When-is-Diwali-2017

દિવાળીના પાંચ દિવસ…

વર્ષોથી કદાચ આપણે એક જ રીતે ઊજવતા આવ્યા છે.

5-days-diwali-facts

ધન તેરસ એટલે ધનની અને ધન્વન્તરીની પૂજા, લક્ષ્મી પૂજા, દાગીનાઓની પૂજા..

કાળીચૌદસ… કાળ રાત્રિ, હનુમાન ચાલીસા, ભૈરવ ઉપાસના, શક્રાદય સ્તુતિ, યંત્ર પૂજન અને કકળાટ ઘરમાંથી ઉસેટી ચાર રસ્તે કાઢી આવવો.

દિવાળી… ચોપડા પૂજન, નવા કપડાં, મિઠાઈની અને ફરસાણની દુકાનોમાં લાઈનો, ફટફટતા ફટાકડાં, દીવડાંઓ જે પછી મીણબત્તીઓનો કે પછી રંગીન કાચના ગોળાઓનો ઝગમગાટ.

નૂતન (બેસતું) વર્ષ… નવા ઉગતા વર્ષનો પ્રથમ દિવસ, વિક્રમ સંવત અને વીર સંવતની શરૂઆત, રંગોળી ને મંદિરોમાં પડાપડી, મઠિયા, સુંવાળી ને ઘુઘરા… શરબતો, સરભરા અને સાલમુબારક…

ભાઈ બીજ… ભાઈને ભાવભર્યું ભોજન, સુખના આશિર્વાદ અને સંબંધોની મંગલકામના..

જો કે, મારા એ પાંચ દિવસ અલગ અને અલગારી તરીકાના વિચારમાં વીતે..!

maxresdefault

ધન તેરસે લક્ષ્મી જેવી મા અને વિષ્ણુ જેવા પપ્પાનું પૂજન થવું જોઈએ. સાચી લક્ષ્મી કે ધન કઈ રીતે મળે એ એમણે શીખવ્યું. એ આવ્યા પછી એને પચાવવાનું અને ચાલ્યા જાય ત્યારે જીરવવાનું ય એમણે શીખવ્યું. આભાસી ચળકાટને કંકુ-ચોખા ચડાવવા કરતાં અંતરને પ્રકાશમય કર્યું છે એમને મસ્તક નમાવવું ગમે છે મને.

કાળી ચૌદસમાં આ કકળાટ કાઢવાની વાત મારા મગજમાં ક્યારેય નથી બેઠી. કકળાટ કાઢીને થોડી મિનીટોમાં કકળતા લોકોને જોયા છે તો આમ પાણી ફેરવી ચાર રસ્તે ક્યારેય કંઈ કાઢવા ના જતા લોકોને આખું વર્ષ આનંદથી રહેતાય જોયા છે. એ દિવસે ગામમાં આંટો દેવા નિકળીએ તો વડાની જ્યાફત ઉડાવતા પ્રાણીઓ અને વાહનો વચ્ચે અટવાતી માટલીઓ થી ભરેલી ચોકડીઓ જોવાની મૌજ તો આવે બાકી. કકળાટ તો બારે મહિના ઘરની બહાર જ રાખવાની ચીજ છે અને ઘુસી પણ જાય તો એને કાઢવા કાળી ચૌદસોની રાહ જોવાની જરૂર નથી, એને આપણા સ્વભાવમાંથી જ વિદાય આપી દેવાય.

દિવાળીનો દિવસ હોય એટલે મિઠાઈની મૌજ તો કરી જ લેવાની. જાત-ભાતની સ્વીટ્સ ખરીદવા દુકાનોની લાઈનોમાં અઠંગ તપસ્વીની જેમ ઊભા રહેવા કરતા મને તો મમ્મીના હાથનો શીરો ખાવાની મજ્જા મજ્જા આવે. આખુંય ઘર રંગબિરંગી કૃત્રિમ રોશનીના ઝગમગાટથી ચળકતું જોવા કરતા ક્યાંક કોઈ એકાદ ટમટમતું તેલ વાળું કોડિયું જોવું મને વધારે ગમે. ફટાકડાઓની રંગીનીઓથી ભરચક આકાશ અને ધૂમધડાકા અને ધુમાડાથી ભરચક રાત જોવાના બદલે મને ત્યારેય ચાંદ વિનાનું પણ તારાઓથી, ગ્રહો, નક્ષત્રોથી ઝગમગતું આકાશ જોવું વધારે ગમે છે.

નવું વર્ષ…મંદિરોમાં ભગવાન પાસે આવનારા વર્ષ માટે સુખ, શાંતિ, સમૃધ્ધિ જેવું બધું માંગી લેવાની કોઈ ખ્વાહિશ નથી.જેના થકી સુખ, શાંતિ, આનંદ અને પ્રેમ મળે છે એમની સાથે મન ભરીને સમય વિતાવવો, એમની ખુશીની વિશ રાખવી, એમને સુખી રાખવા નાનો અમથોય પ્રયત્ન કરવો વધારે પસંદ છે. હોઠ પર પ્લાસ્ટિકીયા સ્મિત ચઢાવી કહેવાતા સંબંધીઓનો વહેવાર સાચવવા નિકળી પડવા કરતા સાચા સ્નેહીઓને વગર મળ્યે દૂરથીય બે શબ્દ પણ દિલથી કહેવામાં આનંદ આવે છે.

ભાઈ બીજ.. ભોજન તો એક બાય-પ્રોડક્ટ બની જાય બાકી બધાંય ભાઈ-બહેનો ટોળે વળે, ધમાલ-મસ્તી, મહિનાઓથી ના મળ્યાનો અફસોસ તો ક્યાંય ભૂલાઈ જાય અને એ મહિનાઓ કેમ વિત્યા, શું જાણ્યું, માણ્યું અને જીવ્યુંની અનેકાનેક વાતો છેડાય. મનોમન એકબીજાની ખુશીઓની, પ્રગતીની દુઆઓ થઈ જાય.

અને અંતે ફરીથી જલ્દી નહીં મળાય એવી જાણ હોવા છતાં જલ્દી મળીશું એવી ધરપત આપીને પોતપોતાના માળાઓ તરફ પ્રયાણ થાય..

આ પાંચ જ દિવસ.. પણ જાણે આખું વર્ષ આ દિવસો આંખોમાં સોનેરી ઉજાસ બની છવાયેલા રહે, હ્રદયમાં મસ્તીના ગીત બની ધબકતા રહે અને મનમાં સતરંગી સ્મરણ બની ઊડાઊડ કરી મુકે.

છેલ્લે મારે તો એટલું જ કહેવુ કે…

“તહેવાર તો એક બહાનું છે બાકી સંબંધોમાં ક્યાં કોઈ રસમ હોવી જોઈએ,
તારા અને મારા હ્રદયમાં ફક્ત પ્રેમની બારમાસી મોસમ હોવી જોઈએ..!”

When-is-Diwali-2017

Source : Aras paras Magazine 

Image : Google

Leave a Comment