ખાસ ધ્યાન રાખજો- અહીં સુધી જાશો તો હદય બંધ પડી શકે છે

ગગનચુંબી પર્વતો સર કરવા કંઈ સહેલા થોડા છે!! છતાં પણ મજબૂત ઈરાદો શિખર સુધી પહોંચાડી દે છે. પરંતુ શું આપ જાણો છો આટલી ઊંચાઈએ પહોંચવા માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?

 

અત્યંત નીચા તાપમાને, અકડાવી મૂકે એવા બરફની વચ્ચે, જ્યાં એક ડગલું માંડવું પણ અશક્ય જેવું લાગે. એમાં હજારો મીટર ઊંચે ચાલવું કેટલું અઘરું હશે? કલ્પના કરી શકો છો તમે?

પર્વતારોહણ એ સાહસ, જોખમ અને રોમાંચથી ભરેલી સફર છે. જ્યારે કોઈ પર્વતારોહક પર્વત પર ચડવાનું શરૂ કરે છે ત્યારે એ પાછો આવશે કે નહીં એ તેને ખુદને ખબર નથી હોતી.

આજ દિવસ સુધીમાં અનેક પર્વતારોહકોએ પોતાના સાહસ અને જીવના જોખમે પર્વતોના શિખરો સર કર્યા છે. તો કેટલાયે પોતાના જીવ ગુમાવ્યા છે. તો આજે આપણે વાત કરીએ વિશ્વના ત્રણ સૌથી ખતરનાક શિખરોની કે જ્યાં સુધી પહોંચતા પહોંચતા હ્રદય બંધ પડવાનું પણ જોખમ રહે છે.

1.  માઉન્ટ એવરેસ્ટ:

આપણે સૌ જાણીએ છીએ તેમ માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. જેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી આશરે ૮,૮૫૦ મીટર છે. આટલી ઊંચાઈએ શ્વાસ લેવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી. અહીંની હવા ખૂબ પાતળી હોય છે અને અત્યંત ઠંડીના કારણે રૂધિર જામી જવાનો પણ ભય રહે છે. તથા એવલાંચ અને અન્ય અનેક જોખમો ખેડ્યાં પછી એવરેસ્ટ સર કરવો શક્ય બને છે.

2. કે-2

કે-2 વિશ્વનું બીજું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી આશરે ૮,૬૧૧ મીટર છે. તેની ચઢાઈ માં આવતી મુશ્કેલીઓને કારણે તેને “કાતિલ પહાડ” કહેવામાં આવે છે. દર ૪માંથી ૧ પર્વતારોહક કે-2ની ચઢાઈ દરમિયાન મોતનો શિકાર બને છે. તે દુનિયાનું સૌથી ખતરનાક શિખર ગણાય છે.

તેને માત્ર જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન જ સર કરી શકાય છે. એવલાન્ચ અને શ્વાસ રોકાઈ જવાના ખતરા ઉપરાંત દુર્ગમ પહાડી માર્ગો પર્વતારોહકોની મુશ્કેલીઓ વધારી દે છે.

3. અન્નપૂર્ણા

નેપાળમાં આવેલું અન્નપૂર્ણા શિખર કે-2 જેટલું જ અથવા તેનાથી પણ વધારે ખતરનાક શિખર છે. તે વિશ્વનું ૧૦મું સૌથી ઊંચું શિખર છે. બર્ફીલા તૂફાનો અને હિમસ્ખલન દર વર્ષે અનેક પર્વતારોહકોના જીવ લે છે.

તેની ઊંચાઈ ૮,૦૦૦ મીટર જેટલી છે. અન્નપૂર્ણા શિખર સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ હોવાથી મૃત્યુદર ખૂબ જ ઊંચો છે. બહું જ ઓછા પર્વતારોહકો અન્નપૂર્ણા શિખર સર કરી શકે છે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *