સૌરાષ્ટ્રનું એક સુંદર ગામ એટલે ‘ગોંડલ’ કે જ્યાં છે સુંદર મહેલ અને બીજું ઘણું બધું જોવાલાયક છે…

Image by Bishnu Sarangi from Pixabay

ગોંડલ : તમને ગોંડલ વિષેની કેટલી ખબર? મોટાભાગના લોકોને ગોંડલ વિષેની અધુરી માહિતી હોય છે, પણ ખરેખર ગોંડલ એ રાજકોટ ડિસ્ટ્રીક્ટનું એક ગામ છે. અને આ ગામ વિષેની માહિતી જાણીને તમને પણ અચરજ થશે! સાથે આજના આર્ટીકલમાં આપણે એ પણ જાણીશું કે ગોંડલની આસપાસના ફરવાલાયક સ્થળો ક્યાં – ક્યાં છે?

પહેલા ગોંડલ રજવાડું બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની કાઠિયાવાડ એજન્સીના આઠ પ્રથમ કક્ષાના રજવાડાઓમાંનું એક રજવાડું હતું. આ રજવાડાની રાજધાની ગોંડલ શહેર હતી. ઈ.સ. ૧૬૩૪માં  જાડેજા વંશના ઠાકુર શ્રી કુંભોજી પ્રથમ મેરામનજી દ્વારા કરવામાં આવી હતી. આ ગામ, અરડોઈ ગામ તેમજ અન્ય ગામો તેના પિતા મેરામનજી તરફથી મેળવ્યા હતા. ઉપરાંત આ વંશના ચોથા રાજા કુંભોજી ચોથાએ ધોરાજી, ઉપલેટા, સરાઈ અને પાટણવાવને અન્ય નાના રાજ્યોમાં ઉમેરીને વિસ્તારમાં વધારો કર્યો હતો. એ પછી ગોંડલ ગામના છેલ્લા શાસક રહી ચુકેલા ભોજરાજ ભગવતસિંહજીએ ભારત સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. આ રીતે ગોંડલના શાસકો જાડેજા વંશના ઠાકુરો જેઓ ૧૧ તોપોની સલામીનો હક પણ ધરાવતા હતા. અને સાલ ૧૮૬૬ બાદ તેઓને ‘ઠાકુર સાહેબ’નો ઈકલાબ મળ્યો હતો.

ગુજરાતનું રાજકોટ શહેર અને આ શહેરના જીલ્લાના તાલુકાનું ગામ ગોંડલ છે. અહીંની ભાષા કાઠીયાવાડી છે અને અહીંના માણસોમાં કાઠીયાવાડની ઝલક આબેહુબ રીતે જોવા મળે છે. ગોંડલ કોઈ મોટું શહેર નથી પણ અહીંની રહેણીકરણી શહેર કરતા વિશેષ છે. ગોંડલની આસપાસના ગામ પણ ખેતી ક્ષેત્રે સમૃદ્ધ છે. અહીં મહેલ- મકાન અને માણસોમાં પણ આગવી વિશેષતાથી જોવા મળે છે. વર્ષો પહેલા જ્યારે ક્યાય પણ જમીનની અંદર વીજળીના તારની ફીટીંગ ન કરવામાં આવતું ત્યારે પણ ગોંડલના રાજાએ આ ગામની અંદર આધુનિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ગોંડલમાં છે ઈતિહાસના પન્નાનો ઈતિહાસ :

ભીમનાથ મંદિર :

ગોંડલની આ ભીમનાથ મંદિર પાંડવકાલના ઈતિહાસ સાથે જોડાયેલું છે. ગોંડલની ગોંડલી નદી કિનારે અને રાજવી પરિવારના નવલખા બંગલા પાસે આ મંદિર આવેલ છે. ભીમનાથ મહાદેવનું આ મંદિર સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોનો સમય યાદીમાં વર્ણાય છે. પહેલા ગોંડલી નદીનું નામ ગૌકણિઁ નદી હતું અને ગોંડલનું નામ ગૌકર્ણ હતું. બાદમાં સમય જતા ગૌમંડળ અને ગોંડલ થયું છે. ત્યારથી લઈને આજ સુધી આ મંદિરની મહિમા એવો ને એવો રહ્યો છે.

ભુનેશ્વરી મંદિર : ગોંડલ

ભારતમાં શક્તિપીઠો ઘણી છે પણ આખા દેશમાં ભુનેશ્વરી માતાજીના બે જ મંદિર છે. જેમાં એક પ્રાચીન મંદિર દક્ષિણમાં આવેલું છે અને બીજું મંદિર સૌરાષ્ટ્રનું ગામ ગોંડલમાં આવેલું છે. અહીં માતાજીની આબેહુબ મૂર્તિ છે, અહીંના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ ધન્ય થઇ જાય છે. સફેદ આરસની માતા ભુનેશ્વરીની મૂર્તિ આસીન મુદ્રામાં ખુબ શોભે છે. મા ભુનેશ્વરી એટલે સમસ્ત સંસારના એશ્વર્યની સ્વામીની તેમજ વૈભવ-પદાર્થોના માધ્યમથી મળનારા સુખ-સાધનોને કહેવામાં આવે છે. વધુમાં એશ્વર્ય એ ઈશ્વરીય ગુણ છે. વર્ષ ૧૯૪૬માં આ મંદિરની સ્થાપના થઇ હતી, ત્યારથી લઈને આજ સુધી અહીં હજારો અને લાખોની સંખ્યામાં ભક્તોએ આશીર્વાદ મેળવ્યા છે. ગોંડલ ગામની અંદર જ આ મંદિર આવેલું છે.

સ્વામિનારાયણ મંદિર, ગોંડલ :

આ ભવ્ય મંદિર ગોંડલ ગામમાં જ સ્થિત છે, અહીં ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની મૂર્તિ છે તેમજ અહીં ભગવાનને ભક્તો દ્વારા લાડ-પ્યારથી રાખવામાં આવે છે. આ મંદિરની મુલાકાત માટે દરરોજ આશરે ૨૦૦ થી વધારે શ્રદ્ધાળુઓ આવે છે. અહીં પણ પ્રસાદીના પૈસા ભરીને પ્રસાદ લેવાની સુવિધા કરવામાં આવી છે. લોકો અહીં દૂર દૂરથી ગોંડલના આ મંદિરના દર્શન કરવા માટે આવે છે.

આશાપુરા માતા મંદિર, ગોંડલ :

અહીં સંવત ૧૯૦૨માં ગોંડલના રાજવી તરફથી લક્ષચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. અહીં માતા આશાપુરા સાક્ષાત સ્વરૂપે બોરાજે છે. આસપાસના લોકો તેમજ સ્થાનિક લોકો આ મંદિરના નિયમિત દર્શન કરવા માટે પણ આવે છે. સાથે આશાપુરા માતા આશાને પૂર્ણ કરનારા માતાજી છે તો અહીં આવીને શ્રદ્ધાળુઓ માતાના આશીર્વાદથી મનની ઈચ્છાની પૂર્ણ રીતે પામે છે.

નવલખા પેલેસ. ગોંડલ :

આ મહેલનું બાંધકામ ૧૮ મી સદીમાં થયેલું હતું. આ મહેલ દરબારગઢનો એક ભાગ છે. એ સમયમાં આ મહેલ બનાવવા માટેનો ખર્ચ નવ લાખ જેટલો કરવામાં આવ્યો હતો એટલે આ મહેલને નામ પણ એ રીતે જ મળ્યું છે. આ મહેલ એક સમયમાં ગોંડલની શાન ગણાતો, જ્યારે આજના સમયમાં અહીં ખાનગી જગ્યા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અહીં વિશાળ ઝુમ્મર, સોનાથી મઢેલ ફર્નીચર અને અરીસાઓ દ્વારા સુશોભિન કરવામાં છે.

સાહિત્ય ભવન, ગોંડલ :

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સંત અને તેના સાહિત્યને લગતી તમામ સામગ્રી અહીં સાચવવામાં આવી છે. અહીં આશ્રમમાં શાંતિ મળે એવી જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાહિત્યકાર તેમજ સાહિત્યમાં રૂચી ધરાવનાર માણસને આ જગ્યા વધુ પસંદ આવે છે. અહીં પણ બહારથી આ સાહિત્યની ઝાંખી કરવામાં માટે લોકો આવે છે. આ સાહિત્ય ભવન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. આનંદ આશ્રમ, ધોધાવદર, ગોંડલમાં આ જગ્યા સ્થિત છે.

ગોંડલ આસપાસના અન્ય ફરવાલાયક સ્થળો :

જલારામ મંદિર, વીરપુર :

જલિયાણ જોગીનું આ પવિત્ર ધામ છે. જલારામ બાપાએ અહીં તેના જીવનકાળનો સમય વિતાવ્યો હતો અને એ દમિયાન અહીં સદાવ્રત પણ ચલાવ્યું હતું. એ સદાવ્રત આજે પણ ચાલુ છે. અહીં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે પણ અહીં એક પણ રૂપિયો લીધા વગર અન્નની પ્રસાદી પીરસવામાં આવે છે. જલારામ મંદિર ટ્રસ્ટના બેનર હેઠળ ચ ચાલે છે અને આ ટ્રસ્ટમાંથી મંદિરના વિકાસની કામગીરી પણ કરવામાં આવી છે. ગોંડલથી આશરે ૧૮ કિમીની દૂરી પર વીરપુરનું જલારામ મંદિર આવેલું છે.

ખોડલધામ મંદિર, કાગવડ :

Image Source

ગોંડલથી નજીક કાગવડ(તા. જેતપુર) ગામ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે પણ અહીં અમુક વર્ષો પહેલા પટેલ સમાજ દ્વારા ખોડીયાર માતાજીનું વિશાળ મંદિર નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિર બહુ જ ટૂંકા સમયમાં દેશ-વિદેશમાં પ્રસિદ્ધ બન્યું છે. ગોંડલથી કાગવડ વચ્ચેનું અંતર ૨૩ કિમી છે. અહીં મંદિરમાં તમામ અદ્યતન સુવિધા સાથે બનાવવામાં આવ્યું છે, એ કારણે હવે આ ગામ સમયની સાથે વિકસિત પણ થયું છે.

ગિરનાર પર્વત, જુનાગઢ :

Image Source

હાલમાં જ્યાં ન્યુ રોપ-વે પ્લાન શરૂ કરવામાં આવ્યું એ આજ સ્થળ. અહીં પર્વત, લીલી ધરતીની હરિયાળી, જુના સમયની યાદી આ બધું એકસાથે મળીને અહીંનું વાતાવરણ મોહકતાવાળું બનાવે છે. અહીં સંતોની નગરી છે અને જુદા જુદા ધર્મપંથના આશ્રમોની હારમાળ છે. આપ પણ કુદરતી વાતાવરણને માણવાના શોખીન હોય તો આ જગ્યા બેસ્ટ છે. ગોંડલથી જુનાગઢ ૭૦ કિમી જેટલું દૂર છે. અહીં ટ્રેન, બસ અને કારથી પહોંચી શકવાની સુવિધા મળી રહે છે.

સોમનાથ, વેરાવળ :

Image by Bishnu Sarangi from Pixabay

પ્રભાસપાટણ પાસે થોડા જ અંતરની દૂરી પર સોમનાથ મંદિર આવેલું છે. ભગવાન શિવનું આ મંદિર માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ આખી દુનિયામાં જગવિખ્યાત છે. અહીં લોકો હજારો કિલોમીટરની દૂરીથી શિવદર્શન માટે આવે છે. ૧૯૫૧ની સાલનું આ મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક રહ્યું છે. અહીં દરિયાકિનારે આવતી પવનની લહેર ફરવાની મજામાં વધારો કરે છે. ગોંડલથી સોમનાથ મંદિર વચ્ચે લગભગ ૨૦૦ કિમી જેટલું છે. આપ બસ, ટ્રેન કે કારથી પહોંચી શકો છો.

સાસણ ગીર, તાલાળા :

Image Source

ગીર નેશનલ પાર્કને સાસણ ગીર તરીકે વધારે પ્રસિદ્ધિ મળી છે. સોમનાથથી આ જગ્યા નજીક થાય છે. અહીંની ખુબસુરતી કોઇપણ માણસને આકર્ષણ આપે છે. જંગલ વિસ્તાર, સિંહદર્શન તેમજ વાઈલ્ડ આઉટડોર સીન નિહાળવાની મજા આ જંગલમાં બહુ જ આવે છે. અહીં વન્યજીવની પ્રજાતિઓ જોવા મળે છે તેમજ અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે. ગોંડલથી ગીર નેશનલ પાર્ક ૧૩૫ કિમી જેટલું થાય છે.

તો આ છે ગોંડલ..છે ને આજ પણ મનમાં મખમલી અહેસાસ અપાવે એવું. ગોંડલ એટલે ગામ નાનું પણ નામ મોટું એવી વાત છે. તો આપ પણ સૌરાષ્ટ્રની ટ્રીપ પ્લાન કરી રહ્યાં હોય ત્યારે ગોંડલ સ્થાનિક અને ગોંડલની આસપાસના ખાસ ફરવા જેવા સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં.

આવી જ અન્ય માહિતી જાણવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અહીં આપ દરરોજ નવી માહિતી જાણી શકશો.

#Author : Ravi Gohel

Leave a Comment