સ્વપ્ન સાકાર કરવું હોય તો આવું કરવું પડે – નહીંતર તમને કોઈ કાંઈ સમજાવી ન શકે….

ડોક્ટર પિતાને ત્યાં જન્મેલી રાજલક્ષ્મીને મોડેલીંગ કરવાનું ખૂબ ગમતું હતું. એ હંમેશા સૌંદર્ય સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેતી હતી. હરવા-ફરવાની શોખીન, નૃત્ય અને ટેનીસમાં આગળ પડતો ભાગ લેનારી “રાજલક્ષ્મી” ના જીવનમાં ૨૦૦૭ માં એક મોટો વળાંક આવ્યો.

બેંગાલૂરૂની ઓક્સફોર્ડ ડેન્ટલ કોલેજમાં ઍ હતી, ત્યારે માર્ગ અકસ્માતમાં ઘણી કરોડરજ્જુમાં ઈજા થઇ અને કમરથી નીચેના ભાગમાં લકવા થઇ ગયો.

શરૂઆતનો છ મહિનાનો સમય ભારે અનિશ્ચિતતામાં વીત્યો. બે સફળ સર્જરી અને નિયમિત રીતે ફીઝિયોથેરપી પણ કરી. રાજલક્ષ્મીને આશા હતી કે, તે ફરી ચાલી શકશે. ચાલવા માટે એ સતત પ્રયત્ન કરતી રહી અને એ કારણે જ તેને વ્હીલ્ચેરનો સહારો નહોતો લીધો.

 

પરંતુ ધીમે ધીમે વાસ્તવિકતાને સ્વીકારી અને નવી પરિસ્થિતિના પડકારોને પણ..!! હવે રાજલક્ષ્મી કહે છે કે, આજે વ્હીલ્ચેર જ એની સૌથી સારો મિત્ર છે. આ વ્હીલ્ચેરથી જ એ બાર-તેર જેટલાં દેશોનો પ્રવાસ કરી શકી છે.

ડો. રાજલક્ષ્મીએ બીડીએસ કર્યા પછી બેંગાલુરુની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજમાં ૨૦૧૦માં એમડીએસની ડિગ્રી મેળવી. ત્યારબાદ ઓક્રોડેન્ટીસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આ વર્ષો દરમ્યાન તેને સખત પરિશ્રમ કર્યો. કોલેજ ક્લિનિક ઉપરાંત લેબમાં જવું પડતું હતું.

ઘરે એસાઇન્મેન્ટ તૈયાર કરવાના અને ત્યારબાદ કેસ પ્રેઝન્ટેશન પણ આપવાનું રહેતું. ફેશનનો બેહદ શોખ ધરાવનારી રાજલક્ષ્મીએ આ સઘળી કામગીરી વચ્ચે ફેશન ડીઝાઇનનો અભ્યાસ પણ કર્યો. સ્વસ્થ રહેવા માટે મનોવિજ્ઞાન અને વૈદિક યોગ નો કોર્સ પણ કર્યો.

દિવ્યાંગોના શિક્ષણના અધિકાર માટે અદાલતે ગઈ. તેના પ્રયત્નોથી ૨૦૧૦થી દિવ્યાંગો માટે ત્રણ ટકા અનામતની નીતિ સમગ્ર દેશમાં શરૂ થઇ. ૨૦૧૫માં દિવ્યાંગોના અધિકારો માટે એસ.જે. ફાઉન્ડેશનની સ્થાપના કરી.

આ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને રોજગારી મળે એવા તે પ્રયત્નો કરે છે અને એમના અધિકારો માટે લડત ચલાવે છે. હાલમાં તે કહે છે કે, ભારતમાં દિવ્યાંગતાને પૂર્ણ રૂપે આપણે મુલવી શકતા નથી. એના માપદંડો નક્કી નથી કર્યા. રાજ્લક્ષ્મીનું માનવું છે કે, ઍ વ્યક્તિની માત્ર શારીરિક સ્થિતિ જોઈએ તે પૂરતું નથી.

તે ઉપરાંત એની સામાજિક અને આર્થિક સ્થિતિ પણ જોવી જોઈએ. તે વધુમાં કહે છે કે દિવ્યાંગતાને સ્વીકારવી એ માનસિક અને શારીરિક રીતે પડકારરૂપ છે. શરીરના ઘા તો સમય સાથે ઠીક થઇ જાય છે, પરંતુ માનસિક રીતે સમતુલન કરવું મુશ્કેલ હોય છે.

આવું કહેનાર ડો. રાજલક્ષ્મી જીવન પ્રત્યે અત્યંત આશાવાદી અભિગમ ધરાવે છે. જીવનના સકારાત્મક પાસાને જોતી રાજલક્ષ્મીઍ ૨૦૧૪માં મિસ વ્હીલચેર ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને વિજય મેળવ્યો. ૨૦૧૫માં બેંગાલુરૂમાં આ સ્પર્ધાનું એણે આયોજન પણ કર્યું હતું અને ૨૦૧૭માં પોલેન્ડમાં આયોજિત મિસ વર્લ્ડ વ્હીલચેરમાં મિસ પોપ્યુલારિટીનો ખિતાબ પણ મેળવ્યો.

તે હસતા હસતા કહે છે, ‘મારી સાથે ઘણી વાર એવું બન્યું છે કે દર્દી આવીને પૂછે શું હું ડોક્ટરને મળી શકું?’ એક દિવ્યાંગ વ્યક્તિને માટે ડેન્ટીસ્ટ બનવું મુશ્કેલ હોય છે, પરંતુ એણે ડેન્ટલચેરની ડિઝાઈન એવી કરાવી છે કે, તે વ્હીલચેર પર બેઠા બેઠા દર્દીની સારવાર કરી શકે. તે ટૂંક સમયમાં પોતાના ક્લિનિકની બીજી શાખા શરૂ કરવાની છે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

Rewrite : Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment