ચોમાસા દરમિયાન આટલી વસ્તુ ચેક કરી લો, કોઇપણ ગાડી બંધ નહીં પડે…

માણસ માટે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુ છે પણ આ જ ઋતુનું ‘ચોમાસું’ એટલે કાળજી રાખવાનો સમય. ખાસ તો વાહનો માટે ચોમાસાનો વરસાદ થોડો કંટાળાજનક રહે છે. જે ગાડીમાં નબળું એન્જીન કે લુસ બ્રેકીંગ સીસ્ટમ છે તેને રીપેર કરવાનો સમય એટલે ચોમાસું. ભલે તમારી પાસે મોંઘીદાટ ફોરવ્હીલ હોય પણ ચોમાસાની સામે ટક્કર ઝીલવા માટે તેને પણ તકલીફ પડે છે. વરસાદી પાણી મોંઘી કારને પણ હરાવી શકે છે. તો ચાલો આજના આર્ટીકલમાં એ માહિતી જાણી લઈએ કે, ચોમાસા દરમિયાન ફોરવ્હીલની કાળજી રાખવા માટે શું કરવું જોઈએ.

અહીં નીચેના લખાણમાં અમુક એવી કારગર ટીપ્સ જણાવી છે, જેને ફોલો કરવાથી વરસાદના પાણીમાં ગાડી હેરાન નહીં કરે…

ટુ-વ્હીલ માટેની ટીપ્સ :

(૧) ટુ-વ્હીલનું એન્જીન વધુ નીચે આવે છે એટલે વધુ પાણીમાં ગાડી ચલાવવાનો સાહસ એન્જીનને ખરાબ કરી શકે છે. એ માટે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ એન્જીન ઓઈલ તેમજ ઓઈલ ફિલ્ટર બદલાવી લેવું જોઈએ.

(૨) બ્રેકીંગ સીસ્ટમ ચોમાસા દરમિયાન ઓછી કામ કરે છે. જો પહેલેથી બ્રેક ઓછી હોય તો પહેલા તો ખાસ બ્રેકીંગ સીસ્ટમ ચેક કરાવી લેવી જોઈએ.

(૩) ચાલુ વરસાદે રસ્તાઓ પર હેડ લેમ્પ ચાલુ રાખવાની જરૂર પડે છે. તો હેડ લેમ્પની જાંચ બરાબર કરાવી લો. સાથે સાઈડ લાઈટ અને બેક લાઈટ પણ ચેક કરાવી લેવી જોઈએ.

(૪) દરેક બાઈકની અંદર એર ફિલ્ટર હોય છે, જે એન્જીનમાં ધૂળ જતી રોકે છે અને ફિલ્ટર થયેલી એર પાસ કરે છે. તો એ ફિલ્ટરની જાળીને ચેન્જ કરી નાખો. જો એમાં પાણી ભરાશે તો ફરીથી ધૂળ એન્જીનમાં પ્રવેશ કરશે અને ચીકણી માટી જેવો ચીકણો પદાર્થ એન્જીનમાં જશે.

(૫) પ્લગ પર ગ્રીસ લગાવી દો અને પ્લગની કેપ ઢીલી હોય તો બદલી નાખો.

(૬) બેટરીનું વોટર લેવલ ચેક કરી લો અને બેટરીના બંને ટર્મિનલ પર ગ્રીસ લગાડી દો જેથી ક્ષાર ન બને અને પાવર પ્રોબ્લેમ ન ઉદ્દભવે.

(૭) ટાયરની નકશી છોલાય ગઈ હોય તો ટાયર બદલી નાખવું જોઈએ, જે બાઈકને સ્લીપ થતા રોકે છે.

ફોરવ્હીલ માટેની ટીપ્સ :

ચોમાસાની સીઝનમાં ફોરવ્હીલ અધવચ્ચે ગમે ત્યાં અટકી જતી હોય છે અને આવવા-જવાના પ્લાનમાં ગોટાળો થઇ જાય છે. તો આ સમસ્યાના નિરાકરણ માટે નીચે જણાવેલ ટીપ્સને ફોલો કરવાથી રાહત મળશે.

(૧) રસ્તા પર વધુ પાણીમાં કાર બંધ પડી જવાની તકલીફ સામાન્ય રીતે વધુ બનતી હોય છે તો એ માટે ચોમાસા પહેલા બેટરી ચેક કરી લેવી જોઈએ. બેટરી જો નબળી હશે તો કાર બંધ પડતા બે-ચાર શેલ મારતા જ બેટરી પાવર લો થઇ જશે.

(૨) બ્રેકીંગ સીસ્ટમ ખાસ ચેક કરાવી લેવી જોઈએ. ચોમાસા દરમિયાન કારને મીડીયમ સ્પીડમાં ચલાવવી જોઈએ. જેથી યોગ્ય રીતે તેને રોકી શકાય.

(૩) વરસાદમાં ભીના રસ્તાઓ ઉપર ઝડપથી કાર ચલાવવાનો શોખ હોય તો ઘરના કે અન્ય કોઈ સભ્યને સાથે લઇ જવાનું ટાળવું જોઈએ. કારણ કે સ્પીડમાં કાર ચલાવવાનો શોખ તમારો છે, જેમાં કોઈ અન્યને અકસ્માત કે મોતનો ભોગ બનાવવાનો તમારો અધિકાર નથી.

(૪) હેડ લેમ્પ નબળા હોય તો ચેન્જ કરી લો અને આખી કારની બધી જ લાઈટો તપાસી લો.

(૫) કારમાં પગ રાખવાની જગ્યાએ એક હોલ આપેલ હોય છે; જે કારમાં ભરાયેલા પાણીને નીચે પડવા માટે હોય છે તેને ખુલ્લું કરી શકાય એ રીતે રાખવું. જેથી અંદર પાણી ભરાય જાય ત્યારે પાણીને કાઢી શકાય.

(૬) કારના ડ્રાઈવર ગ્લાસમાં સ્ક્રેચ કે ઝાંખો હોય તો બદલી નાખો અને વાઈપરની સીસ્ટમ ચેક કરાવી લો.

(૭) કારની સ્ટાર્ટર કોઈલ પર પ્લાસ્ટિક બાંધી દો જેથી પાણી ઉડે તો જલ્દીથી કાર બંધ ન પડે.

(૮) જયારે તડકો હોય ત્યારે થોડા સમય માટે બધા દરવાજા ખુલ્લા રાખો, જેથી અંદરની હવાને શુદ્ધ કરી શકાય. સાથે ભેજ પણ ઓછો થઇ જાય છે.

(૯) આખી કારમાં જે જગ્યાએ ઓઈલ-ગ્રીસ કરી શકાય તે બધું ચેક કરી લેવું જોઈએ.

આ એવી ટીપ્સ છે જેને ફોલો કરવી જરૂરી છે, જેથી ગાડીને ચોમાસા દરમિયાન લોંગ રૂટમાં પણ લઇ જઈ શકાય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *