કબરોની વચ્ચે લોકો લે છે ચાની ચુસ્કી, આ છે અમદાવાદનું એક અનોખુ “લકી” રેસ્ટોરન્ટ

Image source

ગુજરાતનું મુખ્ય શહેર – અમદાવાદ. અને આ અમદાવાદને દેશ – વિદેશના લોકો બહુ સારી રીતે ઓળખે છે. આ શહેરને આધુનિકતા માટે પણ જાણવામાં આવે છે કારણ કે ગુજરાતનું આ શહેર આખા જગતમાં પોતાની આગવી ઓળખાણ માટે પ્રસિદ્ધ છે. અહીંની કોઈ વસ્તુ જ વખણાય એવું નથી! અહીંના ખુશમીજાજી માણસો અને તેની લાઈફ સ્ટાઈલ પણ સૌ માં આગળનું સ્થાન ધરાવે છે.

ચાલો આજના આર્ટિકલમાં એવા જ અમદાવાદની સફર કરીએ, જે છે એકદમ આકર્ષક.. સાથે અમદાવાદની રહેણીકરણી કે પછી અમદાવાદના ધરતીની મહેક હોય…તો થઇ જાઓ રેડ્ડી…વધુ માહિતી માટે આ આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં.

ભારતનું સૌથી અલગ એવું અમદાવાદનું ન્યુ લક્કી રેસ્ટોરન્ટ :

Image source

અમદાવાદમાં આમ તો એક નહીં બલકે અનેક રેસ્ટોરન્ટ અને ટી-શોપ આવેલ છે પણ આ રેસ્ટોરન્ટ સાથે અમદાવાદનો કૈંક ખાસ સંબંધ છે. અહીંની ચા અને મસ્કા બનમાં લોકોનો જીવ વસે છે. અને વધુમાં અમુક લોકોને આ રેસ્ટોરન્ટ સાથે એવો ગજબનો તાલમેલ થયો છે કે અહીં ૪૦ વર્ષોથી ચા પીવાના શોખીન છે. અને આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ પણ લોકોને આકર્ષે છે કે અહીં અંદર માણસોને બેસવાના ટેબલ પાસે કબર પણ છે.

જી હા, તમે આ વાંચીને થોડા હેરાન થશો અને વિચારશો કે આવું તો કાઈ હોતું હશે. પણ વાસ્તવમાં આવું જ છે…આપ નક્કી નહીં કરી શકો કે અહીં રેસ્ટોરન્ટમાં કબ્રસ્તાન છે કે પછી કબ્રસ્તાનમાં રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે? પણ આ વાતને વર્ષો વીત્યા. એટલે કે પહેલા અહીંની જગ્યાએ એક વિશાળ મેદાન હતું અને બાજુમાં જ કબરો હતી. ત્યારે આ દુકાન નાની ચા ની ટપરી હતી. અને લોકો આજુબાજુમાં બેસીને ચા અને નાસ્તો કરતા હતા.

Image source

સમય વીત્યો આખું અમદાવાદનો વિકાસ થયો અને અહીંના માણસો પણ સમય સાથે થોડા આગળના સમયમાં પરિવર્તિત થયા. આજે જે નાની ચા ની દુકાન હતી એ હવે અમદાવાદની લોકપ્રિય ચા ની દુકાન બની ગઈ છે. અને કબરોને પણ સાથે રાખવામાં આવી છે. અહીં તમને એક બાજુ ચા નું ટેબલ જોવા મળે તો બીજી બાજુ કબર પણ છે. ચા ની દુકાન માલિકે કોઈના હદયને ઠેસ ન પહોંચે એટલે દુકાનની અંદર કબ્રસ્તાનની જગ્યાને પણ સાથે રાખી છે.

૧૯૫૦માં આ રેસ્ટોરન્ટની શરૂઆત થઇ અને ત્યારથી લઈને આજ સુધી કબર સાથે ચા ના ટેબલ અને એ ચા ના ટેબલ સાથે લોકોનો ચા પ્રત્યેનો લગાવ આ બધું જાહેર કરે છે કે ગુજરાતના લોકોએ ટી- પોઝીટીવ છે. કેલીકટથી આવેલા કે.એચ. મહમ્મદભાઈએ આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી. ૧૬ મી શતાબ્દીની બનેલી અહીં કબરો સુફી સંતોની છે અને આ સંતોએ મહમ્મદભાઈને આશીર્વાદ આપ્યા કે આજ સુધી એ અમદાવાદમાં એક ફેમસ ચા ની દુકાન ચલાવે છે.

Image source

અમદાવાદના લાલ દરવાજાએ આ ચા ની દુકાન આવેલ છે. અને કબરની બાજુમાં શરૂ કરેલ ચા ની દુકાન મહમ્મદભાઈ માટે લક્કી સાબિત થઇ. મહમ્મદભાઈની ચા અમદાવાદમાં ધીમે ધીમે ફેમસ થઇ ગઈ અને બહુ ટૂંકા સમયમાં એ ચા ની દુકાન બની ગઈ ‘ન્યુ લક્કી રેસ્ટોરન્ટ…’

મહમ્મદભાઈએ કબરનો સાથે ન છોડ્યો અને દરરોજ એ કબરો પર ફૂલ અને ચાદર ચડાવીને સુફી સંતોની કબરોનું ધ્યાન રાખે છે અને મહમ્મદભાઈને અખૂટ આશીર્વાદ મળતા રહે છે. બોલો લ્યો હવે તમે આવી ચા ની દુકાન ક્યાંય જોઈ છે?? કહેવાય છે ને કે ‘જેવા કર્મ કરો એવું ફળ તો મળે જ…’ એટલે આ બાબતમાં પણ એવું જ છે! મહમ્મદભાઈ કબરોનું ધ્યાન રાખે છે અને કબરની અંદરની દિવ્ય શક્તિઓ મહમ્મદભાઈનું….

Image source

તમને એ પણ જણાવી દઈએ કે આખા ભારતમાં અમદાવાદનું ‘ન્યુ લક્કી રેસ્ટોરન્ટ’ જ એક એવું છે કે જ્યાં કબરોની વચ્ચે બેસીને ચા કે નાસ્તો કરવાનો કોન્સેપ્ટ જોવા મળે છે. અને કદાચ એવું પણ બની શકે કે ભારતમાં જ નહીં કદાચ આખી દુનિયામાંથી આ એક જ રેસ્ટોરન્ટ એવું હોય શકે કે જેનો કોન્સેપ્ટ જ સૌથી અલગ છે!

અહીં કુલ મળીને ૨૬ કબરો છે. જે બધી કબરો રેસ્ટોરન્ટની વચ્ચે જ છે. હોટેલનો સ્ટાફ આ બધી કબરોની બહુ જ સારી રીતે સંભાળ રાખે છે. દરરોજ અહીંના માણસો બધી જ કબરને સાફ કરીને ગુલાબ તેમજ ચાદર ચડાવે છે. અને સૌથી ખાસ વાત તો એ કે અહીં આવતા માણસોને કબરોની બાજુમાં બેસીને ચા પીવામાં પણ કોઈ તકલીફ નથી થતી અને હોટેલના વેઇટરો પણ આસાનીથી વસ્તુ ટેબલ સુધી પહોંચાડી શકે છે.

Image source

અહીંથી પસાર થતા મોટાભાગના લોકો અહીં ચા પીવા માટે ગાડી બ્રેક કરે છે અને ઘણા લોકો એવું પણ માને છે કે અહીં કબરોની વચ્ચે બેસીને  ચા પીવાથી આખા દિવસના બધા કામ સફળ થઇ જાય છે. કબરો સાથે ચા-નાસ્તો કરવાનો આ અમદાવાદી કોન્સેપ્ટ હવે તો લોકોને બહુ પસંદ આવવા લાગ્યો છે કે અહીં યંગસ્ટર્સ, સેલિબ્રીટી અને ફોરેનર પણ આ જગ્યાની મુલાકાત માટે આવવા લાગ્યા છે.

ન્યુ લક્કી રેસ્ટોરન્ટમાં થોડા સમય પહેલા પેઈન્ટર એમ એફ હુસૈન અહીં આવ્યા હતા અને અહીં આવીને તે પેઈન્ટીંગ બનાવતા હતા. અને તેને બનાવેલા અમુક પેઈન્ટીંગ આ હોટેલને ગીફ્ટ કરવામાં આવ્યા હતા. હોટેલની અંદર પેઈન્ટીંગસ રાખવામાં આવ્યા છે. ત્યાર પછી તો આ હોટેલ વધુ ફેમસ થઇ છે અને અહીં લોકો વિઝીટ કરવામાં માટે પણ ખાસ આવવા લાગ્યા છે.

કબર પર જઈને દુઆ કરતા લોકો તમે જોયા હશે પણ કબરોની સાથે ચા અને નાસ્તો કરતા લોકો તમને માત્ર આ જ રેસ્ટોરન્ટમાં જોવા મળશે. એટલે તો આ લક્કી રેસ્ટોરન્ટ છે સૌથી અલગ અને સૌ માં અલગ….આપ પણ અમદાવાદ શહેરની મુલાકાત લો ત્યારે ન્યુ લક્કી રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં.

આવી જ અન્ય રસપ્રદ માહિતી વાંચવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો અને અને મિત્રો સાથે પણ નવી માહિતી શેયર કરવાનું ભૂલતા નહીં.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *