kishore-kumar

કિશોર કુમાર – કુદરતનું અનન્ય સર્જન

જી હા, કિશોર કુમારને હું ‘કુદરતનું અનન્ય સર્જન’ જ કહું છું – એક એવું વ્યક્તિત્વ જે સામાન્ય લોકોની સમજ બહાર અને તેમને આશ્ચર્ય જન્માવે તેવું! ઈશ્વરે સર્જલો એક એવો વૈવિધ્યપૂર્ણ કલાકાર, જે કદી કોઇ કલા-સંગીતની પાઠશાળામાં ગયો જ નથી, એવો કલાકાર જેણે અનેક સંગીતપ્રેમીઓનાં દિલો-દિમાગ પર અભૂતપૂર્વ અને ચિરંજીવી છાપ છોડી દીધી છે!

kishor-kumar-2

A Real Born Artist’ – આ માણસ આજે પણ જીવંત છે! એમાં કોઇ આશ્ચર્ય નથી કે એ જમાનાનાં ગાયકોમાંથી કિશોર કુમારનાં જ સૌથી વધુ ગીતો આજે પણ જુવાન પેઢીનાં હૈયાંને થરથરાવે છે. એક જમાનો હતો, સી. એચ. આત્મા, પંકજ મલિક, તલત મેહમૂદ, કે. એલ. સાયગલ, હેમંત કુમાર, મહમ્મદ રફી, મુકેશ માથુરનો પણ તે સૌનાં અવાજની અને ગાયકીની આબેહૂબ નકલ કરનારાં એક નહીં પણ અનેક મળી જાય છે અને લોકો એમને દાદ પણ આપે છે, પરંતુ આજે કિશોર કુમારનાં અવસાનનાં ૨૫ વર્ષે પણ કોઇ મ્યુઝિકલ શો ઓર્ગેનાઇઝર, કે મ્યુઝિકલ ક્લબ ફક્ત કિશોર કુમારનાં ગીતો માટે પ્રોગ્રામનું આયોજન કરવાની હિંમત નથી કરી શકતાં – બસ આટલી જ વાત એ સાબિત કરે છે કે, આ કલાકાર કેટલો અનન્ય અને મહાન હતો!

દુઃખ ફક્ત એક જ વાતનું થાય છે કે, તમામ ગાયકોમાં અનેક રીતે વિશિષ્ટ ગુણો ધરાવનાર અને ૮ વખત ‘best male playback singer’નાં ફિલ્મફેર એવૉર્ડસ્‌ જીતવાનો અતૂટ રેકૉર્ડ સ્થાપનાર આ મહાન કલાકારને ફક્ત આ કારણસર આપણે જાહેરમાં ફરી-ફરીને યાદ કરવાનો અને તેમની કલાને-વિશિષ્ટતાને દાદ આપવાનો અવસર ચૂકી જઇએ છીએ.

kishore-kumar-1

કિશોર કુમારનાં ધૂની, બાળસહજ, નટખટ મિજાજ અને બુદ્ધિમતાનો પરિચય કરાવતાં બે પ્રસંગોઃ

એક વખત રેકૉર્ડિંગનાં સમયમાં મોડું થતાં, કિશોર કુમાર, “પાંચ મિનિટમાં આવું છું”, તેમ કહીને સ્ટુડિયોની બહાર જતા રહ્યા. બે-પાંચ-સાત કલાકે પણ તે દેખાયા નહિ! પછી અકળાયેલા સંગીતકાર પર કિશોર કુમારનો ફોન આવ્યો કે, તેઓ ફરતા-ફરતા ખંડાલા પહોંચી ગયા છે – આજે તેમનો ગાવાનો મૂડ નથી. સંગીતકાર કલ્યાણજીભાઇ કહેતા કે, “કિશોર કુમાર એક બાળક જેવા છે. નિર્દોષ અને ધૂની છે અને અમારે તેમને બાળકની જેમ સમજાવી-પટાવીને કામ કરાવવું પડે છે!

આશા ભોસલેજીએ કિશોર કુમાર વિશે બે સરસ વાત કરેલી :
બીજા બાળક (અમિત કુમારથી ત્રીસ વર્ષ નાના સુમિત કુમાર)નાં જન્મ પહેલાં લગભગ એકા’દ વર્ષથી કિશોર કુમાર જ્યારે પણ સ્ટુડિયોમાં આવતા ત્યારે એક કાલ્પનિક બાળકનો હાથ પકડીને જાણે તેને દોરીને લાવતા હોય તેમ આવતા અને આવીને તે કાલ્પનિક બાળકને આશાજી પાસે લઇ જઇને કહેતા, “આન્ટી કો નમસ્કાર કરો” અને પોતે જ બાળકનાં અવાજમાં બોલતા, “આન્ટી નમસ્કાર!” ક્યારેક કોઇ ગીત તેમને પસંદ ન આવે તો પોતે બાળકનાં અવાજમાં બોલી ઊઠતા, “બાબા, યે ગાના કીતના બકવાસ હૈ” અને પોતે બાળકને જવાબ પણ આપતા, “બેટે, ઐસે બાત નહીં કરતે” અને પછી ફરી તે બાળક જવાબ આપતું, “બાબા, આપ હી ને તો બોલા થા, હમેશા સચ બોલા કરો”.

kishor-kumar-3

આવું નાટક તેમણે એક વર્ષ સુધી ચાલુ રાખેલું અને પછી તમામ લોકોને જાણે એવું લાગવા માંડેલું કે કિશોર કુમાર ખરેખર કોઇ બાળકને લઇને આવે છે!

એક વખત (ફિલ્મ ‘બાપ રે બાપ’) ‘પિયા પિયા પિયા’ ડ્યુએટ ગીતના રેકૉર્ડિંગ વખતે આશાજીએ ભૂલ કરી. કિશોર કુમારે ગાવાની કડી પોતે શરૂ કરી દીધી અને કિશોર કુમારે ગાવાનું શરૂ કરતાં જ તે ગાતા અટકી ગયા.

કિશોર કુમારે ઇશારાથી આશાજીને સમજાવ્યું કે, તે ગાયન પૂરું કરે! ગીતનું રેકૉર્ડિંગ પૂરું થયા પછી આશાજીએ કિશોર કુમારની માફી માંગતા પૂછયું, “દાદા, મારાથી ભૂલ થઇ, પણ તમે કેમ ગીત પૂરું કરાવ્યું?” બ્રિલિયન્ટ કિશોર કુમારે જવાબ આપ્યો, “કંઇ વાંધો નહીં, આ ફિલ્મમાં હું જ તો હીરો છું, મારા પર જ આ ગીત ફિલ્માવાનું છે.

મારી હીરોઇન ચાંદ ઉસ્માની ગાવાનું શરૂ કરશે, ત્યારે હું તેનાં મોં પર હાથ મૂકી તેને અટકાવી દઇશ”!

કિશોર કુમાર અમિત કુમારને હમેશા કહેતા, “દેખના, મૈં એક દિન ઐસે હી ચલા જાઉંગા ઔર દુનિયા મુઝે ઢૂઁઢેગી, પર મૈં નહીં મિલૂંગા”!

કિશોર કુમારનાં દિલમાં ખૂબ ઊંચી ભાવના રહેતી. તમામ લોકો હમેશા સુખી રહે, ખુશ રહે અને કયારેય કોઇને પણ પોતાનાં જીવનમાં દુઃખ કે વિષાદનો સામનો કરવો ન પડે.

સૌનું જીવન આનંદમય અને સુખમય વીતે. એટલે જ તો એમણે પોતાની ખ્વાહિશ-ભાવનાને શબ્દરૂપ આપી સંગીતબદ્ધ કરી, ખુદ ગાઇને વર્ણવેલી, પોતાની જ ફિલ્મ ‘દૂર ગગન કી છાઁવમેં’માં, જેમાં કિશોર કુમારનાં લાગણીસભર હૃદયની ઉચ્ચ ભાવના અને દિલમાં છૂપાયેલું દર્દ સ્પષ્ટરૂપે પ્રકટ થાય છે!

કિશોર કુમારે પોતાનાં મૃત્યુની કલ્પના અને તૈયારી સાથે પોતાનાં માટે કેટલીક પંકિત જાતે રેકૉર્ડ કરેલી, નિજાનંદ માટે :

मुझे खो जाने दो, दुनिया की निगाहों से परे, जहाँ न ढूँढ सके कोई नज़र, मेरा निशान।
कोई आवाज़ न पहोंचे कोई, आँसु न बहे, किसी तुम्फे, किसी ज़र्रे को न हो मेरा गुमाँ।
मेरी लाश पर रख दे, कुदरत ही क सफेद कफन; रुह को मेरे नझारों में ही खो जाने दो, दास्ताँ मेरी हवाओं को ही दोहराने दों ।

કિશોર કુમારની ‘ચલતી કા નામ’ ગાડી આજે પણ એમના બંગલાનાં એક ખૂણામાં પડી રહીને, એનાં માલિક સાથેનાં જૂનાં સ્મરણો વાગોળતી અને એને હસતી-રમતી જિંદગી બક્ષનારનાં વિયોગમાં જાણે રડી રહી છે અને ફરિયાદ કરી રહી છે…

એક એવા મહાન કલાકાર કે જે ઇશ્વરનું અનન્ય સર્જન હતા, જે હિન્દી ફિલ્મ જગતમાં પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા નિર્માતા, દિગ્દર્શક, વાર્તા લેખક, સંવાદ લેખક, પટકથા લેખક, ગીતકાર, સંગીતકાર, ગાયક અને અભિનેતા તરીકે તેમનાં અગણિત ચાહકો અને સંગીતપ્રેમીઓનાં દિલ પર કદી ન ભૂલાય તેવી છાપ મૂકી ગયા,

જે સદેહે ભલે આજે આ દુનિયામાં હાજર નથી પણ એમનાં અવાજ અને અદાથી સદાકાળ જીવંત છે – તેવા આપણા સૌના ચાહીતા, માનીતા, પ્યારા, લાડલા આભાસ કુમાર ગાંગુલી ઉર્ફે કિશોર કુમાર કે કિશોરદા (આપડા પ્યારા ‘કિકુ’)ને આજે એમની 30મી પુણ્યતિથિએ આ નાનાં લેખ સાથે સાદર પ્રણામ, સલામ અને ભાવભરી શ્રધ્ધાંજલિ.

સલામ કિશોરદા. 

કિશોરદાની ત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે ભાવભરી શ્રધ્ધાંજલિ

Source :  “કિશોર કુમાર – કુદરતનું અનન્ય સર્જન” (૨૦૧૨)માંથી

Leave a Comment