જાણો કેવી રીતે કરવો જોઈએ બાળકોનો યોગ્ય ઉછેર!

Image Source

કોઈપણ બાળક માટે તેના માતાપિતા જ તેના પ્રથમ શિક્ષક હોય છે, જેની પાસેથી તે બોલતા, ચાલતા અને વ્યવહારની બીજી બાબતો શીખે છે. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક દરેક ક્ષેત્રમાં અવ્વલ રહે, તો કેટલાક આદર્શો તમારે પણ પ્રસ્તુત કરવા પડશે.

ઘણી વાર માતા-પિતા બાળકો પર જોર-જબરદસ્તી કરીને તેમને આદર્શો અને શિષ્ટાચારની વાતો શીખવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શું તમે ક્યારેય નોંધ લીધી છે કે બાળકો વ્યવહાર સંબંધિત બધી જ બાબતો તમારી પાસેથી જ શીખે છે. તેમાં કોઈ શંકા નથી કે તમારું બાળક કાલે તમારા પગલે જ ચાલશે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારું બાળક તમારી વાત સાંભળે અને તેનામાં સારા ગુણો આવે, તો તમારે તેની સામે પોતાનું એક ઉદાહરણ રજૂ કરવું પડશે. બાળકની પ્રથમ શાળા તેનું પોતાનું ઘર હોય છે, જ્યાં માતા-પિતા તેના શિક્ષક હોય છે. સામાજિકતા, વ્યવહારિકતા અને નૈતિકતાની વાતો બાળકો ઘરેથી જ શીખે છે. જો બાળકોમાં તમે આદર્શ મૂલ્યો સ્થાપિત કરવા ઈચ્છો છો તો તેની શરૂઆત પોતાનાથી કરો.

Image Source

મીઠું બોલો, સારુ બોલો!

બાળકો સાચા અને ખોટા વચ્ચેનો ફર્ક પારખી શકતા નથી, આવી સ્થિતિમાં માતા-પિતા હોવાના સબંધે તમારી જવાબદારી બને છે કે તમે તેને સાચા અને ખોટા નો ફર્ક સમજાવો. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે બાળકો પોતાના માતા-પિતા કે પરિવારની ઉશ્કેરણીને લીધે અપશબ્દોનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, જો તમે પણ તમારી ભાષામાં અપશબ્દોનો ઉપયોગ કરો છો, તો બની શકે કે બાળપણ તમારી નકલ કરે. તેથી બાળકો સામે ક્યારેય પણ કડવી વાણી ન બોલવી. સાધારણ વાતચીતમાં પણ તારા શબ્દોનો ઉપયોગ કરવો. આવી રીતે તમે તેને યોગ્ય રીતે વાતચીત કરવાનું પણ શીખવી શકો છો, પરંતુ તેના માટે તમારે એક સારા શ્રોતા બનવું પડશે. તેથી તમે જ્યારે પણ તમારા બાળક સાથે વાત કરો ત્યારે હંમેશા આંખ મેળવીને વાત કરવી. તેથી બાળકોને લાગશે કે તમે તેનામાં રસ ધરાવી રહ્યા છો. પરિણામ સ્વરૂપે તેનો આત્મવિશ્વાસ વધશે અને તે પોતાની દરેક વાત તમારી સાથે શેર કરશે.

Image Source

શિષ્ટાચાર પણ જરૂરી છે:

સારી ટેવ અને વ્યવહારની અમુક બાબતો બાળકો શીખવ્યા વગર જ તમારી પાસેથી શીખે છે. જેમકે રોજિંદા જીવનમાં જો તમે તેની સાથે વ્યવહાર કરતી વખતે સન્માન કે આદર સૂચક સંબોધન કરશો, તો તેઓ પણ પ્રતિક્રિયા આપશે. તેથી, હંમેશાં તમારા બાળકો સામે ‘કૃપા કરીને’ અને ‘આભાર’ જેવા શબ્દો બોલો. તમારી આ પ્રકારની પ્રતિક્રિયા બાળક પર ચોક્કસપણે અસર કરશે અને આ રીતે તમે તમારા બાળક માટે એક રોલ મોડેલ બની જશો.

સબંધોનો મર્યાદિત અવકાશ ક્યાંક અંતર્મુખી ન બનાવી દે.

સંયુક્ત કુટુંબનો આધાર ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે અને લોકો હવે પોતાનામાં સંકોચાઈ રહ્યા છે. આવા વાતાવરણમાં ઉછરેલાં બાળકો આત્મકેન્દ્રીત થઈ રહ્યા છે. તે માટે તેઓ પણ દોષી નથી, કારણકે તમે તેને વાતાવરણ જ એવું આપ્યું છે. તેઓ દાદા-દાદી, નાના-નાની ની કથાઓથી તો વંચિત થઈ રહ્યા છે, સાથે જ તેઓ બીજા સંબંધોથી પણ દૂર થઇ રહ્યા છે. સંશોધનમાં આ વાત સામે આવી છે કે જે બાળકો સંપૂર્ણ રીતે શિક્ષણને સમર્પિત થઈ રહ્યા છે, પરંતુ કુટુંબ અને સમાજથી દૂર થતા જાય છે, તેમનો આઇક્યું તો યોગ્ય રહે છે પરંતુ તેમનો સંપૂર્ણ વિકાસ થઇ શકતો નથી.

બાળકોને જો તમે યોગ્ય રૂપે પારિવારિક સ્તરે વિકસિત કરવા ઈચ્છો છો, તો તમારે પરિવારના બીજા સભ્યો સાથે મીઠા સંબંધો બનાવવા પડશે. ઉત્સવો અને તહેવારો પર તેઓને મળો. બાળકોને પણ તેમને મળવા દો. ઝઘડાની સ્થિતિમાં બાળકોને અહીંથી ત્યાં સંદેશ પહોંચાડવાનું માધ્યમ ન બનાવો. આવી પરિસ્થિતિમાં તેમના માટે સાચું-ખોટું નક્કી કરવું મુશ્કેલ બને છે. આવી વસ્તુ તેની અંદર અસલામતીની ભાવના ભરી દે છે, જે તેના વ્યક્તિત્વને અસર કરે છે. તેથી બાળકોને તમારા ઝઘડાઓથી દુર રાખો.

બાળકોને શરૂઆતથી જ વ્યવહાર સંબંધી જરૂરી વાતો શીખવો અને તમે પણ એવું કરો. વડીલોનો આદર કરવો, નાના ને પ્રેમ આપવો, એકબીજા સાથે વહેંચવાની ભાવના, આ બધી જ બાબતોની બાળક તમારી પાસેથી જ નકલ કરે છે, તેના માટે તમારે પોતે પણ વ્યવહારકુશળ બનવું પડશે. તેનાથી ફક્ત પારિવારિક જ નહીં પરંતુ સામાજિક ભાવના પણ તમે તમારા બાળકમાં વિકસિત કરી શકશો.

ખોરાક આરોગ્યપ્રદ હશે, તો બાળક રહેશે કુલ!

મોટાભાગે માતા પિતાની ફરિયાદ એવી હોય છે કે તેનું બાળક કંઈ ખાતું જ નથી. ચાલો માની લઈએ કે કેટલાક બાળકો એવા હોય છે, પરંતુ પ્રયત્ન તો તમારે કરવો જ પડશે. બાળકમાં ખાવાની સારી રીત વિકસિત કરવા ઈચ્છો છો, તો તેનામાં ખાવાની નકલ કરવાની વૃત્તિ પ્રગટ કરો. સ્વસ્થ ખોરાક અને તેનાથી થતા લાભને વાર્તાના માધ્યમથી જણાવો. ખોરાકની રજૂઆત ખૂબ સારી રાખો. જે કોઈપણ રેસીપી હોય, તેમની સાથે ટેબલ પર બેસીને ખાઓ. ભોજન દરમિયાન તેમને ટીવી બિલકુલ ન જોવા દો. ખાવા માટે તેમની પાછળ દોડશો નહી.

બાળકોને સાફ-સફાઈની સારી બાબતો શીખવો:

સફાઈની ટેવ એ ખૂબ જ મહત્વપૂર્ણ ટેવ છે, જે બાળકોને સ્વચ્છ, નીરોગી અને આનંદિત રાખે છે. સમયસર ઉઠવું, શૌચાલય જવું, દાંત સાફ કરવા, નિયમિત સ્નાન કરવું, પોતાના શરીર તેમજ આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવું, વ્યાયામ કરવો વગેરે સારી આદતો છે, જે બાળકોમાં હોવી ખૂબ જ જરૂરી છે અને આવું વાતાવરણ તમારે જ તૈયાર કરવું પડશે. જો તમે આ બધી જ આદતો પર ધ્યાન આપશો, તો તમારું બાળક પણ તેના માટે પ્રેરિત થશે. દરેક કાર્ય માટે એક યોગ્ય રૂટિન બનાવો અને કડક પણે તેનું પાલન કરો. કારણકે વધારે પડતી સખતાઈ બાળકને ઉદ્દંડ બનાવી શકે છે, તેથી ક્યારેક-ક્યારેક તેને છૂટ આપવાની અવકાશ પણ રાખો.

 

તમારું બાળક શાળામાં કેવું છે?

બાળકોનું પ્રારંભિક શિક્ષણ નર્સરીથી શરૂ થાય છે, જ્યાં તેઓ પોતાનાં માતા-પિતાથી દૂર શિક્ષકો સાથે સંબંધ બનાવે છે. શિક્ષકો સાથે તેમનો સંબંધ મૈત્રીપૂર્ણ હોય છે તેથી તમે બાળકો સામે ક્યારેય પણ શિક્ષક વિશે અપમાનજનક ભાષામાં વાત ન કરો. તમારે સમજવું જોઈએ કે એક શિક્ષક તમારા બાળકને સારી બાબતો જ શીખવે છે. તેથી ક્યારેય પણ શિક્ષકની ક્ષમતા પર પ્રશ્ન કરવો જોઈએ નહીં. શિક્ષક પ્રત્યે સારો વ્યવહાર વિકસિત કરો અને તેના પ્રત્યે તમારી શુભકામનાઓ આપો. જો બાળકને શિક્ષક પ્રત્યે સન્માનની લાગણી હશે, તો જ તે શિક્ષકની વાત સાંભળશે.

Image Source

બાળક સાથે “ક્વોલિટી ટાઇમ” પસાર કરવો જરૂરી છે:

બાળકો સાથે સમય વિતાવો. ભલે તમે તેને સંપૂર્ણ સમય ન આપી શકો, જેટલો પણ સમય આપો તે સંપૂર્ણ ધ્યાન સાથે તેની સાથે રહો. તેનાથી તેના પારિવારિક સંબંધો મજબૂત થશે. તેની સાથે રમતો રમો, વાર્તાઓ સંભળાવો. આ નાની-નાની ક્ષણો બાળકોની સ્મૃતિમાં બેસે છે. માનસિક સ્તરે તેઓ વધારે ખુશ પણ રહે છે. આ મનોરંજનની સાથે સાથે તેમની સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરો. હોમવર્ક કરતી વખતે તેની સાથે બેસવું. કોઈ સારી ફિલ્મ આવે તો સીડી મંગાવીને તેની સાથે બેસીને જોઈ શકો છો, કે પ્રેરક વિડિયો વગેરે પણ તેની સાથે જોઈ શકો છો. તમારો આ સાથ તેને દરેક ક્ષેત્રમા અવ્વલ બનાવશે અને તમે તેના રોલ મોડલ બની જશો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *