ઘર માં રહેલા મસાલા શુદ્ધ છે એની પરખ કેવી રીતે કરશો ? આ રહી સરળ રીત

બજારમાં મસાલાનું વેચાણ કરતી ડઝનથી વધારે પ્રખ્યાત કંપનીઓ આવેલી છે. એ કંપનીઓનું હોવું અને ગુણવતા પણ હોવી એ બંને અલગ અલગ વાત છે. ઘણી એવી કંપનીઓ છે માત્ર નામથી જ પ્રખ્યાત છે પણ ક્વોલીટીના મામલામાં ચડિયાતી નથી! આવી કંપનીઓના મસાલા ઘરમાં વાપરતા પહેલા ચેતજો. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ છેડખાની નહીં.

માર્કેટમાં મળતા મસાલા મિલાવટી હોય છે, જે સ્વાસ્થ્યને સુધારવાને બદલે બગાડે છે. મસાલા વાનગીનો સ્વાદ વધારે છે પણ મિલાવટી મસાલાનો જો ઉપયોગ દરરોજ કરશો તો સ્વાસ્થ્યને પણ બગાડશો. જીરું, મરચા પાઉડર, હળદર પાઉડર, કોફી વગેરેને રસોડામાં અવશ્ય ઉપયોગમાં લેવામાં આવે છે પણ મિલાવટી કંપનીઓ માણસોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં જરા પણ ખચકાતી નથી! તો ચાલો આજના લેખમાં અગત્યની માહિતી એ જણાવી દઈએ કે ઘરે જ મસાલાની પરખ કેવી રીતે કરવી અને કેવી રીતે જાણી શકાય કે ખરીદી કરેલ મસાલા મિલાવટી છે કે એકદમ શુદ્ધ?

Image source

હિંગ :

દાળ-શાકના વઘારમાં હિંગનો ઉપયોગ થતો હોય છે. હિંગ પાચનતંત્રને સતેજ બનાવે છે અને નકલી હિંગ સ્વાસ્થ્યને નુકસાન આપે છે. એટલા માટે બજારુ હિંગની પરખ કરવી જરૂરી છે :

કેવી રીતે પરખ કરવી?

 • સ્ટેનલેસ સ્ટીલની ચમચીમાં હિંગના પાઉડરને સળગાવો.
 • અસલી હિંગ પાઉડર કપૂરની જેમ સળગે છે.
 • મીલાવટી હિંગ જલ્દીથી સળગતી નથી.

હિંગમાં સફેદ માટીને ભેળવીને ગ્રાહક સુધી બનાવટી કંપનીઓ પહોંચાડે છે. તો નીચેની રીતથી પરખ થઇ શકે છે.

 • એક ગ્લાસ પાણીમાં એક ચમચી હિંગને ભેળવો.
 • જો હિંગ ઓરીજીનલ હશે તો ગ્લાસના તળિયે માટી જેવો થર થશે નહીં.
 • જો માટીનો ભાગ ભેળવેલ હશે તો ગ્લાસમાં તળિયે થર હિંગ થરના રૂપમાં જોવા મળશે.

Image Source

હળદર પાઉડર :

હળદરને પાઉડરના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને દરેક વાનગીમાં સ્વાદ અને કુદરતી રંગ ઉમેરવા માટે દરેક ઘરના રસોડામાં હળદર પાઉડરનો ઉપયોગ થતો હોય છે.

કેવી રીતે પરખ કરવી?

 • અડધી ચમચી હળદર પાઉડરને એક ગ્લાસ પાણીમાં ભેળવો.
 • કુદરતી હળદર પાણીમાં નીચે જતા જતા પીળો રંગ છોડે છે.
 • મીલાવટી હળદર એકદમ ઘેરો પીળો રંગ છોડે છે.

એવી જ રીતે હળદરના ગાઠીયાની પણ પરખ કરી શકાય છે :

 • એક ગ્લાસ પાણીમાં એક હળદરના ગાઠીયાને ઉમેરો.
 • શુદ્ધ હળદરનો ગાઠીયામાંથી કોઈ રંગ નીકળતો નથી.
 • અશુદ્ધ હળદરને પાણીમાં નાખતાની સાથે જ ચમકદાર પીળો રંગ પાણીમાં ભળવા લાગે છે.

 

તીખા(કાળા મરી):

તીખાને બહુ પૌષ્ટિક તેજાનામાં ગણવામાં આવે છે. મેટાબોલીઝમને સ્વસ્થ કરવા માટે તીખાનો ઉપયોગ કરવામાં આવે છે. ૨૦૧૬ની સાલમાં ભારતમાં નકલી તીખા બજારમાં આવી ગયા હતા અને નકલી તીખાનો વ્યાપાર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો હતો. એ પછી પોલીસ દ્વારા વેચાણ કર્તાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી પણ ત્યાર પછી તીખાની પરખ કરી લેવી ઉચિત ગણાય!

કેવી રીતે પરખ કરવી?

 • એક ગ્લાસ પાણીમાં તીખાને ઉમેરો.
 • અસલી તીખા પાણીમાં નીચે બેસી જાય છે.
 • તીખામાં જો પપૈયાના બી ભેળવવામાં આવ્યા છે તો એ પાણીમાં તરવા લાગશે.

Image by Devanath from Pixabay

લાલ મરચુ :

લાલ મરચાને જલ્દીથી અને વધારે નફાથી વહેંચવા માટે તેમાં સિન્થેટિક કલરનો ઉપયોગ કરીને તેને ભેળસેળવાળા બનાવવામાં આવે છે. આ કલરવાળા મરચાનો પાઉડર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

કેવી રીતે પરખ કરવી?

 • એક ગ્લાસ પાણીમાં ઉપરથી લાલ મરચાનો પાઉડર છાંટો.
 • જો પાઉડર શુદ્ધ હશે તો પાણીમાં ઉપર તરશે.
 • જ્યારે મીલાવટી લાલ મરચાનો પાઉડર પાણીમાં જલ્દીથી રંગ છોડવા લાગે છે.

તજ

તજ સાથે કેસિયા બાર્ક એટલે કે બિલકુલ તજ જેવું જ દેખાતું ચાઈનીઝ લાકડું ભેળવવામાં આવે છે.

કેવી રીતે પરખ કરવી?

 • એક કાચની પ્લેટમાં તજ લો.
 • ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે કેસિયા બાર્કની સપાટ ખરબચડી હોય છે, જયારે ઓરીજીનલ તજની સપાટી થોડી લીસી હોય છે.
 • તજ એકદમ પાતળી છાલનું હોય છે અને કેસિયા બાર્કની જાડાઈ અલગ અલગ હોય શકે છે.

Image Source

જીરું :

જીરામાં બહુ જ ભેળસેળ થતી હોય છે કારણ કે જીરામાં થતી ભેળસેળને પારખવી બહુ જ અઘરી પડે છે. જીરુંમાં ભેળસેળ માટે નકલી ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે.

કેવી રીતે પરખ કરવી?

 • જીરાને બે આંગળીઓ વચ્ચે રગડો.
 • નકલી જીરું કાળા રંગમાં બદલી જાય છે.
 • જીરામાં ઘણીવાર વરીયાળીની પણ મિલાવટ કરવામાં આવે છે. તો એ પરખ કરવાની રીત પણ જાણી લો.
 • થોડી માત્રમાં જીરાને એક વાસણમાં લો.
 • હવે ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે જીરા સાથે વરીયાળીના દાણા પણ જોવા મળશે. જો આવું દેખાય તો એ મીલાવટી જીરું છે.
 • અને સ્વાભાવિક રીતે જીરું અને વરીયાળીના સ્વાદમાં પણ ફેરફાર હોય છે, તો ચાખીને પણ શુધ્ધતાની પરખ કરી શકાય છે.

સરસવના બી :

સરસવના બી ને ઓર્ગેમોનના બી દ્વારા બદલી દેવામાં આવે છે. ત્યારબાદ સરસવના બી પરખમાં લેવા થોડા અઘરા બની જાય છે.

કેવી રીતે પરખ કરવી?

 • કાચની પ્લેટમાં સરસવના બી લો.
 • આ પ્લેટમાં ઓર્ગેમોનના બી શોધવાનો પ્રયત્ન કરો.
 • ઓર્ગેમોન બહારથી ખરબચડા હોય છે અને સરસવના બી ની સપાટી થોડી અલગ હોય છે.
 • ઓર્ગેમોન બી અંદરથી સફેદ હોય છે. સરસવનું બી અંદરથી પીળા રંગનું હોય છે. એટલે બી ને દબાવીને પણ તપાસી શકાય છે.

આવી જ રસપ્રદ અન્ય માહિતી ગુજરાતી ભાષામાં વાંચવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *