
આપણે સૌ જાણીએ છીએ કે, ભગવાન શિવ ડમરૂ, નાગ, રૂદ્રાક્ષ અને ત્રિશુલના શોખીન હતા અને આ બધું તેની સાથે હંમેશા રાખતા હતા. શિવરૂપને દર્શાવવા માટે સૌથી પહેલા આ બધી વસ્તુઓનું વ્યાખ્યાન કરવું પડે. પણ શું તમને ખબર છે કે એક ભગવાન સદાશિવનું મંદિર એવું છે, જ્યાં આજે પણ શિવનું ખંડિત ત્રિશુલ મૌજુદ છે.

બાર જ્યોતિર્લિંગ ઉપરાંત ભગવાન શિવના ઘણા મંદિરો સમગ્ર પૃથ્વી પર આવેલા છે, પરંતુ આ મંદિર બધા કરતા ખાસ છે. આ મંદિર પટનીટોપની પાસે આવેલું શંકરનું સુધ મહાદેવ મંદિર છે. પૌરાણિક ગ્રંથમાં તેમજ ધાર્મિક કથા-વાર્તાઓમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. આ મંદિર ૨૮૦૦ વર્ષ જેટલું પૌરાણિક છે અને એટલે જ આ મંદિરનો મહિમા આજે પણ અપરંપાર છે. ચાલો, આપણે પણ જાણીએ આ મંદિર વિશેની જાણકારી…
|| પટનીટોપમાં છે વર્ષો જુનું મહાદેવ મંદિર કે જ્યાં ત્રિશુલ પડ્યું છે…||

જમ્મુથી ૧૨૦ કિલોમીટર દૂર પટનીટોપની પાસે ‘સુધ મહાદેવ’ મંદિર સ્થિત છે. આ મંદિરની એક વિશેષતા એ છે કે અહીં વિશાળ ત્રિશુલના ત્રણ ટુકડા જમીનમાં દટાયેલા પડ્યા છે, જે પૌરાણિક કથા મુજબ આવું કહેવાય છે કે એ ભગવાન શિવના ત્રિશુલના છે. થોડી વધુ માહિતી જાણીએ તો આ મંદિર લગભગ ૨૮૦૦ વર્ષ જુનું માનવામાં આવે છે.

એક સદી પહેલા અહીંના એક સ્થાનીય નિવાસી ‘રામદાસ મહાજન’ અને તેના પુત્ર દ્વારા આ મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં આજે પણ પૌરાણિક શિવલિંગ, નંદી અને શિવ પરિવારની મૂર્તિઓ છે.

- ત્રિશુલના ટુકડાઓ જમીનમાં પડ્યા છે…
આ મંદિરના પરિસરમાં ત્રિશુલના ટુકડાઓ દટાયેલા પડ્યા છે. ભક્તો અહીં આવીને જળાભિષેક કરે છે અને મહાદેવ તરફથી આશીર્વાદ પામે છે. સાથે આ મંદિરમાં નાથ સંપ્રદાયના એક સંત ‘બાબા રૂપનાથ’ને ઘણા વર્ષો પહેલા સમાધિ પણ લીધી હતી. એ બાબાની ધૂણી આજે પણ આ મંદિરમાં મૌજુદ છે. મંદિરની બહાર એક પહાડ છે, જ્યાં બારેમાસ પાણી ઝરતું રહે છે, જે મંદિરમાં ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે તેની નિશાની દર્શાવે છે. એવું કહેવાય છે કે, જે પણ માણસ આ પાણીથી એકવાર સ્નાન કરી લે તો તેના પાપ દૂર થાય છે અને તેને ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે.

- અહીં મેળાનું પણ આયોજન થાય છે
આ મંદિરથી ૫ કિલોમીટર દૂર માતા પાર્વતીની જન્મભૂમિ છે, જેને ‘માનતલાઈ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં માતા પાર્વતીનો જન્મ થયો હતો અને ભગવાન શિવ સાથે વિવાહ પણ થયા હતાં. અહીં એક ગૌરીકુંડ પણ જોવા લાયક છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો પ્રિય માસ ગણવામાં આવે છે ત્યારે અહીં મેળાનું આયોજન પણ થાય છે. હજારોની સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને સાથે શિવના દર્શન કરીને માનવદેહને પવિત્ર કરે છે.
ફક્ત ગુજરાતી પેજ પર તમને ધાર્મિક માહિતી પણ જાણવા મળશે તો આ લેખને મિત્રો સાથે શેયર કરો અને આ પેજ સાથે જોડાયેલા રહેજો કારણ કે, અહીં સ્પેશિયલ તમારા માટે અવનવી માહિતીનો ખજાનો લાવતા રહીએ છીએ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
#Author : Ravi Gohel