૧૫ એવી શાકાહારી ભારતીય થાળીઓ જે સ્વાદથી ભરપૂર છે, તો ચાખો તેમના ભોજનનો સ્વાદ

ભારતીય થાળી એટલે કે સ્વાદ તેમજ સુગંધનો ભવ્ય ઉત્સવ. તેનો સ્વાદ માણવો કોને નથી ગમતો?

જો તમે ભારતીય છો તો તમે ખૂબ સારી રીતે જાણતા હશો કે સંપૂર્ણ ભારતના જુદા જુદા ક્ષેત્રમાં તેની સંસ્કૃતિને ગૌરવવંતી કરતી જુદા જુદા ભોજનની થાળીઓની અદભુત સંકલ્પના છે. જો તમે પ્રવાસી છો, તો તમારે જાણવું જરૂરી છે કે ભારતીય થાળી એ કોઈ એક સંકલ્પના નથી. ભારતના દરેક ક્ષેત્રમાં થાળીનું પોતાનું એક સમર્પિત સ્વરૂપ છે.

ભાત તેમજ અથાણું જેવી કેટલીક વાનગીઓ ભારતની લગભગ બધા પ્રકારની થાળીઓમાં જોવા મળે છે. પરંતુ કેટલીક વાનગીઓ એવી હોય છે જે તે ક્ષેત્રની ખાસ કરીને થાળીની વિશેષતા હોય છે. આ વાનગી તે ક્ષેત્રની સંસ્કૃતિ, સભ્યતા તેમજ વાતાવરણની ઓળખ હોય છે. ચાલો જાણીએ ભારતના દરેક મુખ્ય ક્ષેત્રને સમર્પિત, તેમની સંસ્કૃતિની ઝલક, આ ભોજનની થાળીઓ.

હું પોતે એક શાકાહારી હોવાને લીધે હું ભારતીય થાળીઓના શાકાહારી સંસ્કરણોની હદમાં રહીને આ પ્રસ્તુતિકરણ કરી રહી છું, કારણકે મારા સ્વાદની સીમા અહીં સમાપ્ત થાય છે.

ભારતીય થાળી શું છે?

ભારતમાં રહેનારાઓ માટે થાળી એ કોઈ નવો શબ્દ નથી. પરંતુ થાળી શબ્દથી અજાણ્યા પ્રવાસીઓને હું એ જણાવવા માંગુ છું કે જે ભોજનની થાળીનો સ્વાદ ચાખવાનો હું આગ્રહ કરી રહી છું, તે થાળી આખરે શું છે. થાળી અથવા થાળ શબ્દની ઉત્પત્તિ થળ શબ્દથી થઈ છે. થળ નો અર્થ સ્થળ અથવા ક્ષેત્ર છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ખેડૂતો પોતાના ક્ષેત્રની ઉપજ તથા ઉત્પાદનનો મૂળ એક થાળીમાં ભરીને રાજાઓ તથા જમીનદારોને ભેટ સ્વરૂપે આપતા હતા. તે ભોજન પ્રાંતીય પદ્ધતિ દ્વારા ઉત્પન કરવામાં આવતું હતું. તે પરંપરા હજુ પણ જળવાઈ રહી છે. તફાવત ફક્ત એટલો છે કે હવે આપણે કિંમત ચૂકવીને આ પ્રાંતીય વાનગીઓનો સ્વાદ ચાખીએ છીએ.

મોટાભાગના સ્થળોએ સ્ટીલની ગોળાકાર થાળી હોય છે જેના પર ભોજન પીરસવામાં આવે છે. અમુક સ્થળે પિત્તળ, તાંબુ તથા અમુક વિશેષ સ્થળોએ ચાંદીની થાળીઓમાં પણ ભોજન પીરસવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દેવી-દેવતા, રાજા તથા ધનવાન વ્યક્તિ સોનાની થાળીઓમા ભોજન કરતા હતા. કદાચ તેઓ હજુ પણ સોનાની થાળીઓમાં જ જમતા હશે.

અમુક સ્થળોએ થાળીઓમાં જ વાટકીઓ કોતરેલી હોય છે. મોટાભાગના સ્થળોએ થાળીમાં ઘણી વાટકીઓની લાઈન હોય છે. એક સંપૂર્ણ ભરેલી થાળી જોઈને એવો અનુભવ થાય છે કે જાણે મહારાજ અથવા રસોઇયાએ પોતાનો સંપૂર્ણ પ્રેમ આ થાળીમાં પીરસી દીધો છે.

સામગ્રી:

આયુર્વેદ મુજબ ભારતીય ભોજનમાં છ રસોનો સમાવેશ જરૂરી છે. આ છ રસ જીભ પર રહેલી સ્વાદ કળીઓને સક્રિય કરે છે.

 • ગળ્યો
 • ખારો
 • ખાટો
 • કડવો
 • તીખો
 • તુરો

એક શ્રેષ્ઠ ભારતીય થાળી તે છે જે આ છ રસો વચ્ચે સંતુલન જાળવી રાખે છે. આ છ રસોનો ફક્ત સ્વાદ જ નહીં, પરંતુ સુગંધ તેમજ રંગો સાથે પણ સંતુલન જરૂરી છે. એક શણગારેલી ભારતીય થાળી તે રીતે રંગોથી પથરાયેલી હોય છે જેમ એક દેશ રૂપે ભારત. એક ભારતીય થાળીમાં લાલ, લીલો, વાદળી, પીળો, સફેદ વગેરે અનેક રંગોનો અદભુત સંગમ આંખોમાં ચમક ઉત્પન્ન કરે છે. વિવિધ વાનગીઓમાંથી આવતી સુગંધ આ રસો તેમજ રંગોના મિશ્રણને એક નવી ઊંચાઈ પ્રદાન કરે છે. ભારતમાં હાથથી જ ભોજન જમવાની પ્રથા હતી. મોટાભાગના ભારતીયોને હજુ પણ હાથથી જ જમવામાં આનંદ આવે છે. આંગળીઓ નીચે ભુક્કો થતા પાપડના અવાજ કાનમાં રસ ભેળવે છે. જોવામાં આવે તો એક ભારતીય થાળી આપણી પાંચેય ઇન્દ્રીયોને સંતૃપ્ત કરે છે.

ભારતીય થાળીમાં અનેક પ્રકારનાં અનાજ હોય છે, જે સ્થાનિક ઉત્પાદનો છે. અંતે ભારતીય થાળી દ્વારા તમે કોઈપણ ક્ષેત્રની સર્વોત્તમ સ્થાનિક વાનગીઓનો સ્વાદ લઈ શકો છો. ભાત, રાયતું, કાચું કે સલાડ વગેરે બધા પ્રકારની થાળીઓનું અભિન્ન અંગ હોય છે.

વિદેશી સંસ્કૃતિમાં ભોજનને ભાગોમાં વહેંચીને એક પછી એક પીરસવામાં આવે છે. એક પ્રકારે મારે શું ખાવું છે તથા કયા ક્રમમાં ખાવું છે, તે હું નહીં પરંતુ બીજી વ્યક્તિ નક્કી કરે છે. પરંતુ જ્યારે એક થાળીમાં ભારતીય ભોજન પીરસવામાં આવે છે ત્યારે કેટલું ખાવું તથા કયા ક્રમમાં ખાવું તે હું જાતે નક્કી કરું છું. કેટલાક આયુર્વેદિક જાણકારો અમુક ખાદ્યપદાર્થોને એક વિશેષ ક્રમ મુજબ પદ્ધતિની સલાહ પણ આપે છે.

લસ્સી અથવા છાશ મોટાભાગે ભારતીય થાળીનું એક અભિન્ન અંગ છે. વાતાવરણ મુજબ તમે લસ્સી અથવા છાશની પસંદગી કરી શકો છો.

ચાલો, ભારતના વિભિન્ન ક્ષેત્રોની વિશેષતાઓ વાળી તેમની થાળીઓનો સ્વાદ લઈએ.

Image Source

રાજસ્થાની થાળી:

મારા વિશેષ વલણ માટે માફ કરજો પરંતુ રાજસ્થાની થાળી મને સૌથી વધારે પ્રિય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘીમા બનાવેલી અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઇઓ હોય છે. એક રાજસ્થાની થાળીની અમુક વિશિષ્ટ સ્વાદિષ્ટ વાનગીઓ આ પ્રકારે છે:

 • દાલબાટી ચૂરમાં– રણપ્રદેશનું સૌથી પ્રખ્યાત ભોજન.
 • ગટ્ટાની શાકભાજી – જ્યારે તાજી ભાજી સરળતાથી ન મળે ત્યારે ચણાના લોટથી શાક બનાવવામાં આવે છે.
 • કેર સાંગરી– આ એક પ્રાંતીય જંગલી છોડ છે જે રણપ્રદેશમાં ઉગે છે. કેર સાંગરીનું શાક તેમજ અથાણું બંને બને છે.
 • બાજરાનો રોટલો– બાજરાનો રોટલો સામાન્ય રીતે ઘઉંની રોટલીથી થોડો સૂકો હોય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ઘી લગાવવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
 • લસણની ચટણી-
 • ખીચડી– ખીચડી દાળ, ચોખા, ઘઉં, બાજરો, જુવાર વગેરેથી બનાવવામાં આવે છે.
 • કઢી– કઢી વિવિધ ક્ષેત્રોની થાળીઓનું એક અભિન્ન અંગ છે. કઢીની વિશેષતા એ છે કે દરેક ક્ષેત્રની કઢી બનાવવાની રીત તથા તેનો સ્વાદ જુદો હોય છે.
 • શેકેલો પાપડ
 • ઘેવર– આ એક રાજસ્થાની પારંપારિક મીઠાઈ છે જે મોટાભાગે વર્ષાઋતુમાં જોવા મળે છે.

Image Source

શાકાહારી બંગાળી થાળી:

બંગાળી તથા શાકાહારી! તમે પણ કહેશો કે બંગાળી તેમજ શાકાહારી આ બંને શબ્દો વિરોધી છે. પરંતુ મને આ જાણીને ખૂબ જ આનંદ થયો હતો કે બંગાળી ભોજનમાં પણ શાકાહારી વાનગીઓના અનેક વિકલ્પો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. બંગાળમાં દરેક વસ્તુ મીઠી છે. તો પછી ભોજન કેવી રીતે અળગુ રહે. તેથી કદાચ ભાત સિવાય તમને અહીંની દરેક વાનગી મીઠી લાગશે.

એક શાકાહારી બંગાળી થાળીમાં તમે સામાન્ય રીતે આ વાનગીઓનો સમાવેશ થયેલો જોશો:

 • મિષ્ટી દોઈ– મેં પહેલા જ ઉલ્લેખ કર્યો છે કે બંગાળીઓને દરેક વાનગીમાં થોડી મીઠાશ પસંદ છે. એક બંગાળી થાળીનું સૌથી વધારે પ્રખ્યાત તત્વ છે મિષ્ટી દોઈ અથવા મીઠું દહીં.
 • બેગન ભાજા- તેલમાં શેકેલા રીંગણના મસાલેદાર કટકા.
 • આલુ પોસ્તો- પોસ્ત અથવા ખસખસના દાણા સાથે પકાવેલા બટાકા. આવો મેળ તમે બંગાળમાં જ જોઈ શકશો.
 • લુચી– આ મેંદાની બનેલી નાના આકારની પૂરીઓ છે. તેનો સ્વાદ પણ કદાચ જુદો હોય છે.
 • રસગુલ્લા– કોલકત્તાની આ પ્રખ્યાત મીઠાઈ વગર કોઈપણ બંગાળી થાળી પૂર્ણ થતી નથી.
 • સરસવના તેલમાં બનાવેલી દાળ, મૌસમી ભાજી, ભાત વગેરે પણ ભોજનની થાળીને સંપૂર્ણ બનાવે છે.

Image Source

ગોવાની શાકાહારી થાળી:

જીહા, તમે બરાબર સાંભળ્યું, ગોવામાં શાકાહારી થાળી મળવી સરળ નથી પરંતુ અસંભવ પણ નથી. હવે દરેક સ્થળોએ શાકાહારી થાળી મળી જાય છે. જો તમે એક માંસાહારી થાળીમાંથી બધો માંસાહાર પૃથક કરી દો તો ફકત ભાત, સલાડ તેમજ સોલ કઢી જ બાકી રહે.

એક શાકાહારી થાળીમાં કાચા કેળા, રીંગણ, બટાકા, નીર – ફણસ જેવી સ્થાનિક ભાજીના કટકાને રવામાં વીંટાળીને તથા કરકરા શેકીને માંસાહાર ના સ્થાને પીરસવામાં આવે છે. તેને ‘ફોડી’ કહેવામાં આવે છે. આ કરકરા, મોઢામાં પાણી લાવનારા કટકા તમને ફક્ત ગોવામાં જ મળશે.

ભાજીઓને નાળિયેરના દૂધ તેમજ મસાલાઓની સાથે પકાવીને સ્વાદિષ્ટ રસો તૈયાર કરવામાં આવે છે. તેને શાકાહારી થાળીમાં ભાત સાથે પીરસવામાં આવે છે. સાથે જ મસાલેદાર ઉસળ, પાપડ, અથાણું પણ હોય છે.

 • દાલી તોય – આ સામાન્ય દાળનો એક ઓછો ઘી તેલનો વિકલ્પ છે જેમાં પાણીની માત્રા વધારે હોય છે.એક સુકી ભાજી હોય છે જે સ્થાનિક ઉપલબ્ધતા પર આધારિત હોય છે.તો આ બની ગોવાની શાકાહારી થાળી.

Image Source

ગુજરાતી કાઠીયાવાડી થાળી:

જેમ ભારતીય થાળીઓમાં અનેક પ્રકાર હોય છે, તેવી રીતે ગુજરાતી થાળીમાં પણ અનેક પ્રકાર છે. તેમાં કાઠીયાવાડી થાળી સૌથી વધારે પ્રખ્યાત છે. બંગાળી થાળીની જેમ ગુજરાતી થાળીની વાનગીઓ પણ થોડી મીઠાશ વાળી હોય છે. આશ્ચર્ય થાય છે કે ભારતનો અત્યંત પશ્ચિમ ભાગ તથા અત્યંત પૂર્વીય ભાગ બંનેને મીઠા પ્રત્યે અંધાપો છે. તેમાં પણ ગુજરાતમાં લોકોને લસણ પ્રત્યે વધારે સ્નેહ છે. તેમની ઘણી વાનગીઓમાં મુખ્યત્વે લસણ મુખ્ય હોય છે જેના નામની શરૂઆત તેઓ ‘લસણીયા’ શબ્દથી કરે છે. અમર્યાદિત લાગતી થાળીમાં કેટલીક વાનગીઓ છે:

 • સેવ ટમેટાનું શાક– મારા માટે આ શાક એક થાળીને મુખ્યત્વે ગુજરાતી થાળી બનાવે છે.
 • પાપડનું શાક– તેમાં પાપડનું રસાવાળું શાક બનાવવામાં આવે છે.
 • ઊંધિયું- જુદી જુદી ભાજીઓ તેમજ મુઠીયાથી બનેલુ ખૂબ જ સ્વાદિષ્ટ મિશ્રિત શાક.
 • કઢી ખીચડી-
 • ઢોકળા, ખાંડવી વગેરે મોઢામાં પાણી લાવનારી ચટપટી વાનગીઓ.
 • નાની-નાની રોટલીઓ, બાજરાના રોટલા કે ભાખરી, રોટલા.
 • દેશી ઘી તથા ગોળથી ભોજનની સમાપ્તિ કરી શકાય છે.

Image Source

પંજાબી થાળી:

પંજાબી થાળીઓ પણ વિવિધ પ્રકારની હોય છે. અહીં હું જે ખાય એનો ઉલ્લેખ કરી રહી છું તે મને ખૂબ જ પસંદ છે. આ થાળી જમવાનો શ્રેષ્ઠ સમય શિયાળાની ઋતુ છે, જ્યારે ઠંડા વાતાવરણમાં હૂંફાળા તડકામાં બેસીને અથવા રાત્રે સગડીના તાપે હાથ શેકતા આનંદ લઇ શકાય છે. આ થાળીમાં થોડી વાનગીઓ હોય છે. પંજાબમાં કહેવત છે,”सवा लाख से एक लड़ाऊं” જેનો અર્થ અહીં એવો થાય છે કે મારી એક વાનગી તમારી અનેક વાનગીઓ ભરેલી થાળીથી પણ શ્રેષ્ઠ છે. મારી મનપસંદ પંજાબી થાળીની વાનગીઓ છે:

 • સરસવનું શાક– જેના પર ઘીની સપાટી તરતી રહે છે.
 • મકાઈની રોટલી– ભઠ્ઠા માંથી કાઢેલી તાજી ગરમ મકાઈની રોટલી જેના પર ખૂબ ઘી લગાવેલું હોય છે.
 • સલાડ- લીંબુના રસમાં ડૂબેલા મૂળા સાથે કાચા કાંદા.
 • કેરીનું અથાણું
 • ગોળ – તેનાથી ભોજનનો અંત આવે છે. તેને મીઠાઈ રૂપે ખાવામાં આવે છે તથા ખોરાક પચાવવામાં પણ મદદરૂપ હોય છે. આ થાળીમાં ભલે વાનગીઓની સંખ્યા ઓછી હોય પરંતુ મારો વિશ્વાસ છે કે જો તમે તેને એકવાર ખાશો તો લાંબા સમય સુધી તમને તેનો સ્વાદ યાદ રહેશે.

Image Source

મધ્યપ્રદેશની માળવા થાળી:

આ એક વિશેષ થાય છે જેના વિશે ઘણા લોકો નથી જાણતા. ભારતના હૃદય સ્થળમાંથી આવેલી આ થાળી મેં માંડુમાં ચાખી હતી જે એક સમયે માળવાની રાજધાની હતી. માળવાથી અજાણ લોકોને આ થાળી કદાચ સાદી લાગશે તથા તેના સ્વાદને પ્રેમ કરવા માટે થોડો સમય તથા ધીરજની જરૂર પડશે. શરૂઆતમાં મને તેની મુખ્ય વાનગી પાનીયા તથા બાફના ન ભાવ્યું. ધીમે ધીમે તેના સ્વાદ એ ક્યારે મારી જીભ સાથે મિત્રતા કરી લીધી તેની મને જાણ પણ ન થઈ.

પાનીયા મકાઈના લોટથી બને છે જ્યારે બાફના તુવેરદાળ માંથી બને છે. સામાન્ય રીતે ગાયના છાણના બનેલા છાણાને ચૂલામાં અથવા ખુલ્લામાં બાળીને તેમાં શેકવામાં આવે છે. શેક્યા પહેલા તેને પાંદડામાં બાંધવામાં આવે છે. હાલમાં મોટાભાગના લોકો તેને તંદૂર માં શેકે છે.

માળવાની આ બે વિશેષ વાનગીઓ સાથે માળવા થાળીમાં દાળ, ભાત, મોસમી ભાજી, કઢી, સલાડ તથા એક મીઠાઈ હોય છે.

Image Source

આંધ્રા થાળી:

મારા મત મુજબ આંધ્રા થાળી ભારતની સૌથી વધારે તીખી તેમજ મસાલેદાર વાનગી વાળી થાળી છે. તેની વાનગીઓ પર ગુંટુરના તીખા લાલ મરચાની પરત તરતી રહે છે. ખાસ કરીને સંભાર અને રસમ ખૂબ જ તીખી વાનગીઓ છે. ભાતના સફેદ ચળકતા ઢગલા પર રંગોથી ભરપૂર રસદાર ભાજી પીરસવામાં આવે છે. આંધ્રાાની થાળી ની મુખ્ય વાનગીઓ છે:

 • પરિપ્પુ પોળી– આ દાળોની બનેલી સૂકી ચટણી હોય છે. તેનો ઉપયોગ તલના તેલ અથવા ઘીમા ઘોળીને કરવામાં આવે છે. આ ચટણીઓ કોઈપણ વાનગીનો સ્વાદ વધારે છે.
 • ગોંગુર – આ એક પ્રકારના ખાટા પાંદડા હોય છે જે આંધ્રપ્રદેશમાં ઉગે છે. તે ફક્ત આંધ્રા ભોજનમાં જ જોવા મળે છે. તેમાંથી ચટણી બનાવવામાં આવે છે, દાળમાં નાખવામાં આવે છે તથા શાક રૂપે પણ ખાઈ શકાય છે. મારા માટે આ આંધ્રા ભોજનનો સૌથી સ્વાદિષ્ટ ભાગ છે.
 • રીંગણાની શાકભાજી– ભારતના અનેક ક્ષેત્રોમાં રીંગણનું શાક ખાસ પ્રસંગોએ ભોજનનો મુખ્ય ભાગ હોય છે. આંધ્રા તેમાંથી એક છે.
 • અવક્કાઈ – આ આંધ્રા શૈલીમાં બનેલું કેરીનું અથાણું છે. આ આંધ્રા શૈલીની સાચી ઓળખ છે, તીખું તેમજ મસાલાથી ભરપૂર. જો તમને પણ મારી જેમ વધારે તીખું ખાવાની ટેવ ન હોય તો ભોજન સાથે એક મોટી વાટકી દહીં ખાઈ લો.

Image Source

કાશ્મીરી થાળી:

કાશ્મીરના મોટાભાગના ભાગોમાં કાશ્મીરી શાકાહારી થાળી વિનંતી કરવા પર વિશેષ રૂપે તૈયાર કરવામાં આવે છે. મારી ગુલમાર્ગની મુસાફરી સમયે મને આવી જ એક કાશ્મીરી થાળી જમવાનો અવસર મળ્યો હતો. તેમાં મને આ વાનગી પીરસવામાં આવી હતી:

નદરુ- નદરુ ને કમળકાકડી પણ કહેવાય છે. તેને કરકરા તળીને ખાઈ શકાય છે અથવા કબાબ રૂપે પણ તૈયાર કરવામાં આવે છે.

 • કાશ્મીરી દમાલુ- નાના નાના બટાકાને આખા જ રસામાં નાખવામાં આવે છે. તેમાં કાશ્મીરી મસાલા નાખવામાં આવે છે. મારા જેવા શાકાહારીઓ માટે આ કશ્મીરી ભોજનની ઓળખ છે.
 • હાક – તાજી લીલી શાકભાજીને તેલમાં થોડી રાંધવામાં આવે છે. આ વાનગીનો સ્વાદ કદાચ કડવો હોય છે.
 • અખરોટ ની ચટણી- અખરોટ કાશ્મીર નું ઉત્પાદન છે. અહીં તમને અખરોટ સર્વત્ર જોવા મળશે. સુકામેવા રૂપે તથા વાનગીઓની સામગ્રી રૂપે અખરોટ, ટેબલ ખુરસી વગેરે તથા સ્મારકો ના નિર્માણમાં અખરોટનું લાકડું વગેરે. કાશ્મીરની થાળીમાં આ અખરોટની ખાટી ચટણી રૂપે જોવા મળે છે.
 • કાશ્મીરી રોટલી – સુગંધિત મસાલા નાખેલી તંદુરી રોટલીઓ
 • ફિરની– દૂધમાં બનાવેલી મીઠી સેવૈયા જેમાં પુષ્કળ પ્રમાણમાં સુકામેવા નાખવામાં આવે છે. તેના માટે પેટમાં જગ્યા જરૂર રાખો.
 • દુધીનુ રાયતુ– આ એક પ્રખ્યાત કાશ્મીરી વાનગી છે.
 • કાહવા– કાશ્મીરમાં તમે ગમે તે ખાવ પરંતુ તેની સમાપ્તિ ફક્ત કેસરથી સુગંધિત તથા સૂકા મેવાથી સજ્જ કાશ્મીરના કાહવા થી જરૂર કરો.

Image Source

ઉત્તર કર્ણાટક ની થાળી:

આ થાળીની યાદ મારા મગજમાં ઇન્ફોસિસના દિવસોથી છે. કેળાના પાંદડા ઉપર તે ભોજન પીરસવામાં આવ્યું હતું. તેના માટે ક્યારેક ક્યારેક આપણે રાહ જોતા લોકોની લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. તે થાળી માટે જેટલી પણ વધારે રાહ જોવી પડતી પરંતુ અંતે સંતોષ મળતો હતો.

તે પ્રમાણમાં એક સાદી થાળી હતી. જેમાં જુવારની રોટલી તથા રીંગણનું શાક હતું. ભોજન અને સંપૂર્ણ કરવા માટે ભાત તેમજ સંભાર આપવામાં આવતો હતો. સાથે મસાલા છાશ પણ હતી જેનો આ ભોજન સાથે સારો મેળ હતો. અથાણું, સલાડ તેમજ તળેલા પાપડ ઘણીવાર પીરસવામાં આવતા હતા.

મેં આ પ્રકારની થાળી ફરીથી બિજાપુર તેમજ ધારવાડમાં ત્યાંના સ્થાનિક ઢાબામાં ખાધી જેને ખાનાવલ કહે છે. જુવારની રોટલી નું રીંગણના શાક સાથે અદ્ભુત સંયોજન હોય છે.

આ થાળીમાં ભલે વાનગીઓની સંખ્યા સીમિત હોય પરંતુ તેનો સ્વાદ અદભુત હોય છે.

Image Source

મહારાષ્ટ્રની થાળી:

મહારાષ્ટ્ર એક વિશાળ રાજ્ય છે. તેમ છતાં આ રાજ્યના જુદાજુદા ક્ષેત્રોમાં પણ મરાઠી થાળીઓમાં વિભિન્નતા છે. સામાન્ય રીતે મરાઠી થાળીમાં દાળ, ભાત, રોટલી, મોસમી ભાજીઓ તો હોય જ છે, સાથે બીજી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ હોય છે જેમકે:

 • સાબુદાણાના વડા- આ મને ખૂબ જ પસંદ છે.
 • આમટી– આખી દાળની બનેલી મસાલેદાર રસાવાળી ભાજી જેમાં ખોબરા અથવા નારિયેળ પણ નાખવામાં આવે છે.
 • પુરણપોળી– પ્રખ્યાત મરાઠી મીઠાઈ મીઠા મસાલાના પરાઠા જેવી હોય છે.
 • શ્રીખંડ– દહીના વધારાના પાણીને કાઢીને તેને ખાંડ સાથે ફેઢીને શ્રીખંડ બનાવવામાં આવે છે. ત્યારબાદ એલચી તેમજ જાયફળના ચૂર્ણથી તેના સ્વાદમાં વધારો કરવામાં આવે છે. જ્યારે તેમાં પાકેલી કેરીનો રસ ભેળવવામાં આવે છે ત્યારે તેને આમ્રખંડ કહેવાય છે. શ્રીખંડ અનેક સ્વાદમાં મળી આવે છે જેમકે, એલચી, કેરી, પિસ્તા, બદામ વગેરે.

Image Source

લદાખી શાકાહારી થાળી:

લદાખ પણ એક એવું ક્ષેત્ર છે જ્યાં શાકાહારી થાળી મળવું અસંભવ નહીં પરંતુ મુશ્કેલ જરૂર છે. આ ભાગોમાં શાકાહારી થુકપા મુખ્ય ભોજન છે. તે સૂપ છે જેમાં નુડલ્સ, કેટલીક ભાજીઓ તથા પુષ્કળ પ્રમાણમાં લસણ હોય છે. આ પહાડી ઊંચાઈઓમાં ઓક્સિજનની અછતથી થતી મુશ્કેલીમાં લસણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. લદાખના શાકાહારી ભોજન પરનું અમારું સંસ્કરણ જરૂર વાંચો.

લદાખની શાકાહારી થાળીમાં થૂકપા ઉપરાંત બીજી વાનગીઓ છે:

 • શાકાહારી નુડલ્સ સૂપ
 • અખરોટની ચટણી સાથે શાકાહારી મોમી
 • ખૂબાનીથી બનેલી મીઠાઈ
 • પનીર અને ચીઝ અહીંનું સ્થાનિક ભોજન ન હોવા છતાં પણ સરળતાથી મળે છે.
 • બટર ચા એક પ્રકારની ચા છે જેમાં માખણ તેમજ મીઠું નાંખવામાં આવે છે.
 • ચાંગ પણ એક સ્થાનિક પીણું છે.

Image Source

કર્ણાટક ની થાળી:

તમે બેસશો એટલે તમારી સામે કેળાનું મોટું પાન રાખવામાં આવશે જેના પર પાણી નાખીને તમારે ધોવું પડશે. ત્યારબાદ એક પછી એક સ્વાદિષ્ટ વાનગીઓ આવશે તથા તમારા થાળની શોભા વધારશે. સૌપ્રથમ મીઠું, અથાણું, પાપડ તથા મીઠાઈ પોત પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ થાળમાં બધી વાનગી આવે ત્યાં સુધી બેસો. લીલા રંગની થાળ પર જુદા જુદા રંગોને વિખેરતી અનેક વાનગીઓ જોઈને તમારું મન ખુશ થઈ જશે.

બધી વાનગીઓમાં મારી સૌથી પ્રિય વાનગી કરકરા તળેલા પાપડ, ભજીયા તથા ખાટો સાંભાર જેમાં દાણા નાખેલા હોય છે. આ મિશ્રણ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Image Source

લખનઉ ની થાળી:

લખનઉ મોટાભાગે કબાબ તથા રસ્તા પર વેચાતા ચટપટા નાસ્તા માટે પ્રખ્યાત છે. મારી અંદર બેઠેલી શાકાહારી આત્મા રસ્તા પર વેચાતા આ ચટપટા નાસ્તાથી જ સંતૃપ્ત થઈ ગઈ હતી. મને ખાસ કરીને બેદમિપુરીનું ભોજન ખૂબ પસંદ હતું. આ ભોજનની થાળીમાં ભરવા પુરી, ચણા, રાયતુ, ચટણી તથા મોસમી ભાજી હતી. તેની સાથે ગ્લાસ ભરીને એક લસ્સી આપી હતી. તે ખાયને તમે ખુશ થઈ જશો.

Image Source

નેપાળી થાળી:

નેપાળનું ભોજન ભારતના ભોજનથી જુદું નથી. ત્યાં પણ ભારતની જેમ દાળ-ભાત મુખ્ય ભોજન છે. સાથે મોસમી ભાજીઓ ખવાય છે.

Image Source

મંદિર તેમજ આશ્રમની થાળી:

મેં મારા જીવનમાં અનેક મંદિરો તેમજ આશ્રમોમાં મહાપ્રસાદ ગ્રહણ કર્યો છે. તે પછી કાંચીપુરમનું કાંચી કામકોટી પીઠમનું અન્નક્ષેત્ર હોય કે અયોધ્યાનો આશ્રમ હોય, કુંભના મેળાનો ભંડારો હોય અથવા ગોવાના સ્થાનિક મંદિર હોય. તમે કોઈપણ મંદિર અથવા આશ્રમમાં ભોજન કરો, તો તમને જણાશે કે તે માત્ર ભોજનથી ઘણું વધારે હોય છે. આધ્યાત્મિક વાતાવરણમાં મહાપ્રસાદનું ભોજન ગ્રહણ કરવું અત્યંત અનુષ્ઠાનિક અનુભવ હોય છે. ભગવાનના પ્રસાદ રૂપી આ ભોજનને ખૂબ જ શ્રદ્ધાથી પીરસવામાં આવે છે. ભોજન પ્રત્યે આદરભાવનો અનુભવ મેળવવો હોય તો તમે કોઈ મંદિર અથવા આશ્રમનું ભોજન જરૂર કરો. આ આધ્યાત્મ ભોજન અને ખૂબ જ વિશેષ બનાવે છે.

દક્ષિણ ભારતમાં આશ્રમનું ભોજન થાળમાં પીરસવામાં આવે છે. જેના માટે મોટાભાગે કેળાના પાનનો ઉપયોગ થાય છે. આશ્રમમાં કાંદા અને લસણ જેવા તામસિક પદાર્થો વગર ખૂબ શ્રદ્ધાથી સાત્વિક ભોજન બનાવવામાં આવે છે. ભોજન ભલે સાધુ હોય,પરંતુ સ્વાદિષ્ટ તેમજ ભરપૂર ભોજન આપણને સંતૃપ્ત કરી દે છે. ભોજન શૈલી સ્થાનિક હોય છે તથા તેમાં સ્થાનિક સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેટલી શ્રદ્ધાથી તે બનાવવામાં આવે છે, તમે પણ તેને તેટલી જ શ્રદ્ધાથી ગ્રહણ કરો.

જો તમે ભારતના કોઈ પણ ક્ષેત્રના ભોજનનો મૂળ સ્વાદ ચાખવા માંગો છો, તો મારી સલાહ છે કે તમે ત્યાંના કોઈ આશ્રમ અથવા મંદિરના અન્નક્ષેત્રમાં જરૂર જાઓ તથા ભોજન ગ્રહણ કરો. તેનાથી વધારે સ્થાનીય ભોજન તમને ક્યાંય નહીં મળે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *