ગરબા તો વડોદરા ના જ

બસ, હવે થોડાજ દિવસોમાં નવરાત્રિની શરૂઆત થશે. એ સાથે જ ગુજરાતીઓ, જ્યાં જ્યાં પણ વસે છે, ત્યાં ત્યાં ગરબામાં ઓતપ્રત થઇ જવાનાં.

અહીં વતનથી દૂર, અમેરીકામાં આગામી એક માસના દરેક વીક-એંડમાં ગરબા રમાશે. આ દરમ્યાન ભારતથી, ખુબ પ્રખ્યાત ગાયકો અને એમનાં સાજીંદાઓ અહીં ગુજરાતી પ્રજાને રંગેચંગે ગરબા રમાડવા આવી ચઢવાના છે.

મુંબઇની પ્રખ્યાત ગાયિકા ફાલ્ગુની પાઠક, વડોદરાના અતુલ પુરોહિત, અચલ મહેતા જેવા કુશળ ગરબા ગાયકો પણ દર વર્ષની જેમ આ વર્ષે સમયસર ગુજરાત તથા ગુજરાત ના અન્ય સ્થળો એ આવી જશે. અહીંના ગુજરાતી લોકો મોટી રકમ ખર્ચીને પણ ગરબા મહોત્સવ ઊજવશે અને વતનનો વિરહ દૂર કરવાનો પ્રયત્ન કરશે. વતનમાં ન જઇ શકતાં ગુજરાતીઓ માટે તો આ વ્યવસ્થા આશિર્વાદરૂપ છે. વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતાં ગુજરાતી લોકો આ તહેવાર ખુબ રંગેચંગે ઊજવે છે અને એ રીતે વતન સાથેનો એમનો સબંધ ધબકતો રાખે છે.

ઇંગ્લેંડ,ઑસ્ટ્રેલીયા,આફ્રિકા,કે મિડલ-ઇસ્ટમાં વસતી ગુજરાતી પ્રજા,એક યા બીજી રીતે આ તહેવારનો આનંદ એમની અનુકુળતા મુજબ માણે છે અને ગુજરાતી કલચર ખુદ પોતાનામાં અને નવી પેઢીમાં જીવંત રાખે છે. આવા વખતે વડોદરાના પ્રખ્યાત ગરબા યાદ આવે એ સ્વાભાવિક છે. વડોદરાને ગુજરાતની કલાનગરી તરીકે ઑળખવામાં આવે છે.આ શહેરની તાસિર જ કંઇ જુદી છે. અહીંનાં ગરબા પણ ગુજરાતનાં અન્ય શહેરોના ગરબા કરતાં સાવ જુદા તરી આવે છે. શેરીગરબાથી શરૂ થયેલાં ગરબાનું સ્વરૂપ થોડાં વર્ષોથી બદલાઇ જવા પામ્યું છે.

સિત્તેરના દસકા સુધી દરેક શેરીમાં કે મહોલ્લામાં ગરબા રમાતા. ઘરઆંગણે જ ગરબા રમાતા હોવાથી આખું પરિવાર એમાં સાથે જોડાતું અને એકદમ સલામત વાતાવરણમાં આ ગરબા થઇ શકતા. ત્યારે હજુ મોટા મોટા સ્પીકર્સ સાથેની ડી.જે.સિસ્ટમનો ઉપયોગ કરીને ઘોંઘાટનું પ્રદુષણ ફેલાવાતું ન હતું અને ખુબ જ સાદાઇથી અને પવિત્ર વાતાવરણમમાં ગરબા રમાતા.

હવે ગરબા મોડર્ન થયા છે. શેરી ગરબાની પ્રથા ઓછી થતી જાય છે. એનાં બદલે મોટા મોટા મેદાનોમાં, ભવ્ય રોશની અને ઝાકમઝોળ વાતાવરણ તથા આધુનિક ડી.જે સિસ્ટમ સાથે અને વિદેશી વાજીંત્રો સાથે, પ્રોફસનલ ગાયકોના સુમધુર અવાજમાં ગરબાનું આયોજન થાય છે.એકદમ ભાતીગળ-ટ્રેડીશનલ રંગવેશમાં સેંકડો ખેલૈયા ભવ્ય વાતાવરણ ઊભું કરે છે.મોટા ભાગે યુવતિઓ ચણિયા-ચોળી અને યુવાનો કચ્છ-સૌરાષ્ટ્ર તરફના લોકોનો રંગવેશ,ધોતી,ખેશ,પાઘડી,ચોયણી,જેવો ડ્રેસ ધારણ કરે છે. આ બધા વેશ અત્યંત કલરફુલ,મનમોહક હોય છે.આકર્ષક પરિધાન કરેલાં આ યુવક-યુવતિઓ દર વર્ષે નવિન પ્રકારનાં સ્ટેપ્સ શીખીને ગરબાને આધુનિક સ્વરૂપ આપે છે. થોડાં વર્ષો પહેલાં તો આ ગરબા આખી રાત રમાતા અને ઠેઠ વહેલી સવારે જ એનો અંત આવતો.હવે એનો સમય મર્યાદિત કરવામાં આવ્યો છે.

વડોદરાના ગરબામાં, પરિધાન,ગાયક વ્રુંદનો સુંદર અવાજ અને ખેલૈયાના અદભુત સ્ટેપ્સ,ચાર ચાંદ લગાવી દે છે. આ પ્રકારનાં ગરબા બીજે ક્યાંય થતા હોય એવું ધ્યાનમાં આવતું નથી. શહેરનાં ગરબા ગાયકો, અતુલ પુરોહિત, રેખા રાવલ, વત્સલા પાટીલ, અચલ મહેતા, રવિન નાયક, ડો.કલહંસ જેવાં કલાકારોએ તો આખા વિશ્વમાં વડોદરાનું નામ રોશન કરેલું છે. એંસી-નેવુંના દાયકાથી શરૂ થયેલાં, ડૉ.કલહંસ ના હોમ સાય્ંસ ફેકલ્ટી, આર્કીટેકચર કોલેજ, ને ત્યાર પછી વેકસીન, યુનાઇટેડ વે, આર્કીના ગરબાએ ધુમ મચાવી છે.

હજુ અમદાવાદી પોળ તથા ઘડીયાળી પોળના શેરી ગરબા અકબંધ રહયા છે. શહેરના કારેલીબાગ, અલકાપુરી, મિલનકુંજ કલ્બનાં ગરબા હજુ રંગ જમાવી રહયાં છે.

દરેક ગરબામાં અધવચ્ચે જ માતાજીની આરતી રજુ થઇ જાય છે.મધ્યાંતરમાં સામાન્ય રીતે દરેક ખેલૈયા સમોસા,કચોરી,પાપડીના લોટનો નાસ્તો અને ઠંડા પીણાં લઇને મિત્રો સાથે મોજમઝા કરે છે.

ગરબા દરમ્યાન પણ ખુબ મસ્તી મઝાક થતા હોય છે. આ દિવસોમાં યુવક-યુવતિઓ નવા મિત્રો બનાવે છે, ક્યારેક આ સબંધો અંતે પ્રેમ અને છેલ્લે લગ્નમાં પણ પરિણમે છે. યુવા પેઢી માટે આ ખુબ જ મહત્વનો તહેવાર છે અને વડોદરામાં તો આ નવ દિવસો દરમ્યાન આખું શહેર ગરબામય થઇ જાય છે. મોટા ગજાનાં દૈનિક અખબારો, કોર્પોરેટ કંપનીઓ પણ ગરબા સાથે જોડાય છે અને ખેલૈયાઓને મોટી રકમનાં ઇનામો આપવમાં આવે છે. નવરાત્રી પહેલાં અને પછી પણ ઠેઠ શરદપૂર્ણેમા સુધી ગરબાના કાર્યક્રમો યોજાતા રહે છે. ગરબા ઉત્સવનો અંત આવ્યે શહેર આખું હાંફીને સુસ્ત થઇ જાય છે, જેને કળ વળે ત્યાં સુધીમાં તો પાછો દિવાળીનો તહેવાર આવી જાય છે.

વડોદરાના ગરબા મહાલવા દેશ-પરદેશમાંથી હજ્જારો ગુજરાતીઓ નવરાત્રીના દિવસોમાં વડોદરાના મહેમાન થાય છે. કલાનગરી વડોદરાના ગરબા ન જોયા હોય એવાં ગુજરાતીઓએ ચોક્કસ એક વાર તો આ માટે વડોદરા આવવું જ રહયું!

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – FaktGujarati Team

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment