શ્રી જગન્નાથ પૂરી મંદિરની ઉત્કૃષ્ટ વિશેષતાઓ અને જોવાલાયક સ્થળો.

જગન્નાથ પૂરી ભારતના સૌથી વધારે મહત્વપૂર્ણ તીર્થસ્થળો માંથી એક છે. ભારતના પૂર્વ કિનારે આવેલુ આ ધામ ભગવાન વિષ્ણુના અખિલ બ્રહ્માંડ નામના સ્વરૂપને સમર્પિત છે. તેને ભગવાન વિષ્ણુનું તે સ્વરૂપ માનવામાં આવે છે જે વર્તમાન કળયુગ માટે જવાબદાર છે. આ હકીકત આ તીર્થને વર્તમાન સમયમાં વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે. આદિ શંકરાચાર્યજીએ પણ પૂર્વી ગોવર્ધન મઠની સ્થાપના કરવાના ઉદ્દેશ્યથી આ સ્થળ પસંદ કર્યું હતું. પૂર્વી મઠ તે ચાર મઠો માંથી એક છે જેની સ્થાપના આદિ શંકરાચાર્યજીએ ભારતની ચાર દિશાઓમાં કરી હતી.

Image Source

ઘણા પરિણામો મુજબ જગન્નાથ પુરી ભારતના વિશાળ જીવંત મંદિરોમાંથી એક છે. કલિંગ વાસ્તુ શૈલીનું આ સૌથી મોટું મંદિર છે. આકારમાં કોણાર્કનું સૂર્ય મંદિર ભલે તેનાથી સ્પર્ધામાં હોય પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ મંદિર આપણે ગુમાવી ચૂક્યા છીએ. જગન્નાથ પુરી મંદિરની રસોઈધર સમગ્ર વિશ્વમાં કોઈપણ મંદિર પરિસરમાં આવેલા રસોઈઘરથી વધારે વિશાળ છે. જગન્નાથજીનું અન્ન ક્ષેત્ર, તેનું આ નામ સાચા અર્થમાં તેને અનુકૂળ છે અને તે તેમની વાણીનું સાચું રૂપ છે.

ઘણા વર્ષોથી પૂરી નગરીનું જીવન જગન્નાથ મંદિરની ચારેબાજુ જ કેન્દ્રિત છે. આમતો આ મંદિરમાં વર્ષ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે, પરંતુ અષાઢ મહિનામા અહી ભકતજનોની સંખ્યા ચરમ સીમા પર રહે છે જ્યારે જગન્નાથજીની જગપ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. આ મંદિર શહેરમાં જયારે મે કેટલાક દિવસ વિતાવ્યા હતા ત્યારે મે બે દિવસના દર્શન કર્યા હતા અને પૂરી શહેરના બીજા જોવાલાયક સ્થળોની પણ મુલાકાત લીધી હતી. આ યાત્રા સંસ્મરણમાં હું મુખ્યત્વે મંદિરના વિષયો પર જ ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છું છું. હું પૂરી શહેરના બીજા જોવાલાયક સ્થળોના વિષયો પર વિવિધ આવૃત્તિઓ પ્રસ્તુત કરીશ.

જગન્નાથ મંદિરનો સંક્ષિપ્ત ઇતિહાસ:

Image Source

એવી માન્યતા છે કે જગન્નાથના મૂળ મંદિરનું નિર્માણ સતયુગમાં રાજા ઇન્દ્રધુમ્ન કરાવ્યું હતું. સતયુગ કાળના પ્રમાણ શોધવા નકામા છે. ઇન્દ્રધુમ્ન સરોવર નામનું એક સરોવર હજુ પણ પૂરી શહેરમાં આવેલુ છે.

જગન્નાથ મંદિર સબંધિત કથા જાણીતી અને સર્વસ્વીકૃત છે. આ દંતકથા મુજબ ભગવાન વિષ્ણુ આ ક્ષેત્રના જંગલોમાં મૂળ નીલ માધવ નામે પૂજવામાં આવતા હતા. ઇન્દ્રધુમ્ન માલવાના રાજા હતા. તેમણે વિદ્યાપતિ નામના એક બ્રાહ્મણને નિલ માધવને શોધવાની આજ્ઞા આપી. બ્રાહ્મણે તે ક્ષેત્રના વડાની પુત્રી સાથે લગ્ન કરી તે સ્થળની જાણકારી પ્રાપ્ત કરી લીધી જ્યાં નીલ માધવ હતા. પરંતુ ભગવાનની લીલા અનોખી છે. તેને તે સ્વીકાર્ય ન હતું કે બ્રાહ્મણો તેને શોધે.

છેલ્લે ભગવાન વિષ્ણુની આજ્ઞા મેળવીને રાજા ઇન્દ્રધુમ્ન અહી આવ્યા અને તેને જણાવેલો લાકડાનો લઠ્ઠો મેળવ્યો. આ લઠ્ઠાથી જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ બનાવવામાં આવી. એક ચક્ર પણ કોતરવામાં આવ્યું. ત્યારબાદ રાજાએ ટેકરી ઉપર મંદિરની સ્થાપના કરી.

એક બીજી દંતકથા મુજબ, દેવલોકના શિલ્પકાર વિશ્વકર્માએ મૂર્તિના નિર્માણને મંજૂરી આપી હતી પરંતુ તે સમય દરમિયાન કાર્યશાળામાં કોઇપણના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે કોઈ અવરોધ આવે તો મૂર્તિઓ અધૂરી રહી જાય. પરંતુ અધીરા રાજાએ અંદર જોઈને વિશ્વકર્માના કાર્યમાં વિક્ષેપ ઉત્પન્ન કર્યો જેથી મૂર્તિ અધૂરી રહી ગઈ. વિશ્વકર્માએ ત્યાં સુધી દેવતાઓના શસ્ત્રો બનાવ્યા નહતા.

પ્રાપ્ત થયેલા અભિલેખો મુજબ, ઓછામાં ઓછી ૧૨મી સદીથી મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું. ઉત્કલ ક્ષેત્રના બધા રાજવંશો એ પોતાના શાસનકાળમાં તેમની સારસંભાળ તેમજ રક્ષણ કર્યું હતું.

આ મંદિર ઉપર વિવિધ આક્રમણકારીઓ એ વારંવાર હુમલો કર્યો. ઔરંગઝેબ પછી આદેશ મુજબ આ મંદિર ૧૫ વર્ષ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. તેમના મૃત્યુ પછી જ આ મંદિર ફરીથી ખુલ્યું હતું.

જગન્નાથપુરી મંદિરની વાસ્તુકળા:

જગન્નાથપુરી મંદિર કલિંગ વાસ્તુકલા ની દેઉલ શૈલી પર આધારિત છે. જગમોહન તથા ગર્ભગૃહની ઉપર એક ઊંચુ શિખર તેનું પ્રમાણ છે. જ્યારે તમે ગર્ભગૃહની બહાર મંદિરના પરિસરમાં પ્રવેશ કરશો તો શિખરનો વિશાળ આકાર એકાએક તમને આશ્ચર્ય કરી મૂકશે.

બીજા પ્રાચીન મંદિરોની જેમ જગન્નાથ મંદિર પણ તેની અદભુત કલાકૃતિઓ નો અપ્રતિમ સંગ્રહ છે જેના દર્શન કરીને તમે ખૂબ જ આનંદિત થઈ જશો. આ અદભૂત સંગ્રહઓમાથી કેટલાક અતુલનીય રત્નોથી તમને પરિચિત કરવા માગું છું જેથી જ્યારે પણ તમે આ મનમોહક તેમજ સુંદર મંદિરના દર્શન કરશો ત્યારે આ કલાકૃતિઓના દર્શન કરવાનું ભૂલશો નહીં.

સિંહદ્વારનો અરુણ સ્તંભ:

Image Source

જો તમે સિંહદ્વારથી મંદિરના છેલ્લા ભાગમાં પ્રવેશ કરશો ત્યારે તમે પ્રવેશ દ્વારની સામે એક ઊંચો સ્તંભ જોશો. આ અરુણ સ્તંભ છે જે મૂળ કોણાર્કના સૂર્ય મંદિરમાં સ્થાપિત હતો. કોણાર્ક મંદિર નાશ થયા પછી આ સ્તંભને અહીં લાવીને ફરીથી સ્થાપિત કરવામાં આવ્યો હતો. જમીન ઉપર ઊભા રહીને તમને નહીં દેખાય, પરંતુ આ સ્તંભની ટોચ પર સૂર્યદેવના સારથી અરુણની એક મૂર્તિ છે. એવું લાગે છે જાણે અરુણ ભગવાન જગન્નાથને પ્રાર્થના કરે છે કે, તે ઉત્કલની ધરતી પર સૂર્યદેવની પ્રતિષ્ઠા તેમજ ગૌરવને ફરીથી સ્થાપિત કરે.

સિંહદ્વાર મંદિરનો પૂર્વીય પ્રવેશ દ્વાર છે જે બડા ડંડા અથવા ગ્રાન્ડ માર્ગ પર આવેલો છે. આ માર્ગ ઉપર દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. તેને સિંહદ્વાર કહેવાનું કારણ દ્વાર ઉપર ઉભેલા બે સિંહ છે. સાથે જ દરવાજાની બન્ને બાજુ ભગવાન વિષ્ણુના દ્વારપાળ જય તેમજ વિજય ઉભા છે. પતિત પાવનની મૂર્તિ આ પ્રવેશદ્વારની જમણી બાજુ જોઈ શકાય છે. આ હકીકત આ દ્વારને બીજા ત્રણ દ્વારોથી વધારે મહત્વપૂર્ણ બનાવે છે. જેમણે મંદિરમાં પ્રવેશ મળતો નથી તેઓ આ દરવાજાથી પતિત પાવનના દર્શન કરે છે.

મંદિરની તરફ આગળ વધતા, પ્રખ્યાત ૨૨ પગથીયાઓ આ દ્વારની સરખામણીમાં વધારે નજીક છે. આ સીડીઓ ભક્તોને મુખ્ય મંદિર સુધી લઇ જાય છે. તેથી ભક્તોના હૃદયમાં આ સીડીઓ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધાનો ભાવ રહે છે. રથયાત્રાની શરૂઆત તેમજ અંત પણ દ્વાર પર જ થાય છે. તેથી આ દ્વાર મંદિરની વિવિધ વિધિઓનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. બીજા ત્રણ પ્રવેશ દ્વાર છે, અશ્વ દ્વાર, ગજ દ્વાર તેમજ વ્યાઘ્ર દ્વાર.

જગન્નાથ, બલરામ તેમજ સુભદ્રા:

Image Source

બધા એ જાણે છે કે આપણે જગન્નાથપુરી મંદિર આ ત્રણેય ભાઈ-બહેનોના દર્શન કરવા માટે જોઈએ છીએ. પરંતુ તે ત્રણેય માટે ઉલ્લેખનીય હકીકત એ છે કે તેમની વિશાળ મૂર્તિઓ લીમડાના લાકડાનો ઉપયોગ કરીને બનાવાય છે. તમે જ્યારે પણ તેમની મૂર્તિઓ જુઓ તો આ હકીકત જરૂર ધ્યાનમાં રાખો. જો તમે દર વર્ષે જગન્નાથ મંદિર નથી જતાં તો સંભવ છે કે તમારી દરેક પુરી યાત્રામાં તમે ત્રણેયની જુદી જુદી મૂર્તિઓ જોશો. બની શકે કે તમે પ્રાચીન અને નવી મૂર્તિઓમાં ફરક ન કરી શકો કેમકે નવી મૂર્તિઓ પણ તે રીતે જ કોતરવામાં આવે છે.

તમારામાંથીઘણા વાચકો જાણતા હશે તે જગન્નાથ મંદિરમાં દર ૧૨ – ૧૯ વર્ષે ત્રણેય પ્રાચીન મૂર્તિઓના સ્થાન પર તે પ્રકારની નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. આવું તે વર્ષે કરવામાં આવે છે જ્યારે અધિક માસ અથવા પરષોત્તમ મહિનો આવતો હોય. પરસોત્તમ મહિનો દર ૧૨ થી ૧૯ વર્ષની વચ્ચે અધિકમાસ રૂપે અષાઢ મહિનામાં આવે છે. નવી મૂર્તિઓને એક વિસ્તૃત વિધિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે જેને નબકલેવર કે નવકલેવર કહેવામાં આવે છે.

મૂર્તિઓને જોતા જ સૌપ્રથમ તમારી નજર તેની મોટી મોટી ગોળાકાર આંખો પર પડે છે. આમ તો તેની પ્રતિકૃતિઓ તમને પૂરી શહેરમાં બધે જ જોવા મળશે પરંતુ દૂરથી પણ ગર્ભગૃહમાં સીધા જ દેવોના દર્શન કરવા એ કોઈ દૈવી અનુભવથી ઓછું નથી. તેથી તેમની છબીઓને તમારી આંખો તેમજ હદયમાં અમર કરી લો.

ગર્ભગૃહમાં જે ત્રણ ભગવાનોને સ્થાપના કરવામાં આવી છે તેને રત્નવેદી કહે છે. રત્નવેદીનો અર્થ છે રત્નોનું સિંહાસન. રત્નવેદી પર સુદર્શન ચક્ર, શ્રીદેવી, ભૂદેવી તથા મદન મોહનની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

મંગળ આરતી:

Image Source

સવારે ભગવાન જગન્નાથની જે પહેલી આરતી કરવામાં આવે છે તે મંગળ આરતી છે. ત્રણેય ભાઈ-બહેનોને સવારે નિંદ્રામાંથી ઉઠાડવા માટેની આ એક વિસ્તૃત વિધિ છે. મંદિરના દરવાજા ખુલ્યા પહેલા ગીત ગાઈને તેમને નિંદ્રામાંથી જાગૃત કરવામાં આવે છે. ભગવાનના પહેલા દર્શન કરવા માટે સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. જેવા ગર્ભગૃહના દરવાજા ખુલે છે, તેવા ભક્તો દ્વાર સામે ઉમટી પડે છે. ભગવાનના દર્શન કર્યા પછી તેઓ પોતાના દિવસની શરૂઆત કરે છે.

સવારે મંગળ આરતીમાં ભાગ લેવો કે નહીં, તે મારા જેવા દર્શનાર્થીઓ માટે ખૂબ જ મુશ્કેલ પસંદગી હતી. અંતે મેં મંગળ આરતીમાં શામેલ થવાનો નિર્ણય લીધો જેના માટે બ્રહ્મમુહૂર્તમાં સવારે ચાર વાગ્યે ઊઠીને હું મારા અતિથિગૃહથી સિંહદ્વાર તરફ ચાલવા માંડી. પ્રવેશદ્વાર પર મેં મારો ફોન જમા કરાવીને અંદર પ્રવેશ કર્યો. મારી મદદ કરવા માટે એક પંડિત આવ્યા જે મને મુખ્ય મંડપ સુધી લઈ ગયા તથા પહેલી હરોળમાં મને ઉભો રાખી દીધો. પરોઢીયાના તે સમયે પણ મંદિરમાં ભક્તોનો વિશાળ સમૂહ હાજર હતો. તે સમયે મને ખ્યાલ ન હતો કે મંદિરના દરવાજા ખૂલ્યા પછી લોકોની વચ્ચે ઊભું રહેવું મુશ્કેલ બનશે.

પરોઢિયે મંદિરમાં હાજર રહેલા દર્શનાર્થીઓમાં મોટાભાગના સ્થાનીય દર્શનાર્થી હોય છે, જે અહીં નિયમિત આવે છે, કદાચ દરરોજ આવે છે. તેઓને ઉમટેલા જનસમૂહથી આગળ જઈને ભગવાનના દર્શન કેવી રીતે કરવા તે સારી રીતે આવડે છે. પરંતુ આપણા જેવા અજાણ દર્શનાર્થીઓ ગૂંગળામણ તેમજ કચડી નાખવાની સંભાવના થી પીડાય છે. બહાર આવવાનો પણ કોઈ માર્ગ રહેતો નથી. પહેલી હરોળમાં ઊભા રહેવાને લીધે મારી પણ આવી જ હાલત થઈ હતી. મંદિરના દરવાજા ખોલતા જ ભક્તોની ભીડ એવી ઉમટી કે થોડીવાર માટે મારી બુદ્ધિ નિષ્ક્રિય થઈ ગઈ. થોડી ક્ષણો પછી મેં પોતાને નિયંત્રિત કરી. તેથી જો તમે મંગળ આરતીમાં જોડાવા ઇચ્છો છો તો સાવધાન રહો તેમજ સુરક્ષિત દૂર ઉભા રહો.

મંદિરના અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ:

Image Source

ચાર ધામમાંથી પૂરીને ભગવાનનો અને ક્ષેત્ર કહેવામાં આવે છે જ્યાં ભોજન કરવું તેમને ખૂબ જ ગમતું હતું. બદ્રીનાથ ધામમાં ભગવાન ધ્યાન કરે છે, રામેશ્વરમાં તેઓ સ્નાન કરે છે તથા દ્વારકામાં તેઓ નિંદ્રામગ્ન થાય છે.તેમાં કોઈ નવાઈ નથી કે સંપૂર્ણ વિશ્વમાં ભગવાન માટે વિશાળ રસોઈઘર જગન્નાથપુરીમાં છે. તમે આ રસોઈ ઘર જોઈ શકો છો, પરંતુ લંગરથી વિપરીત, જ્યાં તમે સેવા કરી શકતા નથી. રસોઈ ઘરની મુલાકાત માટે પ્રવેશ ફી જરૂરી છે.

રસોઈ ઘરની મુલાકાતનો સર્વોત્તમ સમય સવારનો છે જ્યારે માટીના વાસણોમાં ખોરાક રાંધવામાં આવે છે. ધોતી પહેરીને અનેક પુરોહિતો ભાજી કાપે છે તથા હરોળમાં રહેલા પારંપારિક ચૂલા પર રસોઈ બનાવે છે. ભગવાન માટે ૫૬ પ્રકારના વિભિન્ન ભોજન બનાવવામાં આવે છે, જે કાંદા અને લસણ વગરનું શુદ્ધ સાદુ ભોજન હોય છે. રસોઇ ઘરમાં ઉપયોગમાં લેવાતું પાણી બે કૂવામાંથી લાવવામાં આવે છે જેના નામ ગંગા તેમજ યમુના રાખ્યા છે. વિશ્વના કોઇ પણ મંદિરના સૌથી મોટા રસોઈઘરમાં વિભિન્ન પ્રવૃત્તિઓની મુલાકાતનો આનંદ લેવો એ એક અદ્વિતીય અનુભવ છે.

સવારથી મધ્યરાત્રી સુધી દિવસ દરમિયાન છ વાર ભગવાનને ભોજન અર્પણ કરાય છે. જગન્નાથ મંદિરના મહાપ્રસાદ વિશે વધારે જાણકારી અહીંથી મેળવો.

પૂરીના જગન્નાથ મંદિરના મહાપ્રસાદથી ભરેલા ઘડા સંપૂર્ણ દિવસમાં શહેરના જુદા જુદા સ્થળોએ લઇ જવાય છે. જો તમે પૂરી શહેરના રહેવાસી છો તો કોઈપણ પારિવારિક આયોજન માટે તમે મંદિરથી ભોજન મંગાવી શકો છો. ભલે તે પછી લગ્ન પ્રસંગ હોય તે જન્મદિવસના આશીર્વાદનો પ્રસંગ હોય અથવા ઘરે આવેલા કોઇ મહેમાન માટે ભોજનની જરૂર હોય. મારું માનવું છે કે ભગવાન જગન્નાથના આશીર્વાદને તેમના નિવાસસ્થાન અને તેમના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગો દરમિયાન આમંત્રિત કરવા માટે આ પુરી શહેરની રીત હોવી જોઈએ.

આનંદ બજાર:

આનંદ બજાર તે સ્થળ છે જ્યાં મંદિરના રસોઈઘરમાં બનાવેલો પ્રસાદ વહેંચવા માટે રખાય છે. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય બપોરનો છે. મને વિશ્વાસ છે કે તમારી આંખો સામે તમે આટલી માત્રામાં ભોજન સંપૂર્ણ વિશ્વમાં ક્યાંય અને ક્યારેય પણ જોયું નહીં હોય. લોકો પ્રસાદ ખરીદીને સીધા તે જ માટીના વાસણમાં ખાય છે જેમાં તે બનાવવામાં આવ્યું હોય. આ એક ગીચ, ઘોંઘાટ વાળુ તેમજ અવ્યવસ્થિત બજાર હોય છે. તે પોતાનામાં જ એક અનોખું બજાર છે.

નીલ ચક્ર અથવા શ્રી ચક્ર:

Image Source

મંદિરની ટોચ પર અષ્ટધાતુથી બનેલુ એક વિશાળ ચક્ર છે જેને નીલ ચક્ર અથવા શ્રી ચક્ર કહેવાય છે. આ ચક્ર એટલું જ આદરણીય છે જેટલુ કે ગર્ભગૃહમાં સ્થાપેલા ભગવાન. ચક્ર પર લહેરાતા ધ્વજને પતિતપાવન કહેવાય છે. પ્રાચીનકાળમાં પુરીની યાત્રા માટે નીકળતા શ્રદ્ધાળુઓને સૌપ્રથમ આ ધ્વજના દર્શન થતા હતા. આ ધ્વજ ની એક ઝલક તેઓને જાણકારી આપતી હતી કે તેઓ પુરુષોત્તમ ક્ષેત્રમાં પહોંચી ગયા છે અને તેઓનું ગંતવ્ય તીર્થસ્થળ હવે નજીક જ છે. આ ક્ષેત્રમાં અનેક યાત્રા ગીતો પ્રચલિત છે જેમાં આ ધ્વજ ના પ્રથમ દર્શન મળતાં જ તીર્થ યાત્રીઓમાં આનંદ સ્પષ્ટ દેખાય છે.

નવો ધ્વજ આરોહણ:

મંદિરની ટોચ પર લહેરાતો પતિતપાવન ધ્વજ એક દિવસમાં ઘણીવાર બદલાવાય છે. તે સમયે બધા યાત્રીઓ ગરદન ઊંચી કરીને એકીટશે નવો ધ્વજ લહેરાવવાની વિધિને જુએ છે. અમે મંદિરમાં એકાદશીના દિવસે હાજર હતા. અમે આ ધ્વજ ફરકાવાની વિધિને હજારો ભકતો સાથે જોઈ હતી. જગન્નાથ મંદિરનો આ પણ એક અવિસ્મરણીય અનુભવ છે. તેથી તેમના દર્શન જરૂર કરજો.

આ ધ્વજની એક આશ્ચર્યજનક વિશેષતા એ છે કે આ ધ્વજ પવનના વેગની વિરુદ્ધ દિશામાં ફરકે છે. આ કેવી રીતે સંભવ થાય તે કોઈ જાણતું નથી.

જગન્નાથપુરી સંકુલના બીજા મંદિરો:

જગન્નાથ મંદિર પરિસરમાં અનેક નાનાં મંદિરો છે. લોકોનું માનવું છે કે તેની સંખ્યા ૧૦૮ છે. એવી માન્યતા છે કે ભારતના બધા તીર્થોનું લઘુ રૂપ આ પરિસરમાં ઉપસ્થિત છે.

વિમળા દેવી મંદિર:

વિમળા દેવી મંદિર આ ક્ષેત્રનું શક્તિપીઠ છે. તેનું મંદિર જગન્નાથ મંદિરની નજીક આવેલું છે. અહીં સ્ત્રીઓ દેવીને કંકુ તેમજ બંગડીઓ અર્પણ કરે છે. તમારી પુરી યાત્રા સમયે આ મંદિરના દર્શન જરૂર કરો. દેવીનું એક નવું મંદિર સમુદ્ર કિનારાની નજીક આવેલા પુરી શંકરાચાર્ય મઠની અંદર પણ છે.

દૈનિક વિધિઓ પછી મંદિરના રસોઈઘરમાં બનાવેલો પ્રસાદ જગન્નાથની સાથે વિમળા દેવીને પણ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસાદને ત્યાં સુધી મહાપ્રસાદ માનવામાં નથી આવતો જ્યાં સુધી દેવી તે પ્રસાદને આશીર્વાદ ન આપે.

મહાલક્ષ્મી મંદિર:

એવી માન્યતા છે કે જગન્નાથ મંદિરના રસોઈઘરમાં મહાલક્ષ્મી જ ભોજન બનાવવાની પ્રક્રિયાની દેખરેખ રાખે છે. આ પરિસરમાં તેમનું અત્યંત સુંદર મંદિર છે. વિમળા દેવીની જેમ જ મહાલક્ષ્મીને પણ બંગડીઓ તેમજ કંકુ અર્પણ કરવામાં આવે છે.

મંદિર પરિસરમાં કેટલાક બીજા મંદિરો છે, કાંચી ગણેશ, કાશી વિશ્વનાથ, સૂર્યમંદિર, સરસ્વતી મંદિર, વિશ્વના જુદા-જુદા અવતારોને સમર્પિત મંદિર, હનુમાન મંદિર વગેરે.

મંદિર પરિસરમાં સ્તંભો પર આધારિત અનેક ખુલ્લા મંડપ છે.તેમાંથી મુક્તિ મંડપ સૌથી વધારે લોકપ્રિય છે. મારી માન્યતા મુજબ તેનો ઉપયોગ ભક્તો દ્વારા જુદી જુદી વિધિઓ કરવા માટે તેમજ વિશ્રામ માટે કરવામાં આવે છે. ખુબ જ સુંદર તોરણ યુક્ત એક ડોલા મંડપ છે જેનો ઉપયોગ ડોલા યાત્રા માટે કરવામાં આવે છે. સ્નાન વેદીનો ઉપયોગ વાર્ષિક સ્નાન મહોત્સવ દરમિયાન સ્નાન યાત્રા માટે કરવામાં આવે છે.

જગન્નાથપુરી મંદિરના ઉત્સવો:

મંદિરમાં અનેક વિસ્તૃત દૈનિક વિધિઓ કરવામાં આવે છે જે મંદિર તેમજ અહીંના પુરોહિતને આખો દિવસ વ્યસ્ત રાખે છે. અને ઉત્સવ વાર્ષિક સ્તરે પણ આયોજિત કરવામાં આવે છે જેના માટે દુનિયાભરના દર્શનાર્થીઓ અહીં આવે છે. તે સમયે અહીં આનંદનું વાતાવરણ હોય છે.

રથયાત્રા:

Image Source

પુરીનો સૌથી વધારે લોકપ્રિય ઉત્સવ રથયાત્રા છે. ઘણા લોકો પૂરી શહેરને જગન્નાથ મંદિર તેમજ આ રથયાત્રા થી જ ઓળખે છે, જેમાં સેંકડો ભક્તો ત્રણ અતિવિશાળ રથોને ખેંચે છે. આ ઉત્સવનું આયોજન અષાઢ મહિનામાં કરવામાં આવે છે જે અંગ્રેજી પંચાંગ મુજબ જુલાઈ મહિનો હોય છે. દર વર્ષે આ ત્રણ રથોને નવીન રીતે બનાવવામાં આવે છે જે પોતાનામાં એક મહત્વપૂર્ણ તેમજ વિસ્તૃત ઉત્સવ છે. અનેક પ્રકારના કારીગરો તેમાં ભાગ લેવા માટે આવે છે. આ યાત્રા નવ દિવસ સુધી ચાલે છે જ્યારે ત્રણે ભાઈ-બહેનો ત્રણ કિલોમીટરના અંતરે ગુડીચા ઉત્સવમાં પોતાનો વાર્ષિક અવકાશ મનાવે છે.

રથયાત્રાના છેલ્લા દિવસને નીલાદ્રી બીજે કહે છે. આ દિવસે મહાલક્ષ્મી જગન્નાથને ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ કરવા દેતી નથી જ્યાં સુધી તે તેમને એક રસગુલ્લા ખવડાવે નહીં.

ચંદન યાત્રા:

આ ઉત્સવ અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસનું એક મહત્વ એ પણ છે કે તે દિવસથી ત્રણ રથોના નિર્માણનું કામ પણ ચાલુ કરવામાં આવે છે.

સ્નાન યાત્રા તેમજ અનસરા:

વાર્ષિક સ્નાન ઉત્સવ જેઠ મહિનાની પૂનમના દિવસે આયોજિત કરવામાં આવે છે. સ્નાન પછી ત્રણેય ભાઈ બહેનોની મૂર્તિઓને ૧૫ દિવસો માટે અનસરા ઘાટે લઈ જવાય છે. તે સમયે જગન્નાથ મંદિરની અંદર, રત્નવેદી પર તેના સ્થાન ઉપર પટ્ટચિત્ર રાખવામાં આવે છે તથા તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ડોલા યાત્રા:

આ યાત્રા હોળીના પર્વની આસપાસ આયોજિત કરવામાં આવે છે.

પંચક:

આ ઉત્સવમાં ત્રણેય દેવોને જુદા જુદા વેશ તેમજ રૂપ આપવામાં આવે છે.

ગુપ્ત ગુંડિચા:

વિમળા દેવીનો આ ૧૬ દિવસનો ઉત્સવ છે જે આસો નવરાત્રીની આજુબાજુ આવે છે.

જગન્નાથ મંદિરના પૂજારીઓ તેમજ પુરોહિતોને સેવાયત કહે છે. તેઓ ઓરિસ્સાના ઉત્તરીય મોટાભાગના રંગબેરંગી ચિહ્નો ધારણ કરે છે.

જગન્નાથપુરી યાત્રા માટે ની ટિપ્સ:

ફક્ત હિન્દુઓને જ મંદિરની અંદર પ્રવેશ કરવાની મંજૂરી છે. તેમાં બૌદ્ધ ધર્મ,જૈન ધર્મ તેમજ શીખ ધર્મનું પાલન કરનારા ભક્તો ન પણ સમાવેશ થાય છે. બીજા પતિતપાવન મૂર્તિના દર્શન કરી શકે છે જેને મંદિરની બહાર થી જોઈ શકાય છે. મંદિર સવારે પાંચ વાગ્યાથી મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહે છે.

તમે મંદિર તેમજ અહીંની વિવિધ પ્રવૃત્તિઓના દર્શન કરતાં એક સંપૂર્ણ દિવસ વિતાવી શકો છો. સમયના અભાવને લીધે તેને એક થી બે કલાકમાં પણ જોઈ શકો છો.

તમે મંદિરની અંદર ફોન જેવા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જઈ શકતા નથી. મંદિરની અંદર પ્રવેશ કરતા પહેલા તમારો ફોન તેમજ બુટ ચપ્પલ બહાર જમા કરાવવા પડે છે. તમે ફક્ત તમારૂં પાકીટ લઈ જઈ શકો છો. આ વસ્તુઓને જમા કરવા માટે એક અધિકારીક બારી છે. જો તમે આસપાસ આવેલી કોઈ દુકાનેથી કંઈ ખરીદો છો તો તે પણ તમારી જમા વસ્તુઓ રાખે છે.

બુટ ચપ્પલ જમા કરાવાની બારીની નજીક પુસ્તકોની એક દુકાન છે જ્યાંથી તમે મંદિર તેમજ પુરી પર આધારિત કેટલાક પુસ્તકો ખરીદી શકો છો.

વધારે જાણકારી માટે મંદિરની આ વેબસાઈટ જુઓ.

જગન્નાથ મંદિરમાં પંડિત હરેકૃષ્ણ મહાપાત્રજીએ મારું માર્ગદર્શન કર્યું હતું. જો તમે પણ તેની મદદ માંગો છો તો ૯૮૬૧૧ ૧૦૯૦૫ પર તેનો સંપર્ક કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

1 thought on “શ્રી જગન્નાથ પૂરી મંદિરની ઉત્કૃષ્ટ વિશેષતાઓ અને જોવાલાયક સ્થળો.”

Leave a Comment