓનો ટેસ્ટ લેવાનું ભૂલતા નહીં.

અહીંના ખાનપાનમાં અલગ જ રંગત જોવા મળે છે, જે સુરતને આગવી ઓળખાણ આપે છે. સુરતમાં માત્ર હીરા ઉદ્યોગ જ છે એવું નથી. સુરત શહેર આખું જોવા લાયક છે. એમાં પણ ખાસ સુરતમાં મળતી વાનગીઓ તો ટેસ્ટ કરવા જેવી જ. સુરતની અનેક એવી નામચીન વાનગી છે જેનો સ્વાદ દાઢે લાગે એમ છે.

જૂની કહેવત પ્રમાણે કહેવાય છે કે, જેમ કાશીમાં મરનારને મોક્ષ પ્રાપ્તિ થાય છે, એ રીતે સુરતમાં ખાવાનું ખાવાથી જીવતા જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સુરતના સ્ટ્રીટ ફૂડ એટલે સ્વાદનો અસલી ખજાનો. સુરત આવો ત્યારે અહીં સ્ટ્રીટ ફૂડની વિઝીટ તો લેવી જ પડે. મોડી રાત સુધી સુરતની બજાર સ્ટ્રીટ ફૂડ રસિયાઓ માટે ખુલ્લી રહે છે. સુરતવાસી ખાવાના શોખીન કહેવાય છે. આ ગુજરાતીઓના જીવનમાં સ્વાદનું ઘણું મહત્વ હોય છે. સુરતની એસએમસી માર્કેટ આખી રાત ખુલ્લી રહે છે જ્યાં ઘણી બધી વાનગીઓ ખાવા માટે મળી જાય છે.

  • કોલેજીયન ચાટ :

સુરતમાં કોલીજીયન ચાટ બહુ ફેમસ છે. જે મગફળીમાંથી બનાવવામાં આવે છે. કોલેજીયન યુવાવર્ગમાં આ ચાટ બહુ ફેમસ છે. એટલા માટે તો આ ચાટનું નામ કોલેજીયન ચાટ રાખવામાં આવ્યું છે. આ વાનગી સુરતનો જ આવિષ્કાર છે.

  • સુરતી લોચો :

સુરતનો લોચો એટલે આખા શહેરની જાન એમ કહો તો પણ ચાલે. લોચો એ સુરતની એક પ્રકારની ડીશનું નામ છે. એમ, લોચાનો આવિષ્કાર ખમણ બનાવતી વખતે ભૂલથી થઇ ગયો હતો. એ ભૂલથી એક એવી નવી પ્રકારની ડીશનું સર્જન થયું કે, આખું સુરત તેની પાછળ પડી ગયું એટલે તો તેનું નામ પણ લોચો જ રાખવામાં આવ્યું છે.

  • પોંક વડા :

આહા, આ સ્વાદની તો શું વાત કરવી. રોડના કિનારા પર પોંકવડા વેચવા બેઠેલા માણસો તો સુરતની રોનકમાં વધારો કરે છે. મગની દાળ અને જુવારના વડા ખાવાની એટલી મજા આવે કે, જેની પાસે મોંઘી હોટેલના મેનૂ પણ ફિક્કા લાગે. આ વડાને પોંક વડા કહેવામાં આવે છે. લીલી ચટણી અને તળેલા મરચા સાથે પોંક વડા ખાવાની બહુ મજા આવે છે.

  • ખમણી :

આમ તો ખમણ ગુજરાતમાં બધે જ મળે છે પણ સુરતની ખમણી એટલી હદે ફેમસ છે કે અમુકની સવાર ખમણી ખાવાથી જ ચાલુ થાય છે. ખરેખર! હા, સુરતની ખમણી બહુ ફેમસ છે. ચણાની દાળમાંથી બનાવવામાં આવતી આ એવી ખાદ્યચીજ છે જેનો સ્વાદ ક્યારેય ભૂલી શકાય નહીં. સુરતમાં ઘણી બધી એવી દુકાનો છે જેની ખમણી બહુ પ્રખ્યાત છે.

  • આઈસ પાન :

સુરતી લોકોએ પાનને અલગ દિશા આપી છે. સુરતમાં એવું પાન મળે છે જે તમે ક્યારેય જોયું પણ નહીં હોય. અહીં મળે છે ‘આઈસ પાન.’ સુરતમાં ચાઈના ટાઉનની પાસે શ્રી સાઈ કૃષ્ણા બનારસી પાન શોપમાં આ આઈસ પાન મળે છે.

  • ઘારી :

સુરતની ઘારી પણ બહુ ફેમસ છે. સુરતી લોકો મીઠાઈ ખાવાના બહુ શોખીન હોય છે. જે સુરતની મીઠાઈ ઉપરથી ખબર પડી જાય એમ છે. ઘારી નામની મીઠાઈ સુરતમાં બહુ પ્રખ્યાત છે.

આ બધા સુરતના એવા સ્ટ્રીટ ફૂડ હતા કે, જે સુરતી લોકોની પહેચાન બની ગયા છે. તમે પણ ગમે ત્યારે સુરતની મુલાકાત લો ત્યારે આ સ્ટ્રીટ ફૂડની મજા માણવાનું ભૂલતા નહીં. ક્યુંકી યહી હૈ “સુરત કી જાન..”

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!