એક સુખી અને સફળ જીવન માટે અનુસરો આ ગુણો

Image Source

આપણા જીવનમાં ગુણોનું ખૂબ વધારે મહત્વ હોય છે. ગુણોથી ફક્ત આપણો શારીરિક વિકાસ જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. એક સદગુણી વ્યક્તિની ક્રિયાઓથી દેશ અને દુનિયાને પણ ફાયદો થાય છે. ગુણ એ એક વ્યક્તિની એવી વિશેષતા છે કે તે જીવનની મુશ્કેલીઓનો સામનો કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તે વ્યક્તિને માત્ર સફળ બનાવતું નથી, પરંતુ સફળતાની ટોચ પર રહેવામાં પણ મદદ કરે છે.

કોઇપણ માધ્યમ વગર, મુશ્કેલથી મુશ્કેલ ધ્યેયની પ્રાપ્તિ ગુણોના આધારે કરી શકાય છે. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીથી લઈને સ્વામી રામદેવ સુધી ઘણા એવા વ્યક્તિઓના ઉદાહરણો છે જેમણે માધ્યમના અભાવે પણ પોતાના ગુણોના બળ પર સફળતા પ્રાપ્ત કરી છે.

સુખી રહેવા માટે ગુણો પણ ઘણું યોગદાન આપે છે. જ્યારે આપણે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે આપણા ગુણોનો આશરો લઈએ છીએ, ત્યારે આપણે ખરાબ કાર્યો ટાળીએ છીએ કારણ કે આપણા ગુણો આપણને આવું કરવાથી રોકે છે. જો આપણા કર્મ ખરાબ ન હોય તો જ આપણે સફળ થઈ શકીશું અને ખુશ રહી શકીશું.

નહિંતર, આ દુનિયામાં એવા લોકોની અછત નથી કે જેઓ સફળ પણ છે અને ધનવાન પણ પરંતુ ખુશ નથી. ચાલો, આ લેખમાં આપણે મનુષ્યના આવા કેટલાક ગુણો અને તેના મહત્વ વિશે અને કેવી રીતે આ ગુણો સફળ અને સુખી જીવન પ્રાપ્ત કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે તેના વિશે જાણીએ છીએ.

Image Source

પરિશ્રમ:

પરિશ્રમ કે મહેનત એ વ્યક્તિનો એક એવો ગુણ છે જેના વગર સફળતા મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. જો વ્યક્તિમાં બીજો કોઈ વિશેષ ગુણ ન હોય તેમ છતાં જો તે મહેનતી હોય તો તે એક દિવસ સફળતા જરૂર મેળવી લે છે.

પછી ભલે કે પરીક્ષામાં સારા માર્ક લાવવા માટે યાદ કરવાની મગજની મહેનત હોય કે પછી દોડવાની સ્પર્ધામાં પ્રથમ આવવા માટે તેનો અભ્યાસ કરવાની શારીરિક મહેનત, સફળતા મેળવી શકાય છે. પરિશ્રમનો ગુણ હોવાથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. મહેનતી વ્યક્તિ સફળતા મેળવવા માટે ખોટા માર્ગેની પસંદગી કરતો નથી કારણકે તે મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે.

મનુષ્યને મહેનતથી પ્રાપ્ત થયેલી વસ્તુ કે સફળતાનું વધારે મહત્વ હોય છે. જો મહેનતથી પ્રાપ્ત થયેલી વસ્તુ હોય તો વ્યક્તિ તેને સંભાળીને રાખે છે અને તેનો બગાડ કરતો નથી. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ મહેનતથી પૈસા કમાય છે ત્યારે તે નકામી વસ્તુઓ પર ખર્ચ કરતો નથી. જો મહેનતથી સફળતા પ્રાપ્ત થઈ છે તો વ્યક્તિને સંતોષ થાય છે અને તે કોઈ કારણ વગર સફળતા પ્રાપ્ત કરવા માટે ઉત્સુક થતો નથી અને પ્રકૃતિ અને તેના સંસાધનોનો બગાડ કરતો નથી.

Image Source

બુદ્ધિ:

તમે દરેકે તે વાર્તા સાંભળી હશે જેમાં પિતાએ તેના બંને પુત્રોને કેટલાક પૈસા આપ્યા અને તેમને રૂમમાં સામાન ભરવા કહ્યું, જેમાં એક ભાઈએ રૂમમાં થોડો સામાન ભરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જ્યારે બીજાએ દીવાના પ્રકાશથી ઓરડાને ભરી દીધો. બુદ્ધિમાન વ્યક્તિની એ વિશેષતા હોય છે કે તેઓ પહેલા સંજોગોને સમજે છે અને તે પછી દરેક માટે યોગ્ય એવા કોઈ સમાધાનની શોધ કરે છે જે દરેક માટે અનુકૂળ હોય છે. આવા ગુણોવાળા વ્યક્તિઓ મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાઓનું પણ નિરાકરણ શોધે છે.

તેનાલિરામ અને બિરબલ જેવા લોકો તેમના બુદ્ધિમતાના ગુણોને કારણે જટિલથી જટિલ પરિસ્થિતિઓમાં સરળતાથી પોતાનો રસ્તો કાઢી શકે છે. સમજદાર લોકો ખૂબ જ દૂરંદેશી હોય છે. તેમને વસ્તુઓની ઊંડી સમજ હોય ​​છે. ઉપરાંત, આવા વ્યક્તિઓ કોઈપણ કાર્ય કરવા માટે એક સરળ રસ્તો શોધી કાઢે છે.

બુદ્ધિશાળી લોકોની આવી પદ્ધતિઓ કે જેઓ વધુ સંસાધનોનો ઉપયોગ કરીને વધુ સારું અને ઉત્તમ ફળ આપે છે. તે બધાની ભલાઈ માટે ઉપયોગી છે. બુદ્ધિના આ ગુણ આપણને ખરાબ કાર્યો કરતા અટકાવે છે કારણ કે આવી વ્યક્તિને જાણ હોત કે જો તે આજે કંઇક ખોટું કરશે, તો આવતી કાલે તેની અસર તેના પર પણ પડશે. જો તે પ્રકૃતિનો નાશ કરશે તો તેને પણ ખાવા પીવાની સમસ્યા થશે. જો તે ભ્રષ્ટાચાર કરશે, તો આ ભ્રષ્ટાચાર તેને પણ ગળી જશે. આ રીતે, બુદ્ધિનો ગુણ વ્યક્તિને ખરાબ કાર્યોથી બચાવે છે અને તે દેશ અને વિશ્વના હિતમાં પણ છે.

Image Source

સંયમ:

સંયમ માનવીનો એક એવો ગુણ છે જે આજકાલ લોકોમાં ઓછો જોવા મળે છે.સંયમથી જ જીવનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે. મોટા અને મુશ્કેલ કાર્યોમાં સફળતા વગર સંયમની પ્રાપ્તિ થતી નથી.

આપણી આજની પેઢી ક્યાંક સંયમ ગુમાવી રહી છે. આપણને દરેક વસ્તુ ઝડપથી જોઈએ. પરંતુ તેની આડઅસર એ છે કે આપણે ધ્યેય પ્રાપ્ત કરી શકતા નથી અને સાથે સ્વભાવ પણ ચીડિયો બની રહ્યો છે. સંયમ વગર આપણે ઘણી સમસ્યાઓનું સમાધાન પણ શોધી શકતા નથી. પરંતુ ગભરાવાથી આપણે નવી સમસ્યાઓ જાતે ઉત્પન્ન કરીએ છીએ.

આજના આધુનિક યુગમાં આપણને મશીનોને લીધે ઝડપથી ખોટી આદતો પડી જાય છે. ખાદ્ય પદાર્થ કે બીજી કોઇપણ વસ્તુ આપણને તરત જ જોઈએ છીએ. જ્યારે આપણે ભૂલી રહ્યા છીએ કે કોઈપણ વસ્તુ તૈયાર થતા સમય લાગે છે. બીજ એક દિવસમાં વૃક્ષ બની જતું નથી.

જેમ કે કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને એમ કહે છે કે તેની પાસે એક એવી સ્કીમ છે જે થોડા દિવસોમાં તમારા પૈસા બે ગણા કરી દેશે તો તમે તેના પર વિશ્વાસ કરી શકતા નથી કારણકે તમે પણ જાણો છો કે પૈસા બમણા થવા માટે સમય લાગે છે, સંયમની જરૂર છે. જો સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તત્કાલ કંઈ થતું નથી. સંયમનો ગુણ આપણને પતન તરફ જતા અટકાવે છે, ત્યારબાદ જ આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.

Image Source

સાદગી:

તે આપણા જીવનનો સૌથી કિંમતી વારસો છે. સાદગી આપણને ઝગઝગાટમાં પડ્યા વિના સરળ રીતે જીવન જીવવાની કળા શીખવે છે. પરંતુ આજના સમયમાં આપણે સાદગીથી દૂર થઈ રહ્યા છીએ. પછી ભલે વાત કપડાંની હોય, ખાદ્ય પદાર્થોની હોય અથવા રેહવાની કે સજાવટની વાત હોય, બધે ખૂબ આડંબર જોવા મળે છે. તેનો એક મોટો ગેરલાભ એ છે કે આપણે આપણા પૈસા બચાવતા નથી.આપણે તેને નકામી વસ્તુઓ પર ખર્ચ કરીએ છીએ.

આ ટેવ આપણા બાળકોમાં પડી જાય છે પછી તે બીજા બાળકોને જોઈને મોંઘા રમકડાંથી રમવા ઇચ્છે છે. પરંતુ આવી સ્થિતિમાં બાળકો રમત ગમતના મુખ્ય ઉદ્દેશથી દૂર થઈ જાય છે, જેમાંથી બીજા બાળકો સાથે રમવું મુખ્ય છે. તમે જાતે જ વિચારો કે શું તમે તમારા બાળકોને એક મોંઘું રમકડું લઈ આપો છો ત્યારે એ ભય નથી લાગતો કે બીજા બાળકો ક્યાંક તેનું રમકડું તોડી નાખશે.

જ્યારે આ બાળકો મોટા થાય છે ત્યારે તેઓ એવી વસ્તુઓ પર ખર્ચો કરે છે જેની ખૂબ જરૂર ન હોય. આપણે એવી વસ્તુઓ પર વધારે ખર્ચ કરવા લાગીએ છીએ જેના વગર પણ ચાલી શકે છે. મારા જેવા આજની પેઢીના ઘણા લોકો તો કમાઈ પણ એટલા માટે છે કે આવી વસ્તુઓ પર ખર્ચ કરી શકે. તેઓ વિચારતા પણ નથી કે આ પૈસા બચાવશે તો મુસીબતના સમયમાં કામ આવશે.

જે લોકોમાં સાદગીનો ગુણો હોય છે તેમને આ દરેક બાબતો જણાવવાની જરૂર નથી. તેઓ સ્વાભાવિક રીતે આવી વસ્તુઓ તરફ આકર્ષાતા નથી. સાદગીના ગુણ ધરાવતા લોકો કામની વસ્તુઓના વપરાશમાં પોતાનું કાર્ય ચાલુ રાખે છે. તેવા લોકો પોતાના સ્વભાવને લીધે પ્રકૃતિ માટે લાભદાયક સાબિત થાય છે.

father

આજ્ઞાકારી:

મનુષ્યનો એક સૌથી મોટો ગુણ છે. આજે લોકોમાંથી આ મહત્વપૂર્ણ ગુણ ગાયબ થઈ રહ્યો છે. આજે આપણે બધા મનમાની કરવા ઇચ્છીએ છીએ. બાળકો તેમજ યુવાનો પણ માબાપની આજ્ઞાનું પાલન કરવા ઈચ્છતા નથી. પરંતુ જીવનમાં સફળ થવા માટે તેમજ કોઇપણ કાર્યને પૂર્ણ કરવા માટે આજ્ઞાકારી ગુણની જરૂર છે.

થોડું વિચારો, શું હનુમાનજીમાં આજ્ઞાકારીનો ગુણ નથી? ફક્ત એટલું જ નહીં, તેઓ પોતાના પૂજ્ય ભગવાન શ્રીરામની દરેક આજ્ઞાનું પાલન નિષ્ઠાપૂર્વક કરતા હતા. જો અર્જુનમાં આજ્ઞાકારીનો ગુણ ન હોત તો શું તે મહાભારતના યુદ્ધમાં જીત પ્રાપ્ત કરી શકત? પછી વાત પોતાના પરિવારના વડીલોની આજ્ઞાની હોય કે પછી કાર્યસ્થળ પર બોસની, જો આજ્ઞાકારીનો ગુણ ન હોય તો આદેશ એક ભારરૂપ લાગે છે અને અંદર એક વિરોધનો જન્મ થાય છે.

પછી વ્યક્તિને કામ કરવાની ઈચ્છા થતી નથી, પરંતુ એક આજ્ઞાકારી વ્યક્તિ આ દરેક બાબતોથી વિચલિત થતો નથી અને હંમેશા સફળતાના માર્ગ પર આગળ હોય છે.

નિષ્કર્ષ:

આ રીતે આપણે જોઈએ છીએ કે કઈ રીતે ગુણો આપણા પોતાના તેમજ આસપાસના લોકો માટે લાભદાયક હોય છે. દરેક વ્યક્તિમાં બધા પ્રકારના ગુણો નથી હોતા પરંતુ અમુક ગુણો તો દરેક વ્યક્તિમાં હોય છે. જરૂરિયાત એ વાતની છે કે જે ગુણ આપણી અંદર છે આપણે તેના પર ધ્યાન આપીએ. દુઃખની વાત એ છે કે આપણી શિક્ષણ પદ્ધતિમાં બાળકોના ગુણો પર વધારે ધ્યાન આપવામાં આવતું નથી. આપણી અને આપણા બાળકોની અંદર ગુણોનો વિકાસ કરવાની ખૂબ જરૂર છે.પછી વિવિધ ગુણોવાળા લોકો એક સાથે તમામ પ્રકારના કાર્યો કરી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે પોતાને અને આપણા બાળકોના વ્યક્તિગત ગુણોના વિકાસ પર ધ્યાન આપીએ.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment