૨૦૧૯ની મહાશિવરાત્રીની ઉજવણી કરો આ રીતે અને મહાદેવના અખૂટ આશીર્વાદ મેળવો..

હાલમાં પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલુ છે. મહાશિવરાત્રીના દિવસે એ મેળાનો છેલ્લો દિવસ હશે અને શાહી સ્નાન પછી મેળાનું સમાપન થશે. આ વખતની શિવરાત્રી સોમવારે હોવાથી બહુ જ ખાસ છે. ૪ માર્ચના દિવસે મહાશિવરાત્રીનો અવસર છે. આ દિવસ શિવ ભક્તો માટે બહુ જ ખાસ ગણાય છે.

૨૦૧૯ના વર્ષમાં ૪ માર્ચના દિવસે મહાશિવરાત્રી આખા ભારતમાં મનાવવામાં આવશે. શિવાલયોમાં ભક્તોની ભીડ એકઠી થશે. ભક્તો સદાશિવ શંકરની સેવા, પૂજા, અર્ચના કરશે તેમજ શિવલિંગ પર બીલીપત્ર ચડાવશે અને શંકરને ભાંગનો પ્રસાદ ધરશે. આ અવસર એટલે વધુ પવિત્ર ગણવામાં આવે છે કે, દેવોના દેવા એવા મહાદેવનો અવસર છે. સદાશિવ શંકરદાદાનો દિવસ એ પણ સોમવારે આવતો હોય તો વધુ રંગત બને..

મહાશિવરાત્રીનું મહત્વ

મહાદેવના ઉપાસકો અને ભક્તોમાં આ દિવસે બહુ જ ખુશીનો માહોલ હોય છે. આ દિવસે ભગવાન શંકર માટે ખાસ વ્રત અને પૂજા-અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ માટે પણ મહાશિવરાત્રીનું ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે, અવિવાહિત મહિલા આ વ્રત રાખે તો તેના જલ્દીથી લગ્ન થઇ જાય છે તેમજ વિવાહિત મહિલા તેના પતિના સુખી જીવન માટે આ વ્રત રાખે છે.

આ વ્રતને કેવી રીતે કરવું?

ભગવાન સદાશિવનું વ્રત રાખવા માટે કોઈ કડક નિયમ નથી. સરળતાથી આ વ્રતને રાખી શકાય છે.

 • સવારમાં વહેલા ઉઠીને બ્રમ્હ મુર્હતમાં ઉઠીને સ્નાન કર્યા બાદ ભગવાન શિવની વિધિવત પૂજા કરવી.
 • દિવસમાં ફળનો આહાર, ચા-કોફી કે પ્રવાહીને પી શકાય છે.
 • સાંજના સમયમાં ભગવાન શિવની પૂજા કરીને પછી ભોજન લેવું.
 • અમુક લોકો શિવરાત્રીના દિવસે માત્ર મીઠી વાનગી ખાઈને જ આખો દિવસ પસાર કરે છે.
 • એમ, સગવડતા મુજબ એક ટાઇમનું ફરાળ આરોગીને પણ વ્રતને રાખી શકાય છે.

મહાશિવરાત્રિનું શુભ મુર્હત

આ દિવસને અતિ પવિત્ર ગણવામાં આવે છે એટલે આખા દિવસ દરમિયાન કોઇપણ સમયે અનુકુળતાએ શિવની પૂજા અર્ચના કરી શકો છો.

પૂજાની વિધિ અને જરૂર પડતી સામગ્રી

શિવપુરાણ મુજબ નીચે મહાદેવની પૂજાવિધિ જણાવી છે.

 • શિવલિંગના અભિષેક માટે દૂધ કે પાણી. તેમાં અમુક ટીપાં મધના ઉમેરવા.
 • અભિષેક પછી શિવલિંગ પર સિંદૂર લગાડો.
 • સિંદૂર લગાડ્યા પછી અગરબતી અને દીવો પ્રગટાવો.
 • શિવલિંગ પર બીલીપત્રના પાન ચડાવો.
 • છેલ્લે, અનાજ કે ફળ ચડાવી શકાય છે.
 • પૂજા સંપન્ન થાય ત્યાં સુધી ‘ઓમ નમ: શિવાય’ ના જાપ કરવા.

શિવરાત્રિ અને મહાશિવરાત્રિ વચ્ચેનું અંતર

આખા વર્ષમાં ૧૨ શિવરાત્રિમાંથી મહાશિવરાત્રિને બહુ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે આવતી શિવરાત્રિને માત્ર ‘શિવરાત્રિ’ કહેવાય છે. પરંતુ ફાગણ માસના કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવતી શિવરાત્રિને ‘મહાશિવરાત્રિ’ કહેવામાં આવે છે. અમુક લોકો આ દિવસને મોટી શિવરાત્રિ એવું પણ કહે છે.

તો સોમવારના દિવસે તમે પણ ભગવાન શિવના ગુણગાન ગાઈ અને પૂજા-ધૂપ-દીપ કરીને મહાદેવના સાક્ષાત આશીર્વાદ મેળવો. કમેન્ટમાં લખો “હર હર મહાદેવ.”

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!